Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

રાજપૂતોના સ્વાભિમાનની આ લડાઇ છે અને તે લડવા માટે ચોકકસ વ્યુહ રચના કરીને લડવી પડશે

'પદમાવત' ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ વ્યાપક સંપર્ક અભિયાન આદરેઃ રાજભા ઝાલા

રાજકોટ તા. ૧૮: રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ રાજભા ઝાલાના જણાવ્યા મુજબ હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય રાજકોટ ખાતે ફિલ્મ 'પદમાવત' ને રાષ્ટ્રવ્યાપી પ્રતિબંધ મુકવા માટે ગુજરાતના રાજપૂત સમાજના અલગ-અલગ સંગઠનોના આગેવાનોની મીટીંગ મળી ગઇ અને આગામી રણનીતિની પણ ઘડાઇ ગઇ જેમાં રાજભાએ જણાવ્યું હતું કે રાજપૂત સમાજના સ્વાભિમાન માટે અને નારી ગૌરવ અને સંસ્કૃતી અને ઇતિહાસની જાળવણી માટે ગુજરાત રાજપૂત સમાજે તૈયારી દાખવવી પડશે જો રાજસ્થાનના આપણા રાજપૂત યુવાનો 'પદમાવત' ફિલ્મને દેશવ્યાપી રીલીઝ થતી અટકાવવા માટે 'શાકા' એટલે કે જાતનું બલિદાન આપવું અને રાજસ્થાનની માતૃ શકિત ફરીથી જાહેર કરવાની જાહેરાત કરી ચુકયા હોય ત્યારે ગુજરાતના રાજપૂતોની પણ નૈતિક જવાબદારી બને છે કે આપણા સમાજના કોઇ ભાઇ કે ભગીનીને જીવનનું બલિદાન આપતા અટકાવવા માટે પ્રયત્નો કરીને 'પદમાવત' ફિલ્મને રીલીઝ થતું અટકાવવા માટે ગુજરાતના રાજપૂત સમાજના સંગઠનોએ મેદાનમાં ઉતરવું જોઇએ અને આ ફિલ્મને રીલીઝ થતી અટકાવવા માટે વ્યાપક પણે સમગ્ર હિંદુ સમાજના વિવિધ સંગઠનો અને વિવિધ ક્ષેત્રના આગેવાનોને રાજપૂત સમાજના ઓવાનોએ મળીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને રજૂઆત કરવા માટે સંપર્ક કરવાનું નકકી થયું કારણ કે હવે આ ફિલ્મને રજુ થતી અટકાવવા માટે એક માત્ર આશા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પાસે છે ત્યારે તેમને ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં હિંદુ સમાજના આગેવાનો રજુઆત કરે અને ફિલ્મ પર રાષ્ટ્ર વ્યાપી પ્રતિબંધ મૂકીને વડાપ્રધાનશ્રી ક્ષત્રીય સમાજના યુવાનો અને માતૃ શકિતના જીવન બચાવે તેવી વિનંતી કરવામાં આવશે.

રાજપૂત યુવા સંઘના પ્રદેશ અધ્યક્ષ વિશુભા ઝાલાએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે રાજપૂતોના સ્વાભિમાનની આ લડાઇ છે અને તે લડવા માટે ચોકકસ વ્યુહરચના કરીને લડવી પડશે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ક્ષત્રીય સમાજે હંમેશા અન્ય સમાજની પણ રક્ષા કરી છે ત્યારે અન્ય સમાજોને પણ તે વાત સમજાવીને ક્ષત્રીય સમાજની સ્વાભિમાનની લડાઇમાં સાથે જોડવા જોઇએ.

ક્ષત્રીય અગ્રણી પી. ટી. જાડેજાએ પોતાની લાક્ષણિક અદામાં ક્ષત્રીય સમાજને સંબોધતા જણાવ્યું હતું કે આ લડાઇમાં માત્ર શાંતિથી નહિ પરંતુ ઉગ્ર આંદોલન અને જલદ કાર્યક્રમો આપવાની ક્ષત્રીય સમાજે તૈયારી દાખવવી પડશે તેવી હાકલ કરી હતી.

રાજપૂત યુવા સંઘના એમ.ડી. અને ક્ષત્રીય સમાજના પ્રબુદ્ધ અગ્રણી ડો. જયેન્દ્રસિંહ જાડેજાએ પોતાના વકતવ્યમાં ઇતિહાસની છણાવટ કરીને જણાવ્યું હતું કે ભારત દેશની અંદર અને એમાં પણ ગુજરાતમાં ખીલજીએ જે બર્બરતા પૂર્વકનું આચરણ કર્યું છે તેને ફિલ્મના દર્શાવીને સમગ્ર ભારતીય સંસ્કૃતિના અપમાન સમાન ગણાવ્યું હતું અને જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી પોતાની જાતને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના પ્રણેતા ગણાવતા હોય તો 'પદમાવત' ફિલ્મને દેશમાં એક પણ જગ્યાએ પ્રદર્શિત થવા દેવું જોઇએ નહિં.

ક્ષત્રીય સમાજના પીઢ અગ્રણી પ્રવીણસિંહજી જાડેજા (સોળિયા) પોતાના અધ્યક્ષ પ્રવચનમાં જણાવ્યું હતું કે, 'પદમાવત' મુદોએ સમગ્ર રાજપૂત સમાજની અને સમગ્ર હિંદુ સમાજની આન, બાન અને શાન સામે પડકારો ઉભા થયા હોય તેવું લાગે છે ત્યારે રાજપૂત સમાજે સમગ્ર હિંદુ સમાજને જાગૃત કરીને ફિલ્મ 'પદમાવત' પર પ્રતિબંધ મૂકાવા માટે નિષ્ઠા પૂર્વકના પ્રયત્નો કરવા જોઇએ. દરેક રાજકીય પક્ષના આગેવાનોનો પણ સંપર્ક કરીને આ મુદે તેમનું સમર્થન માંગવું જોઇએ અને તે સમર્થન આપવામાં જે રાજકીય આગેવાનો ઉદાશીનતા દાખવે તેને ર૦૧૯ ની ચુંટણીમાં જવાબ આપવાની તૈયારી દાખવવી જોઇએ.

મીટીંગના અંતે નકકી થયેલી રણનીતિ મુજબ રાજયકક્ષાની સંઘર્ષ સમિતીની ઘોષણા કરવામાં આવેલ અને તેનું અધ્યક્ષસ્થાન ડો. જયેન્દ્રસિંહ જાડેજાને સોપેલ અન્ય સભ્યોમાં રાજભા ઝાલા (કણકોટ), દેવતસિંહ જાડેજા (ચાંદલી), શકિતસિંહ જાડેજા (કોટડા નાયણી) અને વિક્રમસિંહ મહારાઉલજીનો સમાવેશ કરવામાં આવેલ તેવી જ રીતે દરેક જીલ્લામાં પણ સંઘર્ષ સમિતિ બનાવીને 'પદમાવત' મુદ્ે લડત આપવાનું નકકી થયેલ.

ઉપરોકત મીટીંગમાં સૌરાષ્ટ્ર-કચ્છના રાજપૂત આગેવાનો સર્વ રીટાયર્ડ ડી.વાય.એસ.પી. શ્રી દિગુભા વાઘેલા, પ્રતિપાલસિંહ જાડેજા, શકિતસિંહ જાડેજા કોટડા નાયાણી, વીભદ્રસિંહ જાડેજા કચ્છ, તેમજ સુરેન્દ્રનગરથી લકકીરાજસિંહ ઝાલા, જૂનાગઢમાંથી જીતુભા સોલંકી, ગીર સોમનાથમાંથી વિક્રમસિંહ રાઠોડ, બોટાદ જીલ્લામાંથી લખધીરસિંહ ઝાલા વગેરે આગેવાનો ઉપસ્થિત રહેલ.

મીટીંગનું સંચાલન દેવતસિંહ જાડેજાએ કરેલ મીટીંગની શરૂઆતમાં સ્વાગત પ્રવચન રાજકોટ કરણીસેનાના પ્રભારી જે. પી. જાડેજાએ કરેલ અને આભારવિધિ રાજકોટ કરણી સેનાના અધ્યક્ષ કૃષ્ણસિંહ જાડેજાએ કરેલ મીટીંગને સફળ બનાવવા ભારતસિંહ જાડેજા-વાગુદળ, રણજીતસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, રાજવીરસિંહ વાળા, વગેરેએ જહેમત ઉઠાવેલ.

(4:23 pm IST)