Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

જીએસટી કૌભાંડમાં પકડાયેલ પિતા અને પુત્રની જામીન અરજી નામંજુર

રાજકોટ તા. ૧૬ : જી.એસ.ટી. કૌભાંડમાં આરોપીઓ ૧) જીત કિશોરભાઈ સખીયા તથા ૨) કિશોરભાઈ પોપટભાઈ સખીયાની રેગ્‍યુલર જામીન અરજી નામ. સેશન્‍સ કોર્ટે નામંજુર/રદ કરેલ છે.

બનાવની હકીકત એવી છે કે આ કામના ફરીયાદી રઘુભાઈ ડોબરીયાએ તા. ૧૪/૦૩/૨૦૨૪ ના રોજ આ કામના આરોપીઓ ૧) જીત કિશોરભાઈ સખીયા તથા ૨) કિશોરભાઈ પોપટભાઈ સખીયા વિરુધ્‍ધ ડી.સી.બી. પોલીસ સ્‍ટેશન, રાજકોટ ખાતે આઈ.પી.સી. કલમ-૪૦૬, ૪૨૦ મુજબ ફરીયાદ નોંધાવેલી હતી અને ત્‍યારબાદ આ બંને આરોપીઓની તા. ૧૪/૦૩/૨૦૨૪ ના રોજ ધોરણસર અટક થયેલી હતી.સદરહું કામે બંને આરોપીઓએ રેગ્‍યુલર જામીન પર છુટવા માટે નામ. સેશન્‍સ કોર્ટમાં જામીન અરજી કરેલ હતી.

આ કામે સરકાર તરફે સરકારી વકીલશ્રી પરાગ એન.શાહ હાજર થયેલા અને તેઓએ પોલીસ પેપર્સ તથા સોગંદનામું રજુ રાખેલુ અને એ રીતની દલીલો કરેલી કે બંને આરોપીઓએ ભેગા મળી ફરીયાદી તથા અન્‍ય નવેક લોકો આ કામના આરોપીઓ સાથે ભંગાર સ્‍કેપ માલનો ધંધો કરતા હતા અને તે માલની ડીવરી પેટે આ કામના આરોપીઓ મેસર્સ હેન્‍ટેક ઈન્‍ડસ્‍ટ્રીઝ તથા ગ્‍લોરીયસ ટ્રેડર્લીક નામની પેઢીના જી.એસ.ટી.વાળા બીલ આપતા હતા અને તે પેટે કુલ રૂ. ૧, ૩૫, ૯૭, ૬૧૫/- જી.એસ.ટી. થતો હતો જે નહી ભરી જી.એસ.ટી.ની પુરેપુરી રકમ ઓળવી ગયેલા હતા. જે બંને પેઢીના બીલો છે તે પેઢીનું કોઈપણ પ્રકારનું અસ્‍તિત્‍વ જ નથી તથા જે જી.એસ.ટી. નંબર આ બંને પેઢીના બીલમાં દર્શાવેલા છે તે તદ્દન ખોટા છે, આવા નંબરો જી.એસ.ટી.ના રેકર્ડમાં છે જ નહી. વધુમાં ફરીયાદી તથા અન્‍ય સાહેદો જયારે જી.એસ.ટી. રીટર્ન ફાઈલ કર્યું ત્‍યારે તેઓને નોટીસો આવેલી અને ત્‍યારે તેઓને જાણ થયેલી કે આ બંને પેઢીના જે જી.એસ.ટી. નંબર દર્શાવેલા છે તેની ખરાઈ કરતા તે તદ્દન બનાવટી અને ખોટા છે જેના કારણે આ કામના ફરીયાદી તથા અન્‍ય સાહેદોને જી.એસ.ટી.ની નોટીસો આવેલ હતી. સદરહુ કામના બંને આરોપીઓ પિતા-પુત્ર થાય છે જેઓએ ભેગા મળી ફરીયાદી તથા અન્‍ય સાહેદો સાથે ટેક્ષ સબંધે બદ ઈરાદાથી છેતર્યા છે જે રેકર્ડ પર છે. આ બધી ટેક્ષની રકમ આ બંને પિતા-પુત્ર એટલે કે ૧) જીત કિશોરભાઈ સખીયા તથા ૨) કિશોરભાઈ પોપટભાઈ સખીયા તથા અન્‍ય એક આરોપી જે પકડવાનો બાકી છે તેઓએ ભેગા મળી ફરીયાદી તથા અન્‍ય સમહેદોના કુલ રૂ. ૧,૩૫, ૯૭,૬૧૫/- જી.એસ.ટી. ટેલના નામે લઈ છેતરપીંડી તથા વિશ્વાસઘાત કરેલ છે. વધુમાં જી.એસ.ટી. ડીપાર્ટમેન્‍ટ દવારા જયારે ગ્‍લોરીયસ ટ્રેડલીંક નામની પેઢીમાં સ્‍થાનિક પંચનામું કરેલુ ત્‍યારે હકીકત બહાર આવેલી કે આ નામની પેઢી ત્‍યા અસ્‍તિત્‍વ જ ધરાવતી નથી અને આ બંને પેઢીમાંથી કોઈપણ પેઢી રેગ્‍યુલર ટેક્ષપેયર નથી. ખરી રીતે જોઈએ તો આરોપીઓના આવા કળત્‍યના કારણે ફરીયાદી તથા અન્‍ય સાહેદોને ભોગવવાનુ આવે છે પરંતુ સદરહુ ગુનામાં જી.એસ.ટી. ના નામે જે ટેક્ષ વસુલ કરી ખોટી રીતે ઓળવી ગયેલ છે તેનાથી દેશની સ્‍ટેટ જી.એસ.ટી. અને સેન્‍ટ્રલ જી.એસ.ટી. બંનેની છબીને નુકશાન પહોંચાડેલ છે જેની સીધી અસર આર્થિક નિતિ ને થયેલી છે. વધુમાં આ ગુનાની તપાસ હજુ ચાલુ છે અને આરોપીઓ પાસેથી કોઈ રીકવરી કે ડીસ્‍કવરી થયેલ નથી જેથી આરોપીઓની રેગ્‍યુલર જામીન અરજી નામંજુર કરવી જોઈએ.

 આમ, સરકારી વકીલશ્રીની દલીલો, પોલીસ પેપર્સ, આરોપીઓનો રોલ, આરોપીઓની વર્તણુંક, ગુનાની ગંભીરતા વિ. ધ્‍યાને લઈ આરોપી ૧) જીત કિશોરભાઈ સખીયા તથા ૨) કિશોરભાઈ પોપટભાઈ સખીયાની જામીન અરજી નામંજુર કરેલ હતી.

આ કામમાં સરકારી વકીલશ્રી પરાગ એન.શાહ રોકાયેલ હતા

(4:02 pm IST)