Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ગુંદાવાડીમાં લુખ્ખાગીરીઃ સાઇકલસ્વાર સોની શખ્સે સોની યુવાન સામે છરી ઉગામી, તે ભાગતાં તેનું એકટીવા સળગાવ્યુંં

૧૮ વર્ષના નિકુંજના એકટીવામાં સાઇકલ અથડાયા બાદ સાઇકલ સ્વાર સોની શખ્સની દાદાગીરી : આગ બુઝાવવા આવેલા યુવાન મોહિલ કોટક પાછળ પણ સાઇકલસ્વાર રીધમ મોડાસરા છરી લઇને દોડ્યોઃ પોલીસે દબોચી લઇ ખોખરો કર્યો

સળગાવી નંખાયેલુ નિકુંજ વાગડીયા (સોની)નું એકટીવા

રાજકોટ તા. ૧૮: શહેરમાં લુખ્ખાગીરીની ઘટનાઓ અવાર-નવાર બનતી રહે છે. સામુ જોવા બાબતે કે પછી અન્ય નજીવી બાબતે ધબધબાટી બોલાવી દેવાય છે. વધુ એક કિસ્સામાં ગુંદાવાડીમાં એક સોની શખ્સે પોતાની સાઇકલ સામે આવી ગયેલા એકટીવાસ્વાર સોની યુવાનને ઝાપટ મારી છરી બતાવી ધમકાવાતાં એ યુવાન ગભરાઇને પોતાનું એકટીવા મુકી ભાગી જતાં લુખ્ખાએ તેનું એકટીવા સળગાવી દીધુ હતું. એટલુ જ નહિ આગ બુઝાવવા આવેલા યુવાનની પાછળ પણ આ શખ્સ છરી લઇને દોડ્યો હતો. ભકિતનગર પોલીસે ગુનો નોંધી રાતોરાત આ સોની શખ્સને પકડી લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું.

બનાવની જાણ થતાં ભકિતનગર પોલીસ મથકના પી.એસ.આઇ. આર. સી. રામાનુજ, હેડકોન્સ. નરેન્દ્રભાઇ ભદ્રેશા (ખારવા) સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે ગુંદાવાડી-૨૨માં રહેતાં અને કારખાનામાં કામ કરતાં સોની વિજયભાઇ વસંતભાઇ વાગડીયા (ઉ.૪૦)ની ફરિયાદ પરથી કેવડાવાડી-૧૦માં રહેતાં અને અગાઉ મારામારી તથા અન્ય કેસમાં સંડોવાઇ ચુકેલા રિધમ રમેશભાઇ મોડાસરા (ઉ.૧૯) સામે આઇપીસી ૩૨૩, ૪૩૫, ૫૦૬ (૨), જીપીએકટ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી તેને દબોચી લીધો છે.

વિજયભાઇએ જણાવ્યું હતું કે મારો દિકરો નિકુંજ (ઉ.૧૮) સાંજે સવા આઠેક વાગ્યે એકટીવા નં. જીજે૩કેએ-૯૯૩૨ લઇને ઘર તરફ આવતો હતો ત્યારે ગુંદાવાડી-૨૨માં વળાંકમાં રિધમ મોડાસરા સાઇકલ લઇને અચાનક સામો આવતાં સ્હેજ એકટીવા અડી ગયું હતું. તેને ધ્યાન રાખવાનું કહેતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળો દઇ છરી કાઢી મારવા દોડતાં મારો દિકરો ગભરાઇને એકટીવા મુકીને ભાગી ગયો હતો. પાછળથી રિધમે મારા દિકરાના એકટીવા પર કંઇક છાંટીને સળગાવી દેતાં સીટ અને પાછળનો ભાગ સળગી જતાં દસેક હજારનું નુકસાન થયું હતું.

ભર બજારે એકટીવા સળગતાં ત્યાં હાજર મોહિલ કોટક નામના યુવાન આગ બુઝાવવા આવતાં રીધમ તેની પાછળ પણ છરી લઇને દોડ્યો હતો. ધબધબાટીને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. પોલીસે ગુનો નોંધી રાત્રે જ રીધમને દબોચી  લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું. પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ રામાનુજ વધુ તપાસ કરે છે.

 

(2:58 pm IST)