Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

ગુજરાતથી ઓપરેટ થતું સૌથી મોટું સાઇબર ફ્રોડનું સૌથી મોટું રેકેટ સામે આવ્યુ : સાયબર ક્રાઇમ એ 13 આરોપીઓને ઝડપી લીધા

આરોપીઓ છેતરપિંડીના લાખો રૂપિયા અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી તેને રોકડમાં કન્વર્ટ કરતા હતા અને મોટાભાગની રકમ ક્રીપ્ટો કરન્સીમાં ડાયવર્ટ કરાવતા હતા

અમદાવાદ : સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં થોડા સમય પહેલા એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં માઈકા કંપનીના પ્રેસિડેન્ટ સાથે 1.15 કરોડની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ હતી જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે તપાસ કરતા ગુજરાતથી ઓપરેટ થતું સાઇબર ફ્રોડનું સૌથી મોટું રેકેટ સામે આવ્યું છે. સાયબર ક્રાઇમ પોલીસે સમગ્ર કેસમાં 13 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. જોકે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા આ રેકેટ ગુજરાતનું સૌથી મોટું સાઇબર રેકેટ હોવાનું પણ સામે આવ્યું છે.
પોલીસે પકડેલા 13 આરોપીઓ પૈકી એક માસ્ટરમાઈન્ડ અને અન્ય લોકો કે જેમાં પૈસા ટ્રાન્સફર થયા હોય તેની ધરપકડ કરી છે, પરંતુ પોલીસ તપાસમાં આ ગુજરાતથી ઓપરેટ થતા ફ્રોડનું મૂળ ચાઈના સુધી પહોંચ્યું છે. પકડાયેલા આરોપીઓના અલગ અલગ રોલ છે અને તેઓએ અલગ અલગ બેંક એકાઉન્ટો મારફતે પૈસાની લેતી દેતી કરી હોવાનું સામે આવ્યું છે.
મુખ્ય સૂત્રધાર અને એજન્ટનું કામ કરતા મોઈન ઈંગોરિયા સહિત 12ની ધરપકડ
પોલીસ આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓ છેતરપિંડીના લાખો રૂપિયા અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી તેને રોકડમાં કન્વર્ટ કરતા હતા અને મોટાભાગની રકમ ક્રીપ્ટો કરન્સીમાં ડાયવર્ટ કરાવતા હતા. સાયબર ક્રાઇમે બેન્ક એકાઉન્ટના માલિક અને કમિશન માટે એકાઉન્ટ મેનેજ કરનાર મોઇન ઇંગારીયા અને તેની સાથે અન્ય 12 આરોપીની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓએ છેતરપિંડીના 1.15 કરોડ માંથી 62 લાખ રૂપિયા ઉપલેટા, ધોરાજી, કુતિયાણા, પોરબંદર, મોરબી, રાજકોટ અને અમદાવાદમાંથી મેળવી મૂળ આરોપીઓ સુધી પહોંચાડ્યા છે. જોકે આરોપીઓની સાથે અન્ય કેટલાક જોડાયેલા વ્યક્તિઓ હજી ફરાર છે. જેની પોલીસ શોધખોળ કરી રહી છે. આ તમામ આરોપીઓ મોઇન ઇંગોરીયા છે અને તેનો સાથીદાર નેવીવાલા મુસ્તફા યુનુસ હજી ફરાર છે. આ બંને આરોપીઓ ભેગા મળીને ચીનની ગેંગ સાથે મળીને ભારતમાં અનેક લોકોને ડરાવી રૂપિયા પડાવ્યા છે. બંને આરોપીઓ અગાઉ ચીન પણ જઈ આવ્યા છે અને ફરી જવાના હતા પરંતુ તે પહેલા પોલીસે તેમને પકડી પાડ્યા છે.
CBI, RBIના ખોટા લેટર મોકલી સ્કાઈપથી કોલ કરી ધમકાવતા
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચીનમાં બેઠેલા કેટલાક ભારતીયો અને ચીની સાઇબર ગઠિયાઓ લોકોને અલગ અલગ મોડસ ઓપરેન્ડી થી ધમકાવી રૂપિયા પડાવી રહ્યા છે. જેમાં “ફેડેક્સ કુરિયરમાં ડ્રગ અને પાસપોર્ટ મળી આવ્યા, તમારા એકાઉન્ટમાંથી ટ્રાન્જેક્શન થયેલ છે” જેનો સીબીઆઇ અને આરબીઆઈના ખોટા લેટર મોકલી સ્કાઈપ મારફતે કોલ કરી ધમકાવી રૂપિયા પડાવી રહ્યા છે. આ રૂપિયાનો પહેલાં મુંબઈ અને વેસ્ટ બંગાળના અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે. જે રૂપિયા પકડાયેલા આરોપી અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરી કેટલાક રૂપિયા એટીએમ માંથી રોકડ કરાવી અને કેટલાક રૂપિયા વોલેટ મારફતે ક્રિપ્ટો કરન્સીમાં લઈ હવાલા મારફતે ચીનમાં મોકલી દેવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે છેતરપિંડીના 90% રૂપિયા ચીન અને ત્યારબાદ 10% રૂપિયા તમામ કમિશન એજન્ટોમાં વેચાતા હતા. ઉલ્લેખનીય છે કે 13 આરોપીઓમાંથી મોટાભાગના આરોપીઓ માત્ર 10 થી 20 હજાર રૂપિયા માટે પોતાનું એકાઉન્ટ ભાડે આપી અને બીજા લોકો કમિશન માટે જોડાયા હતા.
40થી વધુ બેંક ખાતાની તપાસ
પકડાયેલા આરોપીઓના મોબાઇલમાંથી ક્રિપ્ટો કરન્સીના વોલેટ મળી આવ્યા છે, અને આ લોકોએ આંધ્રપ્રદેશ, ગોવા, મુંબઈ સહિત અનેક રાજ્યોમાં આવી રીતે લોકો સાથે છેતરપિંડી કરી ચૂક્યા હોવાનો પણ સામે આવ્યું છે. હાલ અન્ય ફરાર મુખ્ય આરોપી નેવીવાલાની પોલીસે શોધખોળ હાથ ધરી છે અને ગુજરાતના જે 40 થી વધુ બેન્ક ખાતાઓ મળી આવ્યા છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

 

(9:22 pm IST)