Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

આનંદો... કેસર કેરીનો મબલખ પાક થશે

પ્રજાને સસ્‍તી અને સારી કેરી ખાવા મળશે : હવામાન અનુラકૂળ હોઇ આંબે ભરપૂર મોરઃ મગિયો બંધાયો - ખાખડી જોવા મળી રહી છે

મુંબઇ તા. ૧૮ : ઉનાળાની ઋતુ આમ તો આકરી હોય છે ગરમીથી લોકો ત્રાહીમામ થઈ જતાં હોય છે. આમ છતાં આજ ઉનાળો એક મોટું સુખ આપે છે તે છે ઉનાળામાં કેરીની મઝા. જો કેરીની સિઝનમાં ભલીવાર ન હોય તો ઉનાળો બગડી જાય છે. કેરી રસિયાઓ માટે ખાસ સારા સમાચાર જૂનાગઢથી સાંપડ્‍યા છે. તે એ છે કે આ વર્ષે કેસર કેરીનો મબલખ પાક થશે. કેસર કેરીના ગઢ ગણાતા ગીર પંથકમાં કેસરના બગીચાઓમાં ભરપૂર ફલાવરીંગથી ખેડૂતો ખુશખુશાલ બન્‍યા છે. હાલ કેસર કેરી ને માફક હવામાન હોવાના કારણે આંબા પર ભરપૂર મોર આવ્‍યો છે. જેને પગલે કેસર કેરીનું ઉત્‍પાદન મબલખ થવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

ગીર સોમનાથ જિલ્લામાં આવેલા કેસર કેરીના બગીચાઓમાં ભરૂપ ફાલ આવતો જોવા મળી રહ્યો છે. હાલ આ બગીચાઓ સૌ કોઈનું ધ્‍યાન પોતાની તરફ કેન્‍દ્રિત કરી રહ્યા છે. કારણ કે તેમાં મબલખ ફલાવરીંગ (મોર) ફૂટ્‍યું છે.જો કે મોટા ભાગના આંબા પર મગિયો પણ બંધાય ચુક્‍યો છે એટલે કે નાની નાની ખાખડી જોવા મળી રહી છે.

કૃષિ વિજ્ઞાન કેન્‍દ્રના બાગાયત અધિકારી રણજીતસિંહ બારડના કહેવા પ્રમાણે કેસરના બગીચાઓમાં સામાન્‍ય જીવાતનો ઉપદ્રવ હતો પરંતુ તે દવાના છટકાવ કરવાથી કંટ્રોલ કરી શકાયો છે હાલ તમામ રીતે કેરીના પાકને અનુકૂળ વાતાવરણ હોવાના કારણે મોટી સંખ્‍યામાં આ વર્ષ કેસરનો પાક થશે તેવું અનુમાન છે.

ઉલ્લેખનિય છે કે ગીર વિસ્‍તારમાં તાલાલામાં સૌથી વધારે કેસરનું ઉત્‍પાદન થાય છે. તાલાલા બાદ ઉના કોડીનાર અને ગીર ગઢડા તાલુકામાં પણ કેસર કેરીનું મોટી માત્રામાં ઉત્‍પાદન થાય છે.

ગીર વિસ્‍તારમાં કેસર કેરીના આંબા પર મબલખ ફલાવરિંગ થતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. ખેડૂતોનું માનવું છે કે આ વર્ષ કેરીનું રેકોર્ડ બ્રેક ઉત્‍પાદન થશે. જો કમોસમી વરસાદ કે વાતારણમાં પલટો ન આવે તો લોકોને સારી કેસર કેરી મોટી માત્રામાં ખાવા મળશે. વાતાવરણ પલાટાશે તો તે તે ચિંતાનો વિષય છે. જો કમોસમી વરસાદ થશે તો મોટો ફટકો કેસરના પાક ને પડશે.

જો કે હાલ ગીર વિસ્‍તારના ખેડૂતો ખુશખુશાલ છે ખેડૂતોનું કહેવું છે આ વર્ષ મોટી માત્રામાં કેસરનું ઉત્‍પાદન તો થશે જ પરંતુ સીઝન પણ લાંબી ચાલશે. જેથી લાંબા સમય સુધી કેસર રસિયાઓ કેરી નો સ્‍વાદ માણી શકશે. ગીર પંથકમાં બજારોમાં નાની નાની કેસર કેરીની ખાખડી પણ ૧૫ દિવસમાં મળતી થઈ જશે.

બગાયત ખેડૂત અનિષભાઈ નકવીનું કહેવું છે કે મબલખ ઉત્‍પાદન વચ્‍ચે જયારે સારી સિઝનની આશા હોય ત્‍યારે ભાવ એ ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. કેસરનું ઉત્‍પાદન તો સારું થશે પણ તેના અપૂરતા ભાવ મળશે તો? ખેડૂતોને સારા ભાવ મળશે તેવી આશા રાખીએ છીએ.

હાલ ગીર પંથકના ખેડૂતોમાં કેસરના આંબા પર જોરદાર ફલાવરીંગને લઇ આનંદ છવાયો છે. તો કેસરની સીઝન લાંબી ચાલવાને લઇ કેસર રસિકો પણ ખુશખુશાલ છે

(4:20 pm IST)