Gujarati News

Gujarati News

News of Tuesday, 18th December 2018

તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરીયલમાં સસ્‍પેન્‍સઃ ગડા ઇલેકટ્રોનિક્સ વેચાઇ જશે ? જેઠાલાલ ગુમ થતા ગોકુલધામ સોસાયટી ચિંતાતુર

હંમેશા કોઈને કોઈ મુશ્કેલીમાં ફસાતા રહેતા જેઠાલાલ વખતે એટલી મોટી પ્રોબ્લેમમાં ફસાયા છે કે તેમનો ધંધો જોખમમાં આવી ગયો છે. નટુકાકાએ છાપામાં જાહેરખબર આપ્યા બાદ સુરમાભાઈ નામના માથાભારે શખ્સે જેઠાલાલના ખાતામાં ટોકન જમા કરાવી દીધું છે, અને કોઈપણ ભોગે તે દુકાનને કરોડમાં લઈ લેવા માગે છે.

સુરમાભાઈ સમજવા તૈયાર નથી

જેઠાલાલ દુકાનને બચાવવા સુરમાભાઈ સાથે મિટિંગ પણ કરી આવ્યા છે, પણ સુરમાભાઈએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તેઓ દુકાન પોતાના સાળા માટે ખરીદવા માગે છે, અને કોઈપણ ભોગે તે ડીલ કેન્સલ કરવા માટે તૈયાર નથી. જેઠાલાલ ચાહે તો કાયદાકીય કાર્યવાહી કરી શકે છે તેવું પણ સુરમાભાઈએ કહી દીધું છે.

નટુકાકાને જેલભેગા નથી કરવા ઈચ્છતો જેઠાલાલ

જેઠાલાલે વકીલ સાથે પણ મિટિંગ કરી, પણ તેમાં નટુકાકાને જેલભેગા થવાનો વારો આવે એમ હોવાથી જેઠાલાલને તે ઓપ્શનમાં કોઈ રસ નથી. માત્ર જેઠાલાલ નહીં, તમામ ગોકુલધામવાસીઓ જેઠાલાલની દુકાન કઈ રીતે બચાવવી તે વિચારવામાં વ્યસ્ત છે, પરંતુ કોઈને કશોય રસ્તો નથી મળી રહ્યો.

બાપુજી ભીડે અને ટપુ પહોંચ્યા દુકાન

તેવામાં બાપુજી જેઠાલાલની દુકાને પહોંચે છે. જેઠાલાલ બાપુજીને જોઈને ખુશ થઈ જાય છે, અને તેને લાગે છે કે બાપુજી કોઈ આઈડિયા લઈને આવ્યા છે, અને હવે તેની દુકાન વેચાતી બચી જશે. જોકે, ભીડે અને ટપુ સાથે આવેલા બાપુજી કંઈક એવું કહે છે કે જેને સાંભળી જેઠાલાલ હતાશ થઈ જાય છે, પરંતુ બાપુજી જે કહી રહ્યા છે તે યોગ્ય છે તેમ જેઠાલાલ માની લે છે.

બાપુજીએ આપી સલાહ

ચારે બાજુથી દુકાન બચાવવાના રસ્તા શોધતા-શોધતા થાકેલા જેઠાલાલને દુકાને પહોંચેલા બાપુજી જેઠાલાલને સમજાવે છે કે જ્યારે જીવનમાં આગળ વધવાનો રસ્તો મળે, ત્યારે તેને ભગવાનની મરજી સમજીને ત્યાં રોકાઈ જવું જોઈએ. બાપુજી તેને ચોખ્ખા શબ્દોમાં કહી દે છે કે દુકાન વેચી દેવી હિતાવહ છે.

કોઈ કશું કરી શકે તેમ નથી: બાપુજી

બાપુજીના મોઢે વાત સાંભળી જેઠાલાલને ખૂબ આશ્ચર્ય સાથે આઘાત લાગે છે. ભીડે પણ તેને સમજાવે છે કે બાપુજી જે કહી રહ્યા છે તે બરાબર છે. બાપુજી જણાવે છે કે સ્થિતિમાં આપણામાંથી કોઈ કશુંય કરી શકે તેમ નથી. સુરમા સામે કેસ કરવાનો પણ કોઈ મતલબ નથી. માટે, ભૂલનો સ્વીકાર કરી સુરમાએ આપેલો ચેક બેંકમાં જમા કરાવી દે.

દુકાનનો સામાન ગોકુલધામમાં જશે?

બાપુજી જેઠાલાલને કહે છે કે, દુકાન સાથે આપણું આટલું ઋણાનુબંધ હતું તેમ માની દુકાન ખાલી કરી દેવી. દુકાનનો બધો સામાન ગોકુલધામના ક્લબ હાઉસમાં મૂકી દેવાની વ્યવસ્થા ભીડે કરાવી દે છે, અને બાપુજીના કહેવા પર જેઠાલાલ દુકાન અને ગોડાઉન ખાલી કરવાની તૈયારી શરુ કરી દે છે. હવે જોવાનું રહે છે કે, જેઠાલાલ ખરેખર પોતાની વર્ષોથી જમાવેલી દુકાન ખાલી કરે છે, કે પછી તેને કોઈ રસ્તો કાઢી બચાવી લે છે.

જેઠાલાલ ક્યાં ગાયબ થઈ ગયા?

દુકાને આવેલા બાપુજી, ભીડે અને ટપુને રવાના કરી જેઠાલાલ દુકાન ખાલી કરાવવાની તૈયારી શરુ કરી દે છે. દુકાનેથી જેઠાલાલ ઘરે આવવા નીકળે છે. પણ, મોડી રાત થઈ ગઈ હોવા છતાં તે ઘરે નથી પહોંચતા. જેઠાલાલના મોડા સુધી ઘરે આવવા પર બાપુજી ચિંતાતુર થઈ જાય છે, અને પોલીસ સ્ટેશન જવા તૈયારી શરુ કરે છે. આખરે ક્યાં ગયા જેઠાલાલ? તે આજના એપિસોડમાં જોવા મળશે.

(5:14 pm IST)