Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

મૃત્‍યુ પહેલા આપેલુ નિવેદન નિર્ણાયક પુરાવો : સજા માટે પૂરતુ છે

કલકત્તા હાઇકોર્ટનો નિર્ણય : માત્ર તપાસમાં ક્ષતિના કારણે આરોપીઓને નિર્દોષ છોડી શકાય નહીં

કોલકત્તા,તા. ૧૨ : જસ્‍ટિસ દેબાંગસુ બસાક અને જસ્‍ટિસ બિભાસ રંજન ડેની બનેલી કલકત્તા હાઇકોર્ટની ડિવિઝન બેન્‍ચે ફરી એકવાર પુનરોચ્‍ચાર કર્યો છે કે મૃત્‍યુ પહેલાં આપેલું નિવેદન નિર્ણાયક પુરાવા છે જે આરોપીને દોષિત ઠેરવવા માટે માન્‍ય છે. તેથી, જો કોઈએ મૃત્‍યુ પહેલાં સભાનપણે નિવેદન આપ્‍યું હોય, તો તે નિર્ણાયક પુરાવા તરીકે ગણવામાં આવશે. કોર્ટે સ્‍પષ્ટ કર્યું કે મૃત્‍યુ પૂર્વેના નિવેદનના આધારે જ દોષિત ઠેરવી શકાય છે. અન્‍ય પુરાવાઓ દ્વારા તેની પુષ્ટિ કરવી એ કાયદાનો સંપૂર્ણ સિદ્ધાંત નથી, તે માત્ર અંતરાત્‍માનો નિયમ છે.

આ ઉપરાંત હાઈકોર્ટની બેન્‍ચે એમ પણ કહ્યું હતું કે તપાસ રિપોર્ટમાં ખામીઓને કારણે આગળ મૂકવામાં આવેલા અન્‍ય પુરાવાઓને ફગાવી દેવામાં આવશે નહીં, એમ લાઈવ લોના અહેવાલમાં જણાવાયું છે. કોઈ પણ વ્‍યક્‍તિને માત્ર કાર્યવાહીની ક્ષતિના આધારે નિર્દોષ છોડવામાં આવશે નહીં, જયારે પુરાવાનો સંપૂર્ણ રેકોર્ડ આરોપી વિરુદ્ધ છે.

આઈપીસીની કલમ ૪૯૮-એ અને ૩૦૨ હેઠળ દાખલ કરવામાં આવેલા પ્રોસિક્‍યુશન કેસમાં કહેવામાં આવ્‍યું છે કે આરોપી જયાં રહેતો હતો ત્‍યાં તેની પત્‍ની સાથે વારંવાર ઝઘડા કરતો હતો. ઝઘડાની છેલ્લી ઘટનામાં આરોપીએ પત્‍નીને તેઓ જયાં રહેતા હતા ત્‍યાં કેરોસીન રેડીને આગ ચાંપી દીધી હતી. મૃતક મહિલા અને આરોપીના લગ્ન વર્ષ ૨૦૦૩માં થયા હતા. આરોપી તેની પત્‍ની પર શંકા કરતો હતો અને તેના કારણે તેને સતત મારતો હતો.

ટ્રાયલ કોર્ટને પ્રોસિક્‍યુશન કેસમાં કોઈ ખામી જણાઈ ન હતી અને આઈપીસીની કલમ ૪૯૮-A અને ૩૦૨ હેઠળ સજાપાત્ર અપરાધો માટે આરોપીઓને દોષિત ઠેરવ્‍યા હતા. જે મૃતકના મૃત્‍યુ પહેલાના નિવેદન, તપાસ દરમિયાન મળેલા પુરાવા અને પુરાવાના આધારે કરવામાં આવ્‍યું હતું. અપીલકર્તા એટલે કે આરોપીએ પોતાને નિર્દોષ જાહેર કરવા હાઈકોર્ટ સમક્ષ અપીલ કરી હતી. હાઈકોર્ટે નીચલી કોર્ટના નિર્ણયમાં દખલગીરી કરી નથી. જેમણે પત્‍નીના મોત માટે આરોપીને દોષિત ગણાવ્‍યો હતો. જે કેરોસીન ઠાલવી આગ લગાડવાથી થયું હતું.

(4:23 pm IST)