Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

'ફન્ને ખાં' લીગલ મુશ્કેલીમાં : રિલીઝ અટકાવવા સુપ્રીમ કોર્ટમાં અરજી થઇ

મુંબઈ,તા.૧ : આ ફિલ્મને ત્રીજી ઓગસ્ટે રિલીઝ થતી રોકવા માટે પ્રોડ્યૂસર વાશુ ભગનાનીએ સોમવારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. વાશુએ તેમની અરજીમાં આક્ષેપ મૂક્યો હતો કે, ઇન્ડિયામાં આ ફિલ્મના ડિસ્ટ્રિબ્યૂશન રાઇટ્સ તેમની કંપની પૂજા એન્ટરટેઇનમેન્ટ એન્ડ ફિલ્મ્સ લિમિટેડને આપવામાં આવ્યા હતા. જેના માટે તેમણે આ ફિલ્મના પ્રોડ્યૂસર્સને દસ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.

વાશુ ભગનાની દાવો કરે છે કે, ઐશ્વર્યા રાયની આ ફિલ્મને ઇન્ડિયામાં ડિસ્ટ્રિબ્યૂટ કરવાનો તેમને અધિકાર છે કે જેના માટે ટી-સીરિઝ ના પાડે છે. જોકે, એ ડીલનું પાલન કરવામાં આવ્યું નથી. ભગનાનીએ એના પહેલાં દિલ્હી અને બોમ્બે હાઈ કોર્ટમાં એમ બે અલગ - અલગ અરજી કરી હતી. ૧૯મી જુલાઈએ દિલ્હી હાઈ કોર્ટે ભગનાની ને આ ફિલ્મની રિલીઝમાં હસ્તક્ષેપ ન કરવાની સૂચના આપી હતી. સુપ્રીમ કોર્ટે પહેલી ઓગસ્ટે ભગનાનીનો કેસ સાંભળવા સંમતિ દાખવી છે.

વાશુ ભગનાની દાવો કરી રહ્યા છે કે, તેમની કંપનીએ ક્રિઅર્જ એન્ટરટેઇનમેન્ટના પ્રેરણા અરોરા સાથે મલ્ટિ-પ્રોજેક્ટ ડિસ્ટ્રિબ્યૂશન ડીલ સાઇન કરી હતી. ક્રિઅર્જ એન્ટરટેઇનમેન્ટ આ પહેલાં ભૂષણ કુમારની ટી-સીરિઝની સાથે મળીને 'ફન્ને ખાં'ને કો-પ્રોડ્યૂસ કરી રહી હતી. હવે પ્રેરણા આ ફિલ્મમાંથી આઉટ થઈ ત્યારે ટી-સીરિઝના લોયરે કહ્યું હતું કે, 'પ્રેરણા અરોરાની કંપનીને ટી-સીરિઝની લેખિત મંજૂરી વિના થર્ડ પાર્ટી સાથે કોઈ પણ કોન્ટ્રેક્ટ સાઇન કરવાની મનાઈ હતી. એટલા માટે ક્રિઅર્જ દ્વારા વાશુની કંપનીઝ સાથે જે કોઈ પણ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા હશે એ કાયદા અનુસાર રદબાતલ થાય છે.

ભગનાનીએ ડીલનો ભંગ કરવા બદલ ક્રિઅર્જની વિરુદ્ધ કેસ ફાઇલ કર્યો છે. તેમના લોયરે કહ્યું હતું કે, 'ક્રિઅર્જે મારા ક્લાયન્ટને દસ કરોડમાં ઇન્ડિયા માટેના થીએટ્રિકલ ડિસ્ટ્રિબ્યૂશન રાઇટ્સ વેચ્યા હતા. ૨૦૧૭ની ૧૬મી ડિસેમ્બરે એગ્રીમેન્ટ સાઇન કરતી વખતે સાડાપાંચ કરોડ રૂપિયા ચૂકવવાના હતા. એ પછી પણ પ્રેરણાને રૂપિયાની જરૂર પડી હતી તો મારા ક્લાયન્ટે એડ્વાન્સમાં ટોટલ સાડા આઠ કરોડ રૂપિયા આપ્યા હતા. હવે ટી-સીરિઝ કહે છે કે, આ ફિલ્મને ડિસ્ટ્રિબ્યૂટ કરવાના રાઇટ્સ અમારી પાસે નથી.

(4:06 pm IST)