Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

વિશ્વ ધરતી દિને પરિસંવાદ

સૌરાષ્‍ટ્ર એજ્‍યુકેશન ફાઉન્‍ડેશન અને રાજકોટ મહાનગરપાલિકા સ્‍થાપિત તથા સૌરાષ્‍ટ્ર એજ્‍યુકેશન ફાઉન્‍ડેશન સંચાલિત અને ગુજકોસ્‍ટ માન્‍ય શ્રી ઓ. વે. શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્‍દ્ર - રાજકોટ અને નવરંગ નેચર ક્‍લબના સંયુક્‍ત ઉપક્રમે વિશ્વ ધરતી દિવસની ઉજવણી અન્‍વયે આગામી ૨૧ એપ્રિલ ૨૦૨૪ ને રવિવારે સાંજે ૪ થી ૭ દરમ્‍યાન પર્યાવરણ પ્રેમીઓ માટેનો એક પરિસંવાદ યોજવામાં આવ્‍યો છે. ધરતી માતાના જતન - સંરક્ષણ અને સંવર્ધન માટે કોઈ વ્‍યક્‍તિ કે સંસ્‍થાના પ્રતિનિધિઓ પોતાના ઘર, વિસ્‍તાર, ગામ, શહેરના પર્યાવરણ માટે જે કંઈ પણ કાર્ય કરતા હોય અથવા તો કરવા માંગતા હોય એ તમામ વ્‍યક્‍તિઓ સાથે મળીને  સંવાદ કરે અને સંકલિત પ્રયાસ દ્વારા વધુ સઘન રીતે કાર્ય કરતા થાય અને અન્‍ય લોકોને પણ આ અભિયાનમાં જોડતા થાય એ હેતુથી આ પરિસંવાદ યોજવામાં આવ્‍યો છે. વર્ષ ૧૯૭૦ થી ૨૨ એપ્રીલ ‘વિશ્વ ધરતી દિવસ' તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે.

‘મજાનું મારું ગામ' ની પરિકલ્‍પનાને સાકાર કરવા માટે ‘હું શું કરીશ' થી શરૂઆત કરીએ અને જન જાગળતિ અભિયાન દ્વારા સમગ્ર સમાજને આ પુણ્‍ય કાર્યમાં જોડીને આપણી માં ધરતીને ફરીથી હરિયાળી અને તંદુરસ્‍ત બનાવીએ. જળ સંચય, સજીવ ખેતી, પશુ-પક્ષીઓ માટેના માળા અને પાણીના કુંડાનું વિતરણ, સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના વપરાશમાં ઘટાડો, જીવંત વાડનો અભિગમ, કાપડની થેલીનો વપરાશ વધારવો, પળથ્‍વી પરના તમામ જીવોની અગત્‍યતા અને તેની ઇકો સિસ્‍ટમ સમજવી, વરસાદી પાણીનો સંગ્રહ, વળક્ષારોપણ વિગેરે જેવી વિવિધ પ્રવળત્તિઓ દ્વારા આપણે સૌ સાથે મળીને મા ધરતીનું જતન કરીએ.

આગામી ચોમાસામાં નવરંગ નેચર ક્‍લબ દ્વારા સમગ્ર સૌરાષ્‍ટ્ર - કચ્‍છ વિસ્‍તારના ૩૦૦ જેટલા ગામોમાં ગામ દીઠ કેસર આંબો, કાળી પટ્ટી ચીકુ, બોના નાળિયેર, જામફળી, લીંબુ, સિંગાપુર ચેરી, આમળા, બોરડી જેવા ૧૦૦૦ વળક્ષોના રોપ રાહત દરે વિતરિત કરવામાં આવશે. આ ઉપરાંત ગામના વગડામાં વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટેના ૧૦૦૦ સોશ ખાડાઓનું નિર્માણ અને શાળાના બાળકો મારફતે દેશી કુળના રોપાઓનું નિઃશુલ્‍ક વિતરણ પણ વ્‍યાપક રીતે કરવામાં આવનાર છે.

ઉપરોક્‍ત તમામ ક્ષેત્રે કાર્ય કરતા તમામ વ્‍યક્‍તિઓ અને સંસ્‍થાના પ્રતિનિધિઓને ‘વિશ્વ ધરતી દિવસની ઉજવણી' અન્‍વયે યોજવામાં આવેલા આ પરિસંવાદ માં ઉપસ્‍થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે. વધુ માહિતી માટે શ્રી ઓ. વે. શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્‍દ્ર - રાજકોટના સેન્‍ટર કોઓડીનેટર મીનેષ મેઘાણી (મો. ૯૯૭૮૮૨૫૮૨૯) અથવા નવરંગ નેચરલ ક્‍લબ ના શ્રી વી. ડી. બાલા (મો. ૮૧૬૦૬૩૯૭૩૫) નો સંપર્ક કરવા જણાવાયું છે.

(2:52 pm IST)