Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

બ્રાઝિલના રાજદૂત કેનેથ ફેલિક્સ હઝિન્સ્કી દ નોબ્રેગા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે

જો દુનિયાના બધા જ દેશો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે તો વિશ્વનું પર્યાવરણ અને લોકોનું સ્વાસ્થ્ય સુધરે :રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

ગાંધીનગર :ભારતમાં બ્રાઝિલના રાજદૂત કેનેથ ફેલિક્સ હઝિન્સ્કી દ નોબ્રેગા આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમને ઉષ્માભેર આવકાર્યા હતા.

બ્રાઝિલના રાજદૂત કેનેથ ફેલિક્સ હઝિન્સ્કી નોબ્રેગાએ કહ્યું હતું કે, બ્રાઝિલની અનેક કંપનીઓ-ઉદ્યોગો ભારતમાં મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીમાં કાર્યરત છે. બ્રાઝિલિયન કંપનીઓ ગુજરાતમાં આવે અને વેપાર-વાણિજ્ય વિકસાવે એવા પ્રયત્નો કરાશે.
પશુપાલન અને કૃષિ ક્ષેત્રે અગ્રેસર બ્રાઝિલે કેટલાક વર્ષો પહેલાં ગુજરાતની ગીર ગાય આયાત કરી હતી, એ સંદર્ભે વાતચીત કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બ્રાઝિલમાં ગીર ગાયની બ્રીડ સુધારણા અને દૂધ ઉત્પાદન ક્ષમતા વિશે પૃચ્છા કરી હતી. સો ટકા રાસાયણિક કૃષિ પદ્ધતિથી ખેતી કરતા બ્રાઝિલમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશેષ લાભદાયી થશે એમ જણાવીને રાજ્યપાલએ કહ્યું કે, બ્રાઝિલ પાસે પશુધન વધુ છે તેથી પ્રાકૃતિક ખેતી સારું પરિણામ આપશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, જો દુનિયાના બધા જ દેશો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે તો વિશ્વનું પર્યાવરણ સુધરે, લોકોનું સ્વાસ્થ્ય સુધરે, હવા અને પાણીનું પ્રદૂષણ દૂર થાય, ગ્લોબલ વોર્મિંગની સમસ્યા હલ થાય એટલું જ નહીં, ઑર્ગેનિક કાર્બન વધે તો ધરતીની ગુણવત્તા અને ઉત્પાદકતા બંનેમાં વધારો થાય. રાજ્યપાલએ તેમને પ્રાકૃતિક કૃષિ વિષયક પોતાનું પુસ્તક ભેટ આપ્યું હતું.
બ્રાઝિલના એમ્બેસેડર કેનેથ ફેલિક્સ હઝિન્સ્કી દ નોબ્રેગાએ પણ સ્વીકાર્યું કે, બ્રાઝિલમાં પણ હવે કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની આડઅસર અનુભવાય છે અને કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ માટે મિશન મોડ પર થઈ રહેલા કામ બદલ અભિનંદન આપ્યા હતા.
  કૃષિ અને પશુપાલનમાં અગ્રેસર બ્રાઝિલે ગુજરાતથી ગીર ગાય આયાત કરી હતી તે અંગે બ્રાઝિલના રાજદૂતે કહ્યું હતું કે, બ્રાઝિલમાં ગીર ગાયની બ્રીડ વિકસાવવામાં આવી છે. અત્યારે બ્રાઝિલ ગુજરાતમાં નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડને સિમેનના 40,000 ડૉઝ એક્સપોર્ટ કરે છે. ઘાસચારાની સારી ગુણવત્તા અને બ્રીડ સુધારણાને કારણે બ્રાઝિલમાં દૂધ ઉત્પાદન વધ્યું છે.
    આ મુલાકાત વખતે બ્રાઝિલ એમ્બસીના વેપાર અને મૂડીરોકાણ સંવર્ધન ક્ષેત્રના વડા વૈગેનર સિલ્વા એન્ટ્યૂન્સ પણ ઉપસ્થિત રહ્યા હતા.

(9:24 pm IST)