Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

જેમનો અવાજ જ તેમની ઓળખ છે, તેની પાછળ દુનિયા પણ પાગલ છે એવા

સૂરોના સરતાજ લતાદીદીનો ૯૧મો જન્મદિન

મુંબઈ : ભારતના સ્વર સામ્રાજ્ઞી લતા  મંગેશકર આજે ૨૮ સપ્ટેમ્બરના રોજ ૯૧ વર્ષના થઈ ગયા છે. પોતાના ગીતો દ્વારા લતા મંગેશકરે ૨ થી ૩ પેઢીઓને પોતાના મધુર અવાજથી મંત્રમુગ્ધ કર્યા છે. સવાર કે પછી રાતને યાદગાર બનાવવી હોય, લતાના કંઠે ગવાયેલા ગીતો લાંબી સફરને પણ સરળ બનાવી દે છે.

લતા મંગેશકર ૩૬ પ્રાદેશિક ભાષાઓમાં ૩૦ હજારથી વધી ગીતો ગાઈ ચૂકયા છે. લતાનો અવાજ જ તેમની ઓળખ છે, જેની પાછળ દુનિયા પણ પાગલ છે.

ગાયકીમાં આગળ વધવા માંગતા દરેક વ્યકિત માટે લતા મંગેશકર માત્ર આદર્શ જ નહીં પરંતુ પૂજનીય છે. લતા દીદીએ માત્ર ૧૩ વર્ષની ઊંમરમાં જ જીવનનું પ્રથમ ગીત ગાયુ હતું. લતા દીદીની ગીત ગાવાની સફર એટલે સુધી આગળ વધી શકી કે, તેમણે અત્યાર સુધીમાં ૨૫૦૦૦ કરતાં પણ વધુ ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. આથી જે લતા દીદીને તેઓ 'વોઈસ ઓફ નેશન' અને 'ડોટર ઓફ નેશન' તરીકે ઓળખવામાં આવે છે.

લતાદીદીનો જન્મ ૨૮ સપ્ટેમ્બર ૧૯૨૯માં ઇન્દોરમાં તેમનો જન્મ થયો હતો. તેમની ત્રણ બહેનો મીના, આશા, ઉષા અને ભાઈ હૃદયનાથ છે. જેઓ પણ આ સંગીત ક્ષેત્રમાં છે.

પિતાના અવસાન બાદ મુંબઈ આવેલા લતાજીએ માસ્ટર અને મેન્ટર વિનાયકના માર્ગદર્શન પ્રમાણે આગળ વધવાનું નક્કી કર્યું હતું અને ગુલામ હૈદરે લતાજીને પ્રથમ બ્રેક આપ્યો હતો. તે સમયે નૂરજહાં, શમશાદ બેગમ અને સુરૈયા ખૂબ પ્રખ્યાત હતા. તેમની વચ્ચે લતાજીએ પોતાની આગવી ઓળખ પ્રાપ્ત કરી હતી.

તેમના પિતાના અવસાન બાદ દ્યરની તમામ જવાબદારી લતા મંગેશકર પર આવી ગઈ હતી. એક ઈન્ટર્વ્યૂમાં લતાજીએ કહ્યું હતું કે, ઘરના બધા સભ્યોની જવાબદારી મારા પર હતી. એવામાં અનેક વખત લગ્ન કરવાનો વિચાર આવતો હતો, છતાં તેના પર અમલ કરી શકતી નહતી. હું ખૂબ જ નાની ઉંમરમાં કામ કરવા લાગી હતી. વિચાર્યું હતું કે, પહેલા બધા ભાઈ-બહેનોને વ્યવસ્થિત સેટ કરી દઉ, પછી તો બહેનના લગ્ન થઈ ગયા અને તેના બાળકો થયા. જે બાદ એમના બાળકોને સંભાળવાની જવાબદારી આવી ગઈ. આમને આમ સમય પસાર થતો ગયો.

લતા મંગેશકરને વર્ષ ૨૦૦૧માં ભારત સરકારે 'ભારત રત્ન'થી સન્માનિત કર્યા હતાં. આ ઉપરાંત તેમને દાદાસાહેબ ફાળકે, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, મહારાષ્ટ્રભૂષણ, નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર સહિતના અનેક ઢગલાબંધ સન્માનો પ્રાપ્ત થયાં છે. લતા મંગેશકરે ૭ દાયકાઓ સુધી ભારતીય સિનેમામાં તેમનું યોગદાન આપ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લતા મંગેશકરના ખુબ જ મોટા પ્રશંસક છે.

હરીશ ભીમાણીએ તેમના પુસ્તક ‘In Search of Lata Mangeshkar’ માં લતા મંગેશકરના ગુજરાત સાથેના સબંધનો ઉલ્લેખ કર્યો છે. લતાજીના પિતા દીનાનાથ મંગેશકરે બે ગુજરાતી બહેનો સાથે લગ્ન કર્યા હતા અને લતા પોતાની નાની પાસેથી માતાજીના ગરબા શીખ્યા હતા. લતા મંગેશકરે દ્યણા બધા ગુજરાતી ફિલ્મી ગીતોને પણ પોતાનો અવાજ આપ્યો છે.

લતા મંગેશકર સાચા અર્થમાં 'ભારત રત્ન' છે. તેમના દ્વારા ગવાયેલા ગીતો આવનારી અનેક પેઢીઓને યાદ રહેશે.

(12:50 pm IST)