Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ટેરર ફંડિંગ કેસ : એનઆઈએ દ્વારા આખરે ચાર્જશીટ દાખલ

ચાર્જશીટમાં હાફીઝ સઇદ અને સલાઉદ્દીનના નામ : છ મહિના સુધી ટેરર ફંડિંગ કેસમાં તપાસ કરાયા બાદ કુલ ૧૨૭૯ પાનામાં ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી

શ્રીનગર,તા. ૧૮ : કાશ્મીર ખીણમાં હિંસા અને ત્રાસવાદી ગતિવિધિઓ માટે ફંડિંગ કરવાના મામલે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ચાર્જશીટમાં ટેરર ફંડિંગના આરોપમાં ૨૬-૧૧ હુમલાના માસ્ટરમાઇન્ડ અને લશ્કરે તોઇબાના લીડર હાફીઝ સઇદ અને હિઝબુલ મુઝાહ્દીનના લીડર સૈયદ સલાઉદ્દીન સહિત ૧૨ લોકોના નામનો ઉલ્લેખ કરાયો છે. એનઆઈએ દ્વારા કોર્ટ સમક્ષ ૧૨૭૯ પેજમાં ચાર્જશીટ દાખલ કરી છે અને પોતાની તપાસ જારી રાખવાની મંજુરી માંગી છે. આ મામલામાં ધરપકડ કરવામાં આવેલા ૧૦ લોકોની જ્યુડિશિયલ કસ્ટડીની અવધિ ગુરુવારના દિવસે પૂર્ણ થઇ ગઇ હતી. એનઆઈએના અધિકારીઓએ કહ્યું છે કે, તપાસ દરમિયાન મહત્વપૂર્ણ સામગ્રી અને પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે. ૬૦ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા અને ૯૫૦ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. મામલામાં ૩૦૦ સાક્ષીઓ રહેલા છે. હિઝબુલ કમાન્ડર બુરહાન વાનીના મોત બાદ કાશ્મીર ખીણમાં વ્યાપક હિંસા થઇ હતી. વર્ષ ૨૦૧૭માં ખીણમાં હિંસા માટે આતંકવાદી સંગઠનો પાસેથી ફંડિંગ હોવાની બાબતને લઇને શંકા વ્યક્ત કરાઈ હતી. ત્યારબાદ એનઆઈએ દ્વારા આ મામલામાં તપાસ માટે કેસ દાખલ કરાયો હતો. મામલો દાખલ કરવામાં આવ્યા બાદ એનઆઈએ દ્વારા અલગતાવાદી સંગઠનોના લીડર સઇદ અલી શાહ ગિલાનીના જમાઈ અલ્તાફ ફન્ટુશ, હુર્રિયત શાહીદ ઉલ ઇસ્લામની ધરપકડ કરાઈ હતી. પાકિસ્તાની ત્રાસવાદી હાફીઝ સઇદના નામનો પણ ચાર્જશીટમાં ઉલ્લેખ કરાયો છે. ચાર્જશીટમાં કાશ્મીરના અલગતાવાદી લીડરો અને બિઝનેસમેનોના નામ પણ સામેલ છે. એનઆઈએ દ્વારા છ મહિના સુધી ટેરર ફંડિંગ કેસમાં તપાસ બાદ ચાર્જશીટ દાખલ કરી છે.

(7:48 pm IST)