Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

કર્મયોગા એકેડેમી દ્વારા ચમત્‍કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ

કર્મયોગા એકેડેમીમાં કોલેજ કક્ષાના છાત્ર-છાત્રાઓમાં અંધશ્રધ્‍ધા નિવારણ અર્થે ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા ચમત્‍કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. વિજ્ઞાન યુગમાં અવૈજ્ઞાનિક વર્ષા પરિસંવાદો બંધ થવા જોઇએ તેવો વિચાર મુકવામાં આવ્‍યો હતો. કાર્યક્રમનું વૈજ્ઞાનિક પધ્‍ધતિથી ઉદ્દઘાટન મહાપાલીકાના શાસક પક્ષના નેતા લીલુબેન જાદવના હસ્‍તે કરાયુ હતુ. એકેડેમીના રૂચા ભગદેવે કાર્યક્રમ વિેષ જાણકારી રજુ કર્યા બાદ એકેડેમીના બૌધ્‍ધિક પારેખ, ડો. નિરવ ગણાત્રાએ વિજ્ઞાન ટેકનોલોજીની હરણફાળ પ્રગતિની વાતો રજુ કરી જુના રદી વિચારોને તિલાંજલી આપવા અનુરોધ કર્યો હતો. વિજ્ઞાન જાથાના રાજયના ચેરમેન  એડવોકેટ જયંત પંડયાએ ઋતુચક્રની અસરો વિષે સમજ આપી વરતારાની ખોટી પરંપરાને તિલાંજલી આપવા જણાવ્‍યુ હતુ. આ તકે  જાથાની ટીમ દ્વારા વૈજ્ઞાનિક પ્રયોગોમાં એકના ડબલ, હાથમાંથી કંકુ-ભસ્‍મ, લોહી નિકળવું, રૂપિયાનો વરસાદ, જીભની આરપાર ત્રિશુલ નાખવું, ઉકળતા તેલમાંથી હાથેથી પુરી તળવી વગેરે પ્રયોગોનું નિદર્શન કરી બતાવાયુ હતુ. આ પ્રયોગ નિદર્શનમાં જાથાના અંકલેશ ગોહિલ, વિનોદ વામજા, ભાનુબેન ગોહીલ, નિર્ભય જોશીએ ભાગ લીધો હતો.

(2:52 pm IST)