Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

'આર્મી ડે'ની ભવ્ય ઉજવણી

મુખ્યમંત્રી તથા રાજકોટના માજી આર્મી ઓફીસર્સએ હાજરી આપી

રાજકોટ : ૧૫ જાન્યુઆરી ૧૯૪૯ના અંગ્રેજોએ ભારતીય સેનાની કમાન આપણા દેશને સોંપેલ. આ દિવસને દર વર્ષે આર્મી ડે તરીકે ઉજવાય છે. આ વર્ષે આર્મી ડે નિમિતે રાજકોટમાં એનજીઓ અભય દ્વારા રેસકોર્ષ ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. પ્રથમ વખત અમર જવાન જયોતનું આબેહૂબ મોડલ કિશાનપરા ચોક, રેસકોર્ષ ખાતે મૂકવામાં આવેલ. સેંકડો રાજકોટવાસીઓએ ૧૫ તારીખે વહેલી સવારે અમર જવાન જયોતને ફુલ ચડાવી શહીદ ભારતીય સૈનિકોને ભાવભરી શ્રદ્ધાંજલી પાઠવેલ.

આ પ્રસંગે માજી સૈનિકોએ પોલીસ બેન્ડ ઉપર પરેડ કરી અમર જવાન જયોત ખાતે શ્રદ્ધાંજલી આપેલ. આ પ્રસંગે સૈનિકોને શ્રદ્ધાંજલી આપવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ખાસ હાજરી આપેલ. મુખ્યમંત્રીશ્રીએ ઈન્ડિયન આર્મીના રાજકોટના માજી જવાનો સાથે ગ્રુપ ફોટો પડાવેલ.

અભયના માર્ગદર્શક કેપ્ટન જયદેવ જોષી અને અન્ય સૈનિકોએ પોતાના અનુભવો વર્ણવી તમામને વીર રસમાં રંગી નાખેલ. મેયર શ્રી જૈમન ઉપાધ્યાય, કલેકટર શ્રી વિક્રાંત પાંડે, મ્યુનિસિપલ કમિશ્નર શ્રી બંછાનિધિ પાની, પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત, ઈન્ડિયન લો કમિશનના મેમ્બર શ્રી અભય ભારદ્વાજ, ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખ ભંડેરી ઉપસ્થિત રહેલ.

છેલ્લા ૪ વર્ષથી વિવિધ પ્રકારના રાષ્ટ્રવાદી કાર્યક્રમો દ્વારા અભયં રાષ્ટ્ર ઘડતરની પ્રવૃતિમાં કાર્યરત છે. અભયં અલગ અલગ ક્ષેત્રમાંથી આવેલા 'એલીટ' લોકોની સંસ્થા છે, જેનો મુખ્ય હેતુ દેશ માટે મરીફીટતા જવાનો વિશે આમ નાગરીકોને માહિતગાર કરવાનો અને સમાજને ઉપયોગી થાય તેવા આયોજન કરવાનો છે.

'આર્મી ડે'ની ઉજવણી માટે યોજાયેલ કાર્યક્રમમાં એક ખાસ પ્રકારનું 'મેસેજ બોર્ડ' રાખવામાં આવેલ. જેમાં સેંકડો રાજકોટવાસીઓએ આર્મી માટે પોતાના મેસેજ ઉત્સાહભેર લખેલ. આ સંદેશાઓ અભયં તરફથી ઈન્ડિયન આર્મીને મોકલી આપવામાં આવશે. ભારતીય સેના વિશેની મહત્વની - અચંબાભરી માહિતીઓ આકર્ષક રીતે ડિસ્પ્લે કરવામાં આવેલ. 'અમર જવાન જયોત'નું મોડલ રાજકોટમાં જ નહિં પણ કદાચ ગુજરાતમાં પહેલી વાર આ રીતે મુકવામાં આવેલ. જેના માટે સંસ્થાને ખૂબ જ લોકચાહના મળેલ છે.

આ કાર્યક્રમના આયોજનમાં અભયં ગ્રુપના અંશ ભારદ્વાજ, કેપ્ટન જયદેવ જોષી, અમૃતા ભારદ્વાજ, જીતેશ કુન્દનાણી, નિશ્ચલ સંઘવી, આશ્કા કામદાર, ચિંતન કામદાર, ડિમ્પલ રાજવીર, સ્તવન મહેતા, મયુર પડધરીયા, શિવમ રાજવીર, મૌકિતક ત્રિવેદી, નરેશ મહેતા, અપૂર્વ મહેતા, રાકેશ શાહ, પ્રતિપાલસિંહ જાડેજા, સંજય ભટ્ટ, ધર્મેશ ગજેરા વગેરે કાર્યરત હતા.

સંસ્થાનો આગામી કાર્યક્રમ ૨૬ જાન્યુઆરીના યોજાનાર છે. વધુ માહિતી માટે મો. ૯૭૨૭૪ ૭૩૭૩૦ ઉપર સંપર્ક કરવો. અભયં દ્વારા રાજકોટની જનતાનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં ડિસિપ્લીન પૂર્વક સાથ સહકાર આપવા બદલ આભાર માનવામાં આવ્યો છે.

(3:11 pm IST)