Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

શાપરમાં ભંગારના બાચકા પરથી લપસીને પાણીના ટાંકામાં પડતાં બાળકનું મોત

બે વર્ષનો શિવાજી માતા-પિતા સાથે બે દિવસ પહેલા જ શાપર કામ કરતાં કાકાના ઘરે આવ્યો'તો

રાજકોટ તા. ૧૮: શાપર વેરાવળમાં આવેલી હિરેન પોલીમર્સ નામની ફેકટરીમાં  મધ્ય પ્રદેશના યુવાનનો બે વર્ષનો પુત્ર રમતો-રમતો પ્લાસ્ટીકનો ભંગાર ભરેલા કોથળા પર ચડ્યા બાદ ત્યાંથી પાણી ભરેલા સિમેન્ટના ટાંકામાં પડતાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ શાપરની ફેકટરીમાં કામ કરતાં અને ત્યાં જ રહેતાં મધ્ય પ્રદેશના યુવાન રાજુભાઇ ખરતેના ઘરે વતનથી તેના ભાઇ ભાઇ સિકારામ ખરતે, તેની પત્નિ અને બે વર્ષનો પુત્ર શિવાજી બે દિવસથી આટો મારવા આવ્યા હતાં. ગઇકાલે કારખાનામાં રજા હોઇ સિકારામનો પુત્ર શિવાજી રમતો-રમતો કારખાનામાં ભંગારના બાચકા ભરેલા ઢગલા પર ચડ્યો હતો. ત્યાંથી અકસ્માતે બાજુમાં આવેલા પાણીના ટાંકામાં પડી જતાં તેનું મોત નિપજ્યું હતું.

રમતો પુત્ર જોવા ન મળતાં સિકારામ અને તેના ભાઇએ શોધખોળ કરતાં તે ટાંકામાંથી મળતાં બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. બનાવથી મજૂર પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

(10:22 am IST)