Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

રવિવારે જગુડા - મોગલધામે નવરંગો માંડવો

આઇશ્રી દોમલ માં ‘અકિલા'ના આંગણે : ભકિત - સેવા માટે વૈભવ છોડી દીધો : ૨૧મીએ સવારે થાંભલી રોપણ : સંતો-મહંતો પધારશે : પૂ. દોમલ માં બંગલા - નોકર ચાકર છોડીને છાપરા હેઠળ રહે છે :ભકિતની સમર્પણ અવસ્‍થા :જગુડાધામમાં અખંડ ૧૩ દીવડા ઝગમગે છે : આ ધામમાં દોરા - દાણા - ધાગા કંઇ જ નહિ, માનતાથી પ્રશ્નો ઉકલે : વિરાટ મંદિર - ગૌશાળા નિર્માણ થશે

રાજકોટ તા.૧૬:વિશ્‍વંભરી અખિલ વિશ્‍વ તણી જનેતા....

‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે જગુડા મોગલધામના પૂ. આઇશ્રી દોમલ માં અને ભક્‍તો અરજણભાઇ બોરસદિયા, રાજુભાઇ ધાધલ, કિરીટભાઇ બોરસદિયા, સાગર વાળા વગેરે નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરિયા)

ચૈત્ર નવરાત્રીના પાવન દિનોમાં દિવ્‍ય-શકિત મોગલ માતાજીના ચરણોમાં જીવન સમર્પિત કરી દેનારા પુ.દોમલમાં ‘અકિલા' ના આંગણે પધાર્યા હતા. જસદણ- જસાપર પાસે ભગુડા ધામ મોગલધામ ખાતે આગામી તા.૨૧ એપ્રિલે ૨૪ કલાકના નવરંગા માંડવાનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે.

પુ.આઇમાં દોમલમાંએ જણાવ્‍યું હતું કે, આ આયોજન આઇ શ્રી મોગલ માતાજીના ભવ્‍ય મંદિર તથા ગોૈશાળાના નિર્માણ માટે કરવામાં આવ્‍યું છે. નવરંગા માંડવાનું થાંભલી રોપણ તા.૨૧ ના રવિવારે સવારે ૮ વાગ્‍યે કરવામાં આવશે. થાંભલી વધાવવાનું મૂર્હુત તા.રર ના સોમવારે સવારે ૬:૩૦ વાગ્‍યે છે.

નવરંગા માંડવામાં માતાજીના રાવળદેવ શ્રી વિપુલભાઇ, વિશાલભાઇ, વિરમભાઇ, પ્રવીણભાઇ, જીવનભાઇ વગેરે ઉપસ્‍થિત રહેશે. ઉપરાંત પંચના ભુવાશ્રીઓ તથા માતાજીના ભુવાશ્રીઓ પણ પધારશે.

આઇ શ્રી દોમલમાંએ જણાવ્‍યું હતું કે, નવરંગા માંડવામાં પુ.સંતો-મહંતો રઘુબાપુ- મોઢુકા, હેમુબાપુ દલાપીર-લુણીધાર, સુરદાસબાપુ- દેવલા, મહંતબાપુ ખોડિયાર મંદિર- જીથરીધામ, મહંત જરિયા મહાદેવ-કનેરીયા, જીલુભગત ઠાકર દ્વાર- દુધેવાડિયા, હમજીભગત ઠાકર દ્વાર- આંબરડી, ભોળા ભગત- મોટા દડવા, બટુક મહારાજ- મોટા દડવા, જયદેવ બાપુ ખોડીયાર મઢી-કાનપર, ભાનુપરી બાપુ-પીપળીયા, વિશ્‍વાનંદ માતાજી- જાળીયા, ભરતપરી બાપુ કાનપર, અભિનંદબાપુ ગોંડલીયા, ગોપાલદાસબાપુ તપતીધાર-સાણથલી વગેરે પધારશે.

નવરંગા માંડવાનું સમગ્ર આયોજન કાનપર, જસાપર, જસદણના મોગલભકતો દ્વારા કરવામાં આવ્‍યું છે. નવરંગા માંડવાના મહાપ્રસાદનો સમય તા. ર૧ ના રવિવારે સવારે ૧૦ થી ૧ અને સાંજે પ થી ૮ વાગ્‍યાનો રાખવામાં આવ્‍યો છે.

પૂ. આઇ શ્રી દોમલ માનું જીવન પ્રેરક છે. તેઓ બાળપણથી જ ભકિતરસથી ભરપૂર હતાં. પ્રારંભમાં ભોળાનાથની ભકિતમાં મય રહેતા હતાં. બાદમાં ભોળાનાથની કૃપાથી મોગલ માતાજીને જીવન સમર્પિત કરી દીધું છે. લાખો રૂપિયાની આવક-વૈભવી જીવન બધું જ ત્‍યાગીને પૂ. મોગલ માતાજીના ચરણોમાં જીવન સમર્પિત કરી દીધું છે.

જસદણના જસાપર પાસે જગડુધામ-મોગલધામ નિર્માણ કરવાનું આયોજન છે. આ સ્‍થાને હાલ છાપરાવાળી ઓરડીમાં માતાજી બિરાજમાન છે. ઉપરાંત ગૌશાળા છે. પૂ. દોમલ આઇ ગૌશાળામાં અને માતાજીની ભકિતમાં ઓતપ્રોત રહે છે.

જગુડાધામ-મોગલધામમાં મોગલ માતાજી  ભકતોને પરચા આપે છે. જો કે અહીં દોરા-ધાગા-દાણા-ધૂણવું વગેરે કંઇ થતું નથી. શ્રી દોમલઆઇ કહે છે કે, માતાજીમાં શ્રધ્‍ધા રાખે તેના પ્રશ્નો માતાજી ઉકેલે છે. અહીં કઠોળનો સાથિયો કરવાની માનતા થાય છે. જગુડાધામમાં દર મહિને તેરસ ધામધૂમથી ઉજવાય છે. ઘણાં ભકતો તેરસ ભરે છે. દર તેરસને મહાપ્રસાદ હોય છે. જમણવારની રસોઇ શ્રી દોમલઆઇ જ તૈયાર કરે છે.

જગુડાધામમાં ૧૭ વર્ષોથી ૧૩ અખંડ દીવા પ્રગટે છે. આ દીવામાં દર મહિને ૧૦ કિલો જેટલું માખણ વપરાય છે. આ તમામ માખણ શ્રી દોમલ આઇ તાવે છે. આઇનો આખો દિવસ ગૌસેવા - મોગલ આઇ સેવા અને ભકિતમાં પસાર થાય છે. તેઓ તમામ પ્રકારનો વૈભવ છોડીને સેવા ભકિતમાં લાગી ગયા છે.

શ્રી દોમલ આઇ વર્ષમાં ત્રણ વખત ચાલીને ભગુડાધામ જાય છે. પૂ. દોમલ આઇના જીવનસાથી એક સમયે વિરોધમાં હતા. બાદમાં માતાજીના પરિચા મળતા તેઓ પણ જગુડાધામમાં આવી ગયા છે. શ્રી દોમલ આઇના જીવનસાથી જીવણ ભગત વૈભવ છોડીને ગૌસેવા - શ્વાન સેવામાં જ વ્‍યસ્‍ત રહે છે. જગુડાધામમાં પૂ. જૈતાબાપુની બીજ પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

પૂ. દોમલ આઇનું જીવન પરિવર્તિત થઇ ગયું છે. તેઓ કહે છે કે, અમે લાચારીથી માતાજીના શરણમાં ગયા નથી. ખૂબ વૈભવ હતો. આ બધું છોડયું છે. દોમલ આઇ ખુદ બ્‍યુટી પાર્લર ચલાવતા હતા અને લાખ રૂપિયાની આવક હતી. જો કે એ સમયે પણ હૈયુ તો દિવ્‍ય શકિતની ભકિતમાં જ ધબકતું હતું. તેમના સંતાનો પુત્ર એલ્‍વીશ પટેલ અને નીરૂબેન પટેલ પણ દિવસ આખો જગુડાધામમાં છાપરા હેઠળ રહીને સેવામાં રત રહે છે.

પૂ. દોમલ આઇનું પિયર મોટા દડવા ગામે છે. પિયર પરિવારમાં ૫૦ સભ્‍યો છે. પિતા શ્રી સ્‍વ. વલ્લભભાઇ વરસાણી તથા માતુશ્રી સમજુબેન ભકિતભાવ વાળા હતા. દોમલ આઇના ભાઇઓ કેતનભાઇ વરસાણી અને આશિષભાઇ વરસાણી છે. આ બધા ભકિતભાવવાળા છે.

પૂ. દોમલ આઇ કહે છે કે, સત્‍યને સાથે રાખો, તેને કોઇ હરાવી નહિ શકે. અમે સ્‍વાભિમાન સાથે ભકિત - સેવા કરીએ છીએ, કોઇ ટ્રસ્‍ટ નથી, કોઇ દાતા નથી, ક્‍યારેય માગતા નથી. ગૌશાળામાં પંચાવન ગૌમાતા છે, પરંતુ ગોવાળ નથી, જાતે જ ગૌસેવા કરીએ છીએ. જગુડાધામના રસોડામાં કોઇ રસોયા નથી, જાતે જ રસોઇ તૈયાર કરીએ છીએ. હૃદયમાં મોગલમાં અને હાથમાં કામ... મોગલ માતાજીની કૃપાથી બધુ ધમધોકાર ચાલે છે. હું માતાજીને પ્રાર્થના કરૂં છું કે, મને સેવા - ભકિત આપ અને આવનારના દુઃખ-દર્દ દૂર કર...

આગામી રવિવારે નવરંગા માંડવાનું આયોજન છે, તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા ભક્‍તો અરજણભાઇ બોરસદિયા, રાજુભાઇ ધાધલ, દિલાભાઇ રાજગોર, કિરીટભાઇ બોરસદિયા, સાગરભાઇ વાળા, મનસુખભાઇ ડામચિયા, લખુભાઇ પોકિયા, મહેશભાઇ બોઘરા, હરેશભાઇ ગેવરિયા, કાર્તિકભાઇ ઉદડ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. નવરંગા માંડવાની વધારે વિગતો માટે મો. ૬૩૫૩૮ ૧૭૫૫૧ / ૯૮૨૪૫ ૬૫૮૮૮ / ૯૯૦૪૮ ૨૪૩૦૦ નંબરો પર સંપર્ક કરી શકાય છે.

 

 

(2:35 pm IST)