Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

ડીઝીટલ દુનિયામાં ગુજરાતી OTT પ્‍લેટફોર્મ ‘ઓહો ગુજરાતી'ને એક વર્ષ પૂર્ણ : નવા ૨૦ શો ની જાહેરાત

‘મિસિંગ' નામની નવી રસપ્રદ વેબ સિરીઝનું ટીઝર લોન્‍ચ : દર્શકોના પ્રેમને વધાવતા અભિષેક જૈન

રાજકોટ તા. ૨૦ : ગત ૭ મે, ૨૦૨૨ ના રોજ, ગુજરાતનું પોતાનું પ્રીમિયમ ગુજરાતી કન્‍ટેન્‍ટ સ્‍ટ્રીમિંગ પ્‍લેટફોર્મ, ‘ઓહો ગુજરાતી' એ ડિજીટલ દુનિયામાં તેનું એક વર્ષ પૂર્ણ કર્યુ. જયારે એક વર્ષ પહેલા આ OTT  પ્‍લેટફોર્મ પ્રથમવાર લોન્‍ચ થયું હતું, ત્‍યારે તે એવા વ્‍યક્‍તિઓના સમૂહનું સપનું હતું, જેઓ કન્‍ટેન્‍ટ બનાવવા, વાર્તાઓ કહેવા અને પોતાની ગુજરાતી ભાષાની તેજસ્‍વીતાને ઉજાગર કરવા માટે ઉત્‍સાહી હતા. ‘ઓહો ગુજરાતી'એ આખા વર્ષ દરમિયાન તમામ શૈલીઓ તથા વિષયો પર વિવિધ શો સાથે આપણને મનોરંજન પુરૂ પાડયું છે. જે વિવિધ વયના લોકો દ્વારા પસંદ કરાયું અને સ્‍વીકારવામાં પણ આવ્‍યું. આ વિવિધ શોમાં આપણે ગુજરાતી ફિલ્‍મ જગતના માનીતા કલાકારો પ્રતિક ગાંધી, હિતેન કુમાર, હિતુ કનોડિયા, આરોહી, કવિન દવે, ટીકુ તલસાનિયા, કેતકી દવે અને અન્‍ય ઘણા જાણીતા અભિનેતાઓને નિહાળ્‍યા છે.

આ પ્‍લેટફોર્મે હવે આ વર્ષ માટે તેના નવા ૨૦-શોની લાઇનઅપની જાહેરાત કરી રહ્યું છે અને આ સાથે  ‘મિસિંગ' નામની નવી રસપ્રદ વેબ સિરીઝનું ટીઝર પણ બહાર પાડ્‍યું છે, આ સિરીઝમાં યશ સોની અને દીક્ષા જોશી મુખ્‍ય ભૂમિકામાં છે અને ટીઝરમાં દર્શાવ્‍યા મુજબ તેને અભિષેક જૈન દ્વારા નિર્દેશિત કરવામાં આવશે. આ સિરીઝ એક સસ્‍પેન્‍સ થ્રિલર હશે જે સામાજિક મુદ્દાઓ તેમજ અપહરણની ઘટનાઓની આસપાસની ઘટનાઓને સંબોધિત કરે છે. ટીઝરમાં યશ સોની અને દીક્ષા જોશીના અદ્દભુત અભિનયની ઝલક જોવા મળી રહી છે. તેઓ એવા પાત્રો નિભાવી રહ્યા છે જે અત્‍યાર સુધી તેઓએ કરેલી ફિલ્‍મોના પાત્રોથી તદન અલગ છે.

અભિષેક જૈન, ઓહો ગુજરાતીના સ્‍થાપક વધુમાં જણાવે છે કે આજે ઓહોની પ્રથમ વર્ષગાંઠ નિમિતે હું એટલું જણાવવા માગું છે કે સખત મહેનત, રાતોના ઉજાગરા, થોડા તણાવ અને તકલીફો વચ્‍ચે, અમારી આ રચના, અમારૂ આ પ્‍લેટફોર્મ વધતું અને વિકસિત થઇ રહ્યું છે, ત્‍યારે ગર્વની લાગણી અનુભવી રહ્યો છું. જયારે અમે પહેલીવાર ઓહો લોન્‍ચ કર્યું, ત્‍યારે અમારૂં પ્રાથમિક ધ્‍યેય નિષ્‍ઠાવાન, મનોરંજક અને તમારા જીવનનો એક ભાગ બની રહે તેવી વાર્તાઓ કહેવાનું હતું. કન્‍ટેન્‍ટ  બનાવવાનું, વાર્તાઓ લખવાનું અને નવા વિચારો સાથેનું આ એક વર્ષ એક રોલરકોસ્‍ટર રાઈડ જેવું રહ્યું છે. જેમાં ઘણી વખત ઉબડ ખાબડ પરિસ્‍થિતિ આવી તો ક્‍યારેક સરળ રસ્‍તો પણ આવ્‍યો. આ એક વર્ષ દરમિયાન અમે ૯ નવોદિત દિગ્‍દર્શકો, ૬ નવોદિત લેખકો અને ૩૪ નવોદિત અભિનેતાઓ સાથે કામ કર્યુ. અને હવે, જેમ જેમ વર્ષ સમાપ્ત થઈ રહ્યું છે, અમે નવા શોઝની જાહેરાત કરી રહ્યા છીએ.

તેઓ કહે છે હાલમાં જ અમે અમારા નવા શો, ‘મિસિંગ'નું ટીઝર બહાર પાડયું. જેને દર્શકોએ ખુબ વખાણ્‍યું અને દર્શકો જાણે છે કે આવનારૂ વર્ષ તેઓ માટે વધુ રોમાંચક હશે કેમકે વધુ શૈલીઓ પર કન્‍ટેન્‍ટ બનાવવામાં આવશે, નવા વિષયોનો પ્રયોગ કરવામાં આવશે, અને શોઝના સ્‍કેલ પહેલા કરતા વધુ વધારવામાં આવશે.  ‘મિસિંગ' કોઇ વાસ્‍તવિક વાર્તા પર આધારીત નહી, પરંતુ વાતિવિક વાર્તાઓ પ્રેરીતી છે. હું આશા રાખું છું કે દર્શકો અમારા માટે તેમનો પ્રેમ અને પ્રશંસા ચાલુ રાખશે અને અમે તેઓને મનોરંજન પૂરૂ પડે એવી ઘણી વધુ આકર્ષક વાર્તાઓ પ્રદાન કરવાનું ચાલુ રાખીશું જે તેઓને સ્‍ક્રીન સામે જકડી રાખે.

(11:30 am IST)