Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

પરશોત્તમ રૃપાલા સહિત ૧૬ ઉમેદવારો આવતીકાલે ફોર્મ ભરશે

ભાજપના છ ઉમેદવારો ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવીઃગુજરાત લોકસભાની ૨૬ બેઠક અને વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી માટે ફોર્મ ભરાવાની શરૃઆત થઈ

રાજકોટ, તા.૧૫

ગુજરાત લોકસભાની ૨૬ બેઠક અને વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી માટે ફોર્મ ભરાવાની શરૃઆત થઈ ચૂકી છે. આજે ભારતીય જનતા પાર્ટીના છ ઉમેદવારો ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે.

આજે અમદાવાદ પૂર્વના હસમુખ પટેલ, સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ સિહોરા, પોરબંદરમાં મનસુખભાઈ માંડવીયા, પંચમહાલમાં રાજપાલસિંહ જાદવ, વલસાડમાં ધવલ પટેલ, ભરુચમાં મનસુખ વસાવાએ રોડ શો કરીને તેમના ફોર્મ ભર્યા છે.

આ ઉપરાંત વિધાનસભાની પેટાચૂંટણી માટે પોરબંદર ખાતે અર્જુન મોઢવાડિયા અને વાઘોડિયા ખાતે ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમની ઉમેદવારી નોંધાવી દીધી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર આજે છ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે અને આવતીકાલે ૧૬ ઉમેદવારો તેમની ઉમેદવારી નોંધાવશે.

ગુજરાતમાં લોકસભાની ૨૬ અને વિધાનસભાની પાંચ બેઠકો માટે સાતમી મેના રોજ મતદાન યોજાનાર છે આ તમામ બેઠકો પર બુથ તેમજ પેજ સમિતિના સ્તરથી લઈ મંડલ સ્તર સુધી સભા અને પ્રચારનું આયોજન કરી દેવાયું છે. જેમાં પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જુદી-જુદી ૨૬ લોકસભા બેઠકના પેજ પ્રમુખ અને મતદાર સંપર્ક અભિયાનમાં હાજરી આપી રહ્યા છે. આજથી ઉમેદવારોઓ પોતાની ઉમેદવારી નોંધાવા સાથે રોડ શો અને જાહેર સભાનું આયોજન કર્યું છે.

૧૮મીએ ગાંધીનગર લોકસભા મતવિસ્તારના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ગ્રાન્ડ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ પ્રથમ વખત પોતાનો ચૂંટણી પ્રચાર કરશે. તેમની સાથે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સામેલ થશે. ૧૯મીએ તેઓ ઉમેદવારી નોંધાવશે. ૧૮મી તારીખે પ્રદેશ અધ્યક્ષ પાટીલની સભાનું આયોજન નવસારી ખાતે કર્યું છે અને ત્યારબાદ ઉમેદવારી નોંધાવશે. જામનગરના ઉમેદવાર પૂનમ માડમ ૧૮મીએ રોડ શો કરશે અને ૧૯મીએ ફોર્મ ભરશે.

રામનવમીની જાહેર રજા બાદ સોમવારથી શુક્રવારના ચાર દિવસ દરમિયાન મુખ્યમંત્રી ગાંધીનગર ઉપરાંત આણંદ, નવસારી ખાતે ઉમેદવારો ફોર્મ ભરશે ત્યારે તેઓ હાજરી આપશે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ગાંધીનગર ઉપરાંત કચ્છ, પોરબંદર, સુરત ખાતે હાજરી આપશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા ભાવનગર ખાતે ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા છોટાઉદેપુર, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલસરમાં બનાસકાંઠા ખાતે હાજરી આપશે તેમ ભાજપ દ્વારા જાહેર કરાયું છે.

(7:40 pm IST)