Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

જુલાઇ ૨૦૨૩માં મોદીએ એરપોર્ટનું ઉદઘાટન કરી દીધું પણ કેટલીક સુવિધાઓ અધુરી

હીરાસર પર તકલીફો : એરપોર્ટનો ઉપયોગ કરનાર વર્ગ નાખુશ : ટર્મિનલનું કામ ચૂંટણી પછી જ પૂરૂ

હીરાસર એરપોર્ટ પર એક પર્મેનન્‍ટ ટર્મિનલનું કામ ૩૧ માર્ચે પૂરૂ થવાનું હતું જે હજુ ઠેલાયું છે : પર્મેનન્‍ટ ટર્મિનલ તૈયાર થશે ત્‍યાર પછી જ ઈન્‍ટરનેશનલ ફ્‌લાઈટ શકય બનશે તેવું કહેવાય છે

અમદાવાદ, તા.૧૬: રાજકોટને એક ઈન્‍ટરનેશનલ એરપોર્ટ આપવાનો મુદ્દો છેલ્લા સાત વર્ષથી હોટ ટોપિક રહ્યો છે. રાજકોટ નજીક હીરાસર ખાતે એરપોર્ટ બની પણ ગયું છે, પરંતુ હજુ સુધી કોઈ ઈન્‍ટરનેશનલ ફ્‌લાઈટ શરૂ થઈ નથી. હાલમાં જે રીતે કામ ચાલે છે તેના પરથી લાગે છે કે લોકસભાની ચૂંટણી પછી જ હીરાસર ટર્મિનલનું કામ પૂર્ણ થશે અને ત્‍યાર પછી જ વિદેશની ફ્‌લાઈટ મળશે.

સૌરાષ્‍ટ્રના લોકોની નવા એરપોર્ટ પાસેથી જે આકાંક્ષાઓ હતી તે મુજબ કામ થવામાં વાર લાગશે. હીરાસર એરપોર્ટ પર એક પર્મેનન્‍ટ ટર્મિનલનું કામ ૩૧ માર્ચે પૂરું થવાનું હતું જે હજુ પાછળ ઠેલાયું છે. આ કામ વાસ્‍તવમાં તો ફેબ્રુઆરી ૨૦૨૪માં જ પૂરું કરવાનું હતું. હવે ચૂંટણી પછી કામકાજ થાય તેવી શકયતા છે. હાલમાં તો વચગાળાના ટર્મિનલ પરથી ફ્‌લાઈટ ઓપરેટ થાય છે. હીરાસર પર પર્મેનન્‍ટ ટર્મિનલ તૈયાર થશે ત્‍યાર પછી જ ઈન્‍ટરનેશનલ ફ્‌લાઈટ શકય બનશે તેવું કહેવામાં આવે છે. તેમ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયા જણાવે છે.

ભાજપે ૨૦૧૭માં સૌથી પહેલી વખત રાજકોટને નવું ઈન્‍ટરનેશનલ એરપોર્ટ આપવાની વાત કરી હતી અને સાત વર્ષથી હીરાસર એરપોર્ટ એક મહત્ત્વનો મુદ્દો રહ્યો છે. જુલાઈ ૨૦૨૩માં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ એરપોર્ટનું ઉદઘાટન કરી દીધું હતું. જોકે, એરપોર્ટના ઉદઘાટન પછી પણ કેટલીક સુવિધાઓ અધુરી હોવાનું જણાય છે. તેના કારણે પ્રવાસીઓની મુશ્‍કેલીઓ હજુ યથાવત છે.

ડિસેમ્‍બર ૨૦૧૭માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી હતી તેનાથી બે મહિના અગાઉ ઓક્‍ટોબર ૨૦૧૭માં નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા હીરાસર એરપોર્ટનું શીલારોપણ કરવામાં આવ્‍યું. તે સમયે એવી વાતો કરવામાં આવી હતી કે પાંચ વર્ષની અંદર એટલે કે ડિસેમ્‍બર ૨૦૨૨ સુધીમાં એરપોર્ટ સંપૂર્ણપણે ઓપરેશનલ થઈ જશે. પરંતુ એવું થયું નથી.

હીરાસરના ઈન્‍ટેરિમ ટર્મિનલ પરથી ડોમેસ્‍ટિક ફ્‌લાઈટ ઓપરેટ થાય છે પરંતુ લોકોને એરપોર્ટ સુધી પહોંચવામાં જ ઘણો સમય લાગી જાય છે અને તે ખર્ચાળ પણ છે. રાજકોટ શહેરથી હીરાસર પહોંચવા માટે લગભગ ૩૦ કિમીનું અંતર કાપવું પડે છે અને ટેક્‍સીનું ભાડું લગભગ ૨૦૦૦ રૂપિયાની આસપાસ આવે છે. આ ઉપરાંત ડોમેસ્‍ટિક ફ્‌લાઈટ ઉપડે તેનાથી સવા કલાક અગાઉ ચેક-ઈન કાઉન્‍ટર બંધ થઈ જાય છે. જ્‍યારે વાસ્‍તવમાં નિયમ એવો છે કે ડિપાર્ચરના ૪૫ મિનિટ અગાઉ સુધી ચેક-ઈન કરવા દેવું જોઈએ.

એક ટ્રાવેલ એજન્‍ટે કહ્યું કે ૭૫ મિનિટ અગાઉ ચેકપ્રઈન કરવાના નિયમના કારણે પ્રવાસીઓ હેરાન થાય છે. તાજેતરમાં માત્ર પાંચ મિનિટ મોડા પડવાના કારણે ૮ લોકોને મુંબઈની ફ્‌લાઈટમાં ચઢવા દેવાયા ન હતા. આ લોકોએ મુંબઈથી લંડનની કનેક્‍ટિંગ ફ્‌લાઈટ પકડવાની હતી. હીરાસર એરપોર્ટ પર આવી સ્‍થિતિ છે. એરપોર્ટના ડિરેક્‍ટર દિગંત બોરાએ કહ્યું કે કેન્‍દ્રમાં નવી સરકાર આવે ત્‍યાર પછી જ રેગ્‍યુલર ટર્મિનલનું ઉદઘાટન કરવામાં આવે તેવી શકયતા છે.

આ દરમિયાન એરપોર્ટનો ઉપયોગ કરનાર વર્ગ નાખુશ છે. રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સનું કહેવું છે કે એરપોર્ટનું કામ પૂરું કરવામાં જે મોડું થાય છે તે બહુ નિરાશાજનક છે. એરપોર્ટ પર કોઈ નવી ફેસિલિટી કે નવી ફ્‌લાઈટ નથી. અમને આશા હતી કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી અગાઉ જ ઈન્‍ટરનેશનલ એરપોર્ટ શરૂ થઈ જશે, પરંતુ એવું નથી થયું. રાજકોટ નજીક હીરાસર એરપોર્ટ એક વખત આખું તૈયાર થઈ જાય ત્‍યાર પછી સૌરાષ્‍ટ્રના લોકોને સરળતાથી ડોમેસ્‍ટિક અને ઈન્‍ટરનેશનલ ફ્‌લાઈટ મળી શકશે. હાલમાં તેમણે ઈન્‍ટરનેશનલ ફ્‌લાઈટ માટે અમદાવાદ એરપોર્ટ પર આધારિત રહેવું પડે છે.

(3:44 pm IST)