Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

એડ ગુરુ એલેક પદ્મસીનું 90 વર્ષે નિધન

 

મુંબઈ:જાણીતા એડ ગુરુ એલેક પદ્મસીનું 90 વર્ષની જૈફ વયે મુંબઇ ખાતે નિધન થયું છે. તેમનો જન્મ 1928માં થયો હતો અને થોડા સમય પહેલાં જ ભારત સરકારે તેમને પદ્મશ્રી વડે સન્માનિત કર્યાં હતાં. પદ્મશ્રી ઉપરાંત તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર વડે પણ નવાજવામાં આવી ચૂક્યાં છે.  જાહેરખબરની દુનિયાના બેતાજ બાદશાહ મનાતા એલેક પદ્મસીએ અનેક ઉત્કૃષ્ટ જાહેરખબરો બનાવી હતી. તેમની કેટલીયે જાહેરખબરો વિવાદાસ્પદ પણ રહી હતી. તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા કામસૂત્ર કોન્ડોમની એડ ઉપર ભારે હોબાળો પણ થયો હતો. આ એડની ફરિયાદ એએસઆઇ સુધી પહોંચી હતી. આ કોન્ડોમ એડની ટેગલાઇન હતી 'Pleasure of making love' જેના ઉપર એએસઆઇએ વાંધો ઉઠાવ્યો હતો. ત્યાર બાદ એલેક પદ્મસીએ એએસઆઇને તેનો વિકલ્પ આપવા કહ્યું હતું પરંતુ એએસઆઇને કોઇ વિકલ્પ ન મળતા ટેગલાઇન બદલવામાં ન આવી અને આજે પણ આ કોન્ડોમ આ જ ટેગલાઇન સાથે વેચાય છે. એલેક પદ્મસી જાહેરખબરો ઉપરાંત થિયેટરમાં પણ રૂચિ ધરાવતાં હતાં. 1982માં આવેલી ગાંધી ફિલ્મમાં તેઓ મોહમ્મદ અલી ઝીણાના રોલમાં દેખાયા હતાં. એલેક પદ્મસીના નિધન ઉપર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શોક પ્રગટ કર્યો છે. રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપતા તેમને મહાન પ્રતિભા ગણાવ્યાં છે. 

 

(5:18 pm IST)