Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

કાલે રામલલ્લાના જન્મોત્સવના થશે વધામણા

‘મંગલ ભવન અમંગલહારી દ્રવઉ સો દશરથ અજીર બિહારી: રામનવમી પર્વે કાલે બપોરે વિશેષ આરતી પૂજન : રામજી મંદિરની ઝાલરો રણઝણશે : શોભાયાત્રા અને ધુન-કિર્તન સત્‍સંગના આયોજનો

રાજકોટ તા. ૧૬ : દશરથનંદન અને કૌશલ્‍યાજીના દુલારા શ્રીરામલલ્લાના જન્‍મોત્‍સવને વધાવવા રાજકોટ અધીરૂ બન્‍યુ છે. આવતીકાલે રામનવમી હોય રામજી મંદિરોમાં કાલે બપોરે વિશેષ આરતી સાથે પુજન અર્ચન અને પ્રસાદ વિતરણના આયોજનો થઇ રહ્યા છે. ઠેર ઠેર આયોજીત ધર્મમય કાર્યક્રમોની સંકલિત વિગતો અહીં પ્રસ્‍તુત છે.

શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ

શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ (શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્‍ટ), રાજકોટ ખાતે કાલે બુધવારે રામનવમી ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે. કાલે બપોરે ૧ર કલાકે નિજ મંદિર હોલમાં યજમાનશ્રી ચૈતાલી હર્ષિલભાઇ વસાણી દ્વારા શ્રીરામ જન્‍મોત્‍સવનું પુજન કરવામાં આવશે. દરેક ધર્મપ્રેમી-ભાઇ-બપોરે મહાપ્રસાદરૂપે ફરાળની વ્‍યવસ્‍થા  આશ્રમની સામેનું ગ્રાઉન્‍ડ, આશ્રમ માર્ગ બપોરે ૧ર થી ર રાખેલ છે. સર્વેધર્મપ્રેમી ભાઇ-બહેનોને પધારવા શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્‍ટ દ્વારા અનુરોધ કરાયો છે.

સંકીર્તન મંદિર

શ્રી પ્રેમભીક્ષુજી મહારાજ પ્રેરીત શ્રી હરીનામ સંકીર્તન મંડળ દ્વારા કાલે તા. ૧૭ ના બુધવારે શ્રીરામ નવમી જન્‍મોત્‍સવ કાલાવડ રોડ સ્‍થિત સંકીર્તન મંદિરે ઉજવાશે. સવારે પ.૩૦ કલાકે સંકીર્તન મંદિરેથી પ્રભાતફેરી નિકળશે. બાદમાં બપોરે ૧૨ કલાકે શ્રીરામનવમી જન્‍મોત્‍સવની વિશેષ આરતી થશે. સર્વે ભકતજનો, દર્શનાર્થીઓ અને પ્રેમ પરિવારના મિત્રોએ દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

જીવનનગર

જીવનનગર વિકાસ સમિતિ સંચાલિત શ્રી રામેશ્વર મહાદેવ મંદિર મહોત્‍સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા મંડળના સંયુકત ઉપક્રમે કાલે રામનવમી મહોત્‍સવ ધર્મમય કાર્યક્રમો સાથે ઉજવાશે. બપોરે ૧૨ કલાકે મહાઆરતીમાં ભાજના આગેવાનો ઉપસ્‍થિત રહેશે. સવારે પ્રભાત ફેરી, સુંદરકાંડ પાઠ, મહાઆરતી, દીપમાલા, સત્‍સંગ સહિતના કાર્યક્રમો આયોજીત થયા છે. મંદિરના વ્‍યવસ્‍થાપક સુનિતાબેન વ્‍યાસ અને વિનોદરાય ભટ્ટના માર્ગદર્શન હેઠળ મહીલા મંડળના બહેનો અને ધર્મપ્રેમી સેવકો જહેમત ઉઠાવી રહ્યા છે.

શ્રીરામ મંત્રનું સમૂહ સંકીર્તન

પ્રણવાનંદ સંસ્‍કૃત ભવન, ભારત સેવક સમાજ, રેસકોર્ષ ખાતે કાલે બુધવારે રામનવમી નિમિતે શ્રીરામના જન્‍મ રહસ્‍ય વિષય પર વકત નીશીથભાઇ ઉપાધ્‍યાયનું પ્રવચન તેમજ શ્રીરામ મંત્રનું સમૂહ કિર્તન સાંજે ૬ થી ૭ યોજાશે. સર્વે ભકતોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.

(2:27 pm IST)