Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

‘જો સૌરાષ્‍ટ્રની શાનની વાત આવે તો તું જોગીદાસ ખુમાણ બની જજે, જો સમર્પણની વાત આવે તો તું કૃષ્‍ણકુમારસિંહજી બની જજે, જગતના બાપની વ્‍હારે ચડવુ પડે તો તું હમીરસિંહજી ગોહીલ બની જજે અને સમાજની વ્‍હારે આવવુ પડે ત્‍યારે તુ રણભૂમિમાં તલવાર લઈ ક્ષત્રિય બની જજે'....

દિલ્‍હી જાગી જાય નહિં તો ૪૦૦ નહિં ૨૦૦એ પણ નહિં પહોંચો : દિલીપ પટેલનું જુસ્‍સાભર્યુ ઉદ્દબોધન

રાજકોટ : ગઈકાલે યોજાયેલા ક્ષત્રિય મહાસંમેલનમાં ઈતિહાસના જાણકાર અને ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રખર ટેકેદાર દિલીપભાઈ પટેલ (સુરત)એ હોંશભેર ભાગ લીધો હતો. તેમણે ‘જય ભવાની'ના નારા સાથે મંચ પરથી જણાવ્‍યુ હતું કે, અર્જુન કૃષ્‍ણનો ભાઈ, દ્રોણનો શિષ્‍ય, ધર્મરાજનો નાનો ભાઈ અને કૃષ્‍ણનો મિત્ર હતો છતાં કુરૂક્ષેત્રમાં તેને જગાડવા માટે કૃષ્‍ણએ ૧૪ અધ્‍યાય સંભળાવવા પડયા હતા. આજે આપનો સમાજ જાગી ગયો છે ત્‍યારે એટલુ જ કહું છું ‘જો સૌરાષ્‍ટ્રની શાનની વાત આવે તો તું જોગીદાસ ખુમાણ બની જાજે, જો સમર્પણની વાત આવે તો તું કૃષ્‍ણકુમારસિંહજી બની જજે., જગતના બાપની વ્‍હારે ચડવુ પડે તો તું હમીરસિંહ ગોહીલ બની જજે અને સમાજની વ્‍હારે આવવુ પડે ત્‍યારે તુ રણભૂમિમાં તલવાર લઈ ક્ષત્રિય બની જજે'.

દિલીપ પટેલે આપેલા જોમભર્યા વકતવ્‍યને ક્ષત્રિયોએ જયઘોષથી વધાવી લીધુ હતું. તેમણે વધુમાં જણાવ્‍યુ હતું કે દિલ્‍હી હજુ પણ જાગી જાય આ સમાજને જો છૂટ આપવામાં આવે તો પાકિસ્‍તાનનો કોળીયો ગણતરીના દિવસમાં કરી જાય. સરકાર જાગશે નહિં તો ૪૦૦ શું ૨૦૦ પાર પણ નહિં પહોંચે. હું ઘણા સમયથી ક્ષત્રિયોને જગાવવાના પ્રયાસો કરી રહ્યો હતો. આજે લાગે છે કે, ક્ષત્રિય જાગી ગયો છે અને સત્‍યુગ નિર્માણનો પ્રારંભ થઈ ગયો છે.

(3:49 pm IST)