Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

રૂપાલાની ટીકીટ રદ નહિ થાય તો ભાજપનો બહિષ્‍કાર : પાંચ લાખ રાજપૂતોનો રણટંકાર

રાજકોટ મોરબી રોડ પર રતનપર રામ મંદિર ખાતે યોજાયેલા સયંમ, સંસ્‍કારો અને ખુમારી પ્રદર્શિત કરતા ક્ષત્રિય મહા સંમેલનમાં ઊઠેલો શાંતિપૂર્ણ વિરોધઃ રાજકોટ લોકસભા બેઠક ઉપર ૪૦૦ ફોર્મ ભરી બેલેટ પેપરથી ચુંટણી કરાવવાનો વ્‍યુહઃ જો માંગણી નહીં સ્‍વીકારાય તો લડત પાર્ટ ટુ : બ્‍લેક પેન્‍ટ, સફેદ શર્ટમાં સજ્જ લાખ્‍ખો રાજપુતો અને કેશરી સાડીમાં સજ્જ હજારો ક્ષત્રાણીઓએ રતનપર રામમંદીર પાસેના મહાસંમેલન સ્‍થળે બલીદાન અને શૌર્ય ગાથાનો ભવ્‍ય ભૂતકાળ તાદ્રશ્‍ય કર્યો : ક્ષત્રીયાણીઓ સાથે અયોગ્‍ય વર્તન થયું તો જોવા જેવી થશે : ક્ષત્રીય સમાજ સંકેલન સમીતીના ગુજરાતના મહિલા અધ્‍યક્ષ તૃપ્તીબા રાઓલે ઉપરોકત વાત જણાવતા કહયું કે આજે રાજ નથી પણ ન્‍યાય માટે લડવું એ આપણો અબાધિત હક્ક છે, પૈસો કયાં ઉડાડવો અને કયાં નહિ ? તે હવે નક્કી કરજો : સરહદો જીતવા જેમ રાજાઓ અશ્વમેઘ યજ્ઞ કરી અશ્વ છુટ્ટો મુકતા ત્‍યારે બે જ વાત રહેતી કાં શરણાગતી , કાં લડાઇ... : આવો જ એક ઘોડો સુરેન્‍દ્રનગરથી દોડી જામનગર, ભાવનગર, ધંધુકા, પાટણ, હિંમતનગર, ભરૂચ થઇ રાજકોટ પહોંચ્‍યો છે જો રૂપાલાની ટીકીટ રદ નહી થાય તો આ ઘોડો ગાંધીનગર પહોંચશે : કરણસિંહ ચાવડા : ભારત દેશમાં છેલ્લા ઘણા સમયથી નૈતિકતાનું અધઃપતન થઇ રહયું છે, તેની જવાબદારી આપણે લેવી જ પડશે અને એ ઉદ્રેશ્‍ય માટે જ આજે આ સંમેલન યોજાયું છેઃ સંકલન સમીતીના રમજુભા જાડેજા : ૭પ વર્ષોમાં રાજપુત સમાજની મોટી મોટી સંસ્‍થાઓ જે કરી ન શકી તે કામ રૂપાલાએ એક શબ્‍દમાં કરી દેખાડયું: એક ટીપ્‍પણીથી લાખો રાજપુતોને ભેગા કરી દીધા : રૂપાલાની ટીકીટ રદ નહિ થાય તો ભાજપના એક પણ કાર્યક્રમમાં જશો નહિ મહિપાલસિંહ મકરાણાએ લેવડાવ્‍યા શપથ : દિકરીઓના સ્‍વમાન માટે હવે જવાબ આપવામાં આવશે, જે નેતાઓ મત માંગવા આવે તેનો ઇલાજ કર્યા વગર જવા દેતા નહિ : ભાજપુતો ડરે છે ભલે એ ગુલામી કરેઃ મધ્‍યપ્રદેશ કરણી સેનાના જીવણસિંહ શેરપૂરે

 રાજકોટઃ ગઇ સાંજે રાજકોટના રતનપર નજીક પુરૂષોતમ રૂપાલા હટાવ માંગણી સાથે યોજાયેલા ક્ષત્રીયોના અભૂતપુર્વ મહાસંમેલનની ઝાંખી આપતી તસ્‍વીરોમાં લાખ્‍ખોની સંખ્‍યામાં ઉપસ્‍થિત ક્ષત્રીયોએ પોતાના સંસ્‍કારો અને સંસ્‍કૃતિને અનુરૂપ શાંતિપુર્ણ વિરોધ નોંધાવ્‍યો હતો. (ફોટોઃસંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૧૫:   રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલાએ ક્ષત્રીય સમાજની બહેન-બેટી માટે કરેલા બફાટના વિરોધમાં છેલ્લા ર૦ થી રપ દિવસની ક્ષત્રિય સમાજમાં થઇ રહેલા વિરોધની ફલશ્રુતી રૂપે ગ્રામ્‍ય, તાલુકા, જીલ્લા લેવલે પ્રદર્શના,ે રજુઆતો અને વિરોધ થયા પછી ક્ષત્રિય રાજપૂત સમાજમાં બહેન બેટીની અસ્‍મીતાને આંચ લગાવતા શબ્‍દ કોઇ કારણ વગર બોલનાર પરસોતમ રૂપાલાના વિરોધમાં યોજાયેલા ક્ષત્રીય અસ્‍મીતા સંમેલનમાં અપેક્ષીત રીતે પાંચ લાખ લોકો ઉમટી પડયા હતા અને રૂપાલાની ટિકિટ રદ કરવા માટેનો સુર પ્રથમ કર્યો હતો.

આજે યોજાયેલા ક્ષત્રિય અસ્‍મીતા સંમેલનમાં ક્ષત્રિય પરંપરા, સંસ્‍કારોના દર્શન  થયા હતા. અનેક બિન રાજકીય વકતાઓએ  વિરોચીત પ્રવચન  કર્યા હતા. સર્વ સમાજનો નીચોડ એટલો જ નિકળ્‍યો હતો કે નથી અમે ભાજપની વિરૂધ્‍ધ, નથી અમે નરેન્‍દ્ર મોદીની વિરૂધ્‍ધ,  અમારો મુદ્દા માત્ર પરસોતમ રૂપાલાએ અમારી બહેન-બેટી ઉપર કરેલા બફાટ વિરૂધ્‍ધનો છે.

અમારી માંગણી એટલી જ છે કે પરસોતમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઇએ. આ અમારૂ આંદોલન પાર્ટ-૧ છે પણ જો  અમારી માંગણી મુજબ ન થયું તો પાર્ટ-રમાં અમે અમારી રણનીતિ ઘડીશુ અને ભાજપ વિરૂદ્ધ કચકચાવીને મતદાન કરીશું, એના શપથ લઇએ છીએ.

રતનપર રાજકોટ ખાતે યોજાયેલા રૂપાલ હટાવ ક્ષત્રિય સંમેલનમાં રાજસ્‍થાન, ગુજરાત, મધ્‍યપ્રદેશના અનેક સામાજીક હસ્‍તીઓ સામેલ થઇ હતી. આ સમાજીક વિરોધ પ્રદર્શન અને આંદોલનમાં કોઇપણ રાજકીય વ્‍યકિતને સ્‍ટેજ ઉપર સ્‍થાન આપવામાં આવ્‍યુ ન હતુ. આમ આ સામાજીક સંમેલન એ  ‘ન ભૂતો ન ભવિષ્‍ય'ની  છાપ છોડી છે.

લોકશાહી રૂએ થયેલા અત્‍યાર સુધીના આંદોલનોમાં આશરે પાંચ લાખથી વધુ ઉપસ્‍થિતી હોવાથી ઘટના નોંધનીય છે. સૌથી મોટુ કારણ રાજપૂત સમાજની બેટી-દિકરી ઉપર પરસોતમ રૂપાલાએ કરેલી ટીપ્‍પણી કારણભૂત છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જયારથી મુખ્‍યમંત્રી તરીકે નરેન્‍દ્રભાઇ મોદીએ શાસન સંભાળ્‍યું ત્‍યારથી તેમના હિંદુ સંસ્‍કળતિને સમર્થન કરતા વિચારોને ક્ષત્રિય સમાજ સંપૂર્ણપણે ટેકો આપતો રહ્યો છે. આજે પણ ભાજપ નરેન્‍દ્રભાઇ મોદી વિરૂદ્ધ ક્ષત્રિય સમાજની કોઇ વાત નથી પરંતુ જે રીતે પરસોતમભાઇ રૂપાલાએ ક્ષત્રિય રાજપુત સમાજની ગરીમાને લાંછન લગાવતી જે વાતો કરી છે તેનાથી સ્‍વયંભુ રીતે વિરોધ પ્રજવલીત થયો છે. જે આવતા દિવસોમાં ભાજપની વિરૂદ્ધમાં માત્ર ગુજરાત જ નહી જે જે રાજયોમાં ક્ષત્રિયોની વસ્‍તી છે  ત્‍યાં  ત્‍યાં મતરુપે જવાબ આપશે.

આ સંમેલનમાં સૌરાષ્‍ટ્રના સ્‍થાનીક  ૈઉપરાંત રાજસ્‍થાન અને મધ્‍યપ્રદેશના અગ્રણીઓએ ઉપસ્‍થિત રહી પોતાની બહેન બેટીની અસ્‍મીતા ઉપર ઘા કરતા સંવાદો ઉપર રોષ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે અત્‍યાર સુધીના કોઇપણ રાજકીય માંધાતાઓની સભામાં જેટલી સંખ્‍યા મશીનરીઓના ઉપયોગ થકી પણ નથી થતી એટલી ગઇકાલના ક્ષત્રિય અસ્‍મીતા મહાસંમેલનમાં થઇ હતી. આ સંમેલને રાજપૂત ક્ષત્રિય સમાજના સંસ્‍કારો, સંસ્‍કળતિ અને ધીરજને ઉજાગર કરી હતી.

મહિપાલસિંહ મકરાણા

સંમેલનને સંબોધતા રાષ્‍ટ્રીય કરણી સેનાના અધ્‍યક્ષ મહિલપાલસિંહ મકરાણાએ જણાવ્‍યું હતું કે, છેલ્લા ૭પ વર્ષોમાં રાજપુત સમાજની મોટી-મોટી સંસ્‍થાઓ જે ન કરી શકી તે કામ રૂપાલાની અભદ્ર ટીપ્‍પણીએ કરી બતાવ્‍યું. હવે પુરૂષોતમ રૂપાલાને ઘરે બેસાડવાનો છે. રાજપુતોની બહેન-દિકરીઓ ઉપર ટીપ્‍પણી કરવાથી અહિં આમંત્રણ વગર લાખ્‍ખો રાજપુતો ઉમટી પડયા. આવુ જ ર૦૧પ-૧૬માં જોવા મળ્‍યું હતું. જયારે પદમાવત ફિલ્‍મમાં નિર્માતા નિર્દેશક સંજય લીલા ભણસાલીએ સમાજની અસ્‍મિતાને ઠેસ પહોંચાડવાનું કૃત્‍ય કર્યુ

હતું. મકરાણાએ રૂપાલની ટીકીટ રદ ન થાયતો ભાજપના તમામ કાર્યક્રમોનો-ઉમેદવારોનો બહિષ્‍કાર કરવાના ઉપસ્‍થિત ક્ષત્રીયોને શપથ લેવડાવ્‍યા હતા.

કરણસિંહ ચાવડા

ચાવડાએ પોતાના ઉદબોધનમાં જણાવ્‍યું હતું કે, ક્ષત્રીય સમાજનો ઇતિહાસ ત્‍યાંગ, બદલીન અને શુરવીરતાથી ભરેલો છે. જયારે સરહદો જીતવાની હોય ત્‍યારે આપણા રાજાઓ અશ્વમેઘ યજ્ઞ કરતા અને અશ્વને છુટ્ટો મુકતા ત્‍યારે બે જ વાત રહેતી કે કાં શરણાગતી સ્‍વીકારો કાં લડાઇ માટે તૈયાર રહો. કાંઇક એવો જ ઘોડો મહાશકિતના આશીર્વાદથી સુરેન્‍દ્રનગરથી જામનગર, જામનગરથી ભાવનગર, ભાવનગરથી ફરતો-ફરતો ધંધુકા આવ્‍યો ત્‍યાંથી પાટણ, હિંમતનગર, ભરૂચ થઇ આજે રાજકોટ પહોંચ્‍યો છે. જો રૂપાલની ટીકીટ રદ નહિ થાય તો આ ઘોડો ગાંધીનગર સુધી પહોંચશે. કોઇની તાકાત હોય તો ઘોડાને બાંધી દેખાડે.

રમજુભા જાડેજા

સંકલન સમીતીના આગેવાન રમજુભાએ જણાવેલ કે, આ લડત સામાજીક છે. તેની પાછળ કોઇનો દોરી સંચાર નથી. ભારત દેશમાં છેલ્લા ઘણા સમયથી નૈતિકતાનું અધઃપતન થઇ રહયું છે. તેની જવાબદારી તો લેવી જ પડશે. ર૩ મી તારીખે જે બનાવ બન્‍યો અને પછી માફીના નાટકો ચાલુ થયા, જે હજુ પણ ચાલુ છે પણ આપણે એ સમજવાનું છેકે, પ્રશ્ન ઉભો કોણે કર્યો?, પ્રશ્નમાં રાજકારણ કોણે કર્યુ? અને પ્રશ્નને વધારે મોટો કોણે બનાવ્‍યો? બારોબાર સમાધાનો ભલે થાય પરંતુ જેમનો આ પ્રશ્ન છે તે ક્ષત્રીયાણીઓને કયારેય કોઇએ પુછયું?

જયેન્‍દ્રસિંહ જાડેજા

ગુજરાત રાજપુત સંઘના પીઢ અગ્રણી ડો.જયેન્‍દ્રસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું કે,   આપણે જે લડત આદરી છે તે યોગ્‍ય છે પરંતુ હવે તે વિચક્ષણ બુધ્‍ધિથી લડવાની છે. હવે શહીદ થવાની લડાઇ નહિ પરંતુ જીતવા માટેની લડાઇ લડવાની છે.

દશરથબા પરમાર

ગાંધીનગરના ક્ષત્રીય મહિલા અગ્રણી દશરથબા પરમારે જણાવ્‍યું હતું કે, બ્રિટીશરોને ભગાડવામાં પણ આટલી મહેનત કરવી પડી ન હતી. ૯ વર્ષની બાળાથી ૮૦ વર્ષની વૃધ્‍ધા આંદોલનમાં રોષભેર જોડાયા છે.

ચેતનાબા જાડેજા

કચ્‍છ ગરાસીયા છાત્રાલયના એડમીનીસ્‍ટ્રેટર અને મહિલા અગ્રણી ચેતનાબા જાડેજાએ જણાવ્‍યું હતું કે, અમારા સ્‍વમાનની લડત છે. ન ડરશું કે ડરાવશું, છાત્ર ધર્મ નિભાવશું.

પી.ટી. જાડેજા

પી.ટી.જાડેજાએ તેમની આગવી શૈલીમાં પ્રવચન કરતા ચોક્કા-છગ્‍ગા લગાવ્‍યા હતા. તેમણે કહયું હતું કે, ૧૦ બોલમાં સેન્‍ચુરી કરવાની છે. એટલે કે ટુંકા સમયમાં પરીણામ લાવવાનું છે. તેમણે જણાવ્‍યું કે, ક્ષત્રીય સમાજની આસ્‍થા જે મહાન સંત લાલબાપુમાં રહેલી છે. તેમના ચરણે પરસોતમભાઇ રૂપાલા ગયા, લાલબાપુએ મને ૩ વખત બોલાવ્‍યો. તેમના જેવા મહાન સંત વિશ્વામિત્ર પછી આ ધરતી ઉપર આવ્‍યા છે. મેં તેમને પણ વિનંતી કરી હતી કે ‘બાપુ એવા આશીર્વાદ આપો કે પરસોતમભાઇ ઉમેદવારી પાછી ખેંચી લે'.

આ ઉપરાંત ઉતેલીયા ઠાકોર સાહેબ  ભગીરથસિંહ વાઘેલા (મુન્નારાજા) , મધ્‍યપ્રદેશના રાજકુમારી કિર્તીબા રાઠોડ,  અશ્વિનસિંહ સરવૈયા, દિલીપ પટેલ સહીતના અગ્રણીઓએ ક્ષત્રીય સમાજમાં ઉઠેલા રોષનો પડઘો પાડયો હતો. (૪.૨૧)

ક્ષત્રિય સંમેલનને અનેક સમાજે ખુલ્લો ટેકો જાહેર કર્યો

જ્જ ખાંટ રાજપૂત, કાઠી ક્ષત્રિયો, દલિત, આદિવાસીઓ સહિત અનેક સમાજના અગ્રણીઓએ મંચ પરથી ક્ષત્રિયોને ખુલ્લો ટેકો આપ્‍યો

જ્જ ક્ષત્રિય સંમેલનમાં અનઉપસ્‍થિત ક્ષત્રિય નેતાઓ ઉપર પ્રહારોઃ એ ભાજપૂતો, અમે રાજપૂતો

જ્જ વટે ચડયે તો મરીએ કાં મારીએ... બોલશું તે કરીશું... ક્ષત્રાણીઓનો રોષ ભભૂક્‍યો

જ્જ    રૂપાલા ચૂંટણી લડવાનું નહીં છોડે તો ભાજપ વિરૂદ્ધમાં પ્રચંડ મતદાન કરી જડબાતોડ જવાબ આપીશુ

સંખ્‍યાને લઇ થયેલા દાવા

પોલીસે બે લાખની સંખ્‍યાનો દાવો કર્યો, જયારે ક્ષત્રીય સમાજે  પાંચ લાખની ઉપસ્‍થિતિ  જીલ્લા-તાલુકાવાઇઝ રવાના થયેલા વાહનો અને ભાવનગર, જામનગર, ગુજરાત, કચ્‍છના અગ્રણીઓએ આપેલા આંકડાના આધારે ગણાવી

સંમેલનના મુખ્‍ય વકતાઓ

ડો.જયેન્‍દ્રસિંહ જાડેજા, (પ્રમુખ ગુજરાત રાજપુત સંઘ)

મહિપાલસિંહ મકરાણા (પ્રમુખ રાષ્‍ટ્રીય કરણી સેના)

ઉતેલીયા ઠાકોરસાહેબ ભગીરથસિંહ વાઘેલા

દિયોદર ઠાકોર સાહેબ ગીરીરાજસિંહ વાઘેલા

પી.ટી.જાડેજા (આંતરરાષ્‍ટ્રીય પ્રમુખ-રાજપુત સંઘ)

રમજુભા જાડેજા (રૂપાલા વિરોધી સંકલન સમીતીના ચેરમેન)

વાસુદેવસિંહ ગોહીલ (સંકલન સમીતીના કોર સભ્‍ય)

કરણસિંહ ચાવડા   (સંકલન સમીતીના કોર સભ્‍ય)

અશ્વીનસિંહ સરવૈયા (અમદાવાદ-ગાંધીનગર રાજપુત સમાજના પ્રમુખ)

દશરથબા પરમાર  (ગાંધીનગર એકેડમીના એડમીનીસ્‍ટ્રેટર)

ચેતનાબા જાડેજા   (કચ્‍છ કન્‍યા છાત્રાલયના ચેરમેન)

તૃપ્તીબા રાઓલ   (સંકલન સમીતીના ઉપપ્રમુખ)

વનરાજસિંહ (મધ્‍યપ્રદેશ)  (કરણી સેના)

દિલીપ પટેલ (સુરત) (ક્ષત્રીય સમાજના પ્રખર ટેકેદાર અને ઈતિહાસના જાણકાર

-: અહેવાલ :-

જયદેવસિંહ જાડેજા

(3:07 pm IST)