Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ત્રિપુરામાં ૧૮, મેઘાલય અને નાગાલેન્ડમાં ૨૭ ફેબ્રુઆરીએ મતદાનઃ ૩ માર્ચે પરિણામ

મેઘાલય - ત્રિપુરા - નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણી જાહેર

મુખ્ય ચૂંટણી કમિશ્નરે જાહેર કર્યો કાર્યક્રમઃ આચારસંહિતા લાગુઃ ત્રણેય રાજ્યોમાં વીવીપેટથી મતદાન

નવી દિલ્હી તા. ૧૮ : ચૂંટણી પંચ એ ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. આ ત્રણેય રાજયોની વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં સંપન્ન થશે. પહેલાં તબક્કામાં ૧૮ ફેબ્રુઆરીના રોજ ત્રિપુરામાં વોટિંગ હશે. બીજા તબક્કામાં ૨૭ ફેબ્રુઆરીના મેદ્યાલય અને નાગાલેન્ડમાં વોટિંગ થશે. ૩ માર્ચના રોજ ત્રણેય રાજયોમાં થયેલ વિધાનસભા ચૂંટણીઓ માટે મતગણતરીની સાથે જ પરિણામોની જાહેરાત કરાશે.

આ ત્રણેય રાજયોની વિધાનસભા ચૂંટણીઓમાં વીવીપેટનો ઉપયોગ થશે. ચૂંટણી પંચના મતે દરેક વિધાનસભા સીટના એક પોલિંગ સ્ટેશન પર વીવીપેટથી વોટિંગ થશે અને સ્લિપનું કાઉન્ટિંગ કરાશે. ચૂંટણી પંચની આ જાહેરાતની સાથે જ ત્રણેય રાજયોમાં ચૂંટણી આચારસંહિતા લાગૂ થઇ ગઇ છે. આ વખતે આ ત્રણેય રાજયોમાં વિધાનસભા ચૂંટણીઓની રસપ્રદ તસવીર જોવા મળી રહી છે.

૨૦૧૪ની લોકસભા ચુંટણી બાદ ભાજપે નોર્થ ઇસ્ટમાં પણ પોતાની પકડ મજબૂત બનાવાનું શરૂ કર્યું છે. પહેલા આસામ અને બાદમાં મણિપુરની સત્તામાં આવ્યા બાદ ભાજપની નજર હવે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભા ચુંટણીઓ પર છે.

ત્રિપુરામાં લેફર ભાજપ માટે સૌથી મોટો પડકાર છે. છેલ્લા બે દાયકાથી માણિક સરકારના નેતૃત્વમાં સીપીએમ ત્યાંની સત્તારૂઢ છે. ૬૦ સીટોવાળી ત્રિપુરા વિધાનસભા ચુંટણીમાં ભાજપ પોતાના દમ પર ઉતરી રહી છે. ૨૦૧૩ની વિધાનસભા ચૂંટણીમાં ત્યાં સીપીએમને ૪૯ સીટો પર જીત મળી હતી. જ્યારે કોંગ્રેસના ખાતામાં ૧૦ સીટો આવી હતી. સીપીએમના લહેરે ત્રિપુરામાં કોંગ્રેસને હાંસિયામાં મોકલી દિધી છે. જોકે આ વખતે રાજનીતિ થોડી બદલી છે. એવું પહેલીવાર જોવા મળી રહ્યું છે કે, કોઇ રાજ્યમાં કમ્યુનિસ્ટ પક્ષ અને ભાજપમાં સીધી ટક્કર જોવા મળી રહી છે.

નાગલેન્ડ વિધાનસભામાં પણ ૬૦ સીટો છે ત્યાં નગા પીપલ્સ ફ્રન્ટ ભાજપના સમર્થનથી પોતાની સરકાર ચલાવી રહ્યા છે. ભાજપની સામે પડકાર છે કે નાગાલેન્ડમાં એનડીએની સત્તા બની રહે. બિહાર અને કેન્દ્રમાં ભાજપની સહયોગી જેડીયુએ નાગાલેન્ડમાં એકલા હાથે ચુંટણી લડવાની ઘોષણા કરી દીધી છે. હાલમાં નાગાલેન્ડના સત્તારૂઢ ગઠબંધનમાં જેડીયુ પણ સામેલ છે.

૨૦૧૪માં મોદીના નેતૃત્વમાં ભાજપના ઉભારે કોંગ્રેસને દેશની રાજનીતિમાં સમેટાવી દીધું છે. હાલમાં ફકત પાંચ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે તેમાં એક મેઘાલય પણ છે. કોંગ્રેસની ચિંતા આ વખતે કોઇપણ પ્રકારે મેઘાલયમાં સરકાર રચવાની છે. જોકે ભાજપ ત્યાં પણ કોંગ્રેસ પર ભારે પડી છે. ડિસેમ્બરમાં કોંગ્રેસના એક સહિત ૪ વિધાયકોએ ભાજપનો છેડો ઝીલ્યો છે.

(3:52 pm IST)