Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ABVPનું કાલથી ત્રણ દિવસીય પ્રદેશ કક્ષાનું અધિવેશન

આજે રાત્રે ૮:૩૦ કલાકે પ્રમુખ સ્‍વામી નગર (ડી.એચ. કોલેજ) ખાતે સ્‍વાગત સમિતિની મીટીંગ : રાષ્‍ટ્રીય સહસંગઠનમંત્રી કે. રઘુનંદનજી રાજકોટમાં : જાહેરસભા - સાંસ્‍કૃતિક કાર્યક્રમોના આયોજનો

રાજકોટ, તા. ૧૮ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દર વર્ષે વિવિધ શહેરોમાં પ્રદેશ કક્ષાનું (રાજય) અધિવેશન યોજાતુ હોય છે. જે અંતર્ગત (૧૪ વર્ષ બાદ) આ વર્ષે રાજકોટ ખાતે આવતીકાલથી તા.૧૯ના શુક્રવારે યોજાશે. આવતીકાલે શરૂ થનાર અધિવેશનમાં સહભાગી થનાર ૬૫૦ થી ૭૦૦ પ્રતિનિધિઓ રાત્રે રાજકોટ આવી પહોંચશે.

આ અધિવેશનમાં રાષ્‍ટ્રીય સહસંગઠન મંત્રી કે. રઘુનંદનજી આજે બપોરે રાજકોટ આવી પહોંચ્‍યા છે. ત્રણ દિવસ યોજાનાર અધિવેશનમાં પ્રદર્શની ઉદ્દઘાટન, કાર્યક્રમ ઉદ્દઘાટન, જાહેર સભા, શોભાયાત્રા, સાંસ્‍કૃતિક સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. શહેરની ધર્મેન્‍દ્રસિંહજી કોલેજ કેમ્‍પસ ગ્રાઉન્‍ડમાં પ્રમુખ સ્‍વામી નગરની તડામાર તૈયારીઓ પૂર્ણતાના આરે છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ૪૯માં પ્રદેશ અધિવેશનનું ઉદ્દઘાટન આવતીકાલે સાંજે ૫ કલાકે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નવીનભાઈ શેઠના હસ્‍તે થશે. અતિથિ વિશેષ તરીકે સાંઈરામ દવે ઉપસ્‍થિત રહેશે. જયારે સવારે ૧૦ કલાકે પ્રદર્શનીનો ઉદ્દઘાટન પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોતના હસ્‍તે થશે.

આ પ્રદર્શની ઉદ્દઘાટનમાં અતિથિ વિશેષ ઉદ્યોગકાર કૃણાલ ઈન્‍ફ્રાસ્‍ટ્રકચરના માલિક શ્રી અરવિંદભાઈ દોમરીયા ઉપસ્‍થિત રહેશે.

આજે રાત્રે ૮:૩૦ કલાકે પ્રમુખ સ્‍વામી નગર (ધર્મેન્‍દ્રસિંહજી કોલેજ) ખાતે શહેરના શ્રેષ્‍ઠીઓની બનેલી સ્‍વાગત સમિતિની મીટીંગ સ્‍વાગત સમિતિના અધ્‍યક્ષ રામભાઈ મોકરીયાના સ્‍થાને યોજાશે. આ બેઠકમાં ગુજરાતભરમાંથી આવનાર છાત્ર શકિતના સ્‍વાગત માટે વિચારણા કરવામાં આવશે. તેમ પ્રચાર - પ્રસાર વ્‍યવસ્‍થા પ્રમુખ પાર્થભાઈ પ્રજાપતિની યાદી જણાવે છે.

અધિવેશનની વિશેષતાઓ

૧) રાજકોટમાં છેલ્લે ડિસેમ્‍બર ૨૦૦૪માં પ્રદેશ અધિવેશન યોજાયુ હતું. ૨) અધિવેશનમાં એલઈડી સ્‍ક્રીન ૩) અધિવેશન ધર્મેન્‍દ્રસિંહજી કોલેજમાં યોજાવાનું છે. તે સ્‍થળ પર ભવ્‍ય પ્રમુખ સ્‍વામી નગરનું નિર્માણ કરવામાં આવ્‍યુ છે. સભાગૃહને ભગીની નિવેદીતા તથા શ્રી રામક્રિષ્‍ન ઠાકર પ્રદર્શની ખંડ નામ રાખવામાં આવ્‍યુ છે. ૪) આ સ્‍થળમાં કાર્યાલય, ભોજન કક્ષ, બહેનો માટેની વ્‍યવસ્‍થા અતિથિ વિશેષ તથા ઉપસ્‍થિત કેન્‍દ્રીય અધિકારીઓના કક્ષ બનાવવામાં આવ્‍યા છે. ૫) અધિવેશનનો પ્રારંભ કાલે બપોરે ૩ વાગ્‍યે ધ્‍વજા રોહણથી થશે.

(4:53 pm IST)