Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

અમદાવાદ ફુડ વિક્રેતા દ્વારા સોના-ચાંદીના વરખવાળી પાણીપુરીનું વેંચાણઃ બદામ, કાજુ અને પિસ્‍તાના ટુકડાનો પણ ઉપયોગ

ભારતની પ્રથમ હાઇજેનિક લાઇવ ફ્રાઇડ પાણીપુરી બનાવવાની શોપ હોવાનો દાવો

અમદાવાદ: ભારત પોતાના સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ માટે જાણિતું છે, પરંતુ તાજેતરમાં કેટલાક વર્ષોમાં સોશિયલ મીડિયા પર કેટલાક વિચિત્ર ફૂડ એક્સપેરિમેન્ટ પણ જોવા મળે છે. જેને જોઇને કેટલાક લોકોને તો મજા આવે છે, તો કેટલાક લોકોને ચિતરી ચડે છે. આવો જ એક વિચિત્ર એક્સપેરિમેન્ટ આપણી મનપસંદ પાણીપુરી સાથે ગુજરાતના અમદાવાદના રસ્તા પરથી સામે આવ્યો છે. ત્યાં એક સ્ટ્રીટ ફૂડ દુકાનદારે પરંપરાગત પાણીપુરીના મેવા અને ઠંડાઇ સાથે પીરસીને એવું નવું રૂપ આપ્યું છે. આમ તો ઘણા લોકો રોડ પર ઉભેલી લારી પર પાણીપુરી ખાવાનું પસંદ કરે છે, પરંતુ ત્યાં સાફ-સફાઇ અને પાણીની ગુણવત્તાને લઇને હંમેશા શંકા રહે છે.

સોના-ચાંદીની પાણીપુરી

વ્લોગર્સના અનુસાર શેર-ઇટ સ્વચ્છ રીતે તળેલી પાણીપુરી પીરસવા માટે દેશના પ્રથમ ફૂડ વિક્રેતા હોવાનો દાવો કરે છે. તેમની આ ખાસ પાણીપુરીમાં છ પુરી હોય છે. જેમાં મેવા, ઠંડાઇ સાથે સોના અને ચાંદીનો વરઘ પણ નાખે છે. સાફ-સફાઇનું તો ધ્યાન રાખવામાં આવ્યું છે, પરંતુ સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા પણ મિક્સ જોવા મળે છે. કેટલાક લોકો આ નવી વસ્તુને પસંદ કરી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક લોકોનું કહેવું છે કે ઓવર હાઇપ્ડ વસ્તુ છે. વીડિયોમાં ફૂટેજ બતાવવામાં આવ્યું છે કે સોનાની થાળીમાં પીરસવામાં આવતા આ ખાસ પકવાનને બનાવવામાં આવે છે. તેમાં છ પુરી હોય છે, જેને બિલકુલ ક્રિસ્પી અને એકદમ સારી રીતે તળવામાં આવે છે.

કેવી રીતે બનાવવામાં આવે છે આ ખાસ પાણીપુરી

દુકાનદાર દરેક પુરીમાં કાપેલી બદામ સાથે કાજૂ અને પિસ્તાના ટુકડા પણ નાખે છે. સ્વાદને વધારવા માટે તે આ પાણીપુરીમાં ભરપૂર માત્રામાં મધ નાખે છે અને સાથે છ નાના ગ્લાસમાં ઠંડાઇ પણ આપે છે. તેને સોના ચાંદીના વરઘથી શણગારવામાં આવી છે. વીડિયો શેર કરતાં વ્લોગરે લખ્યું 'ગોલ્ડ એન્ડ સિલ્વર પાણીપુરી. એવો દાવો કરવામાં આવ્યો છે કે શેરઇટ ભારતનું પ્રથમ હાઇજેનિક લાઇવ ફ્રાઇડ પાણીપુરી બનાવનાર શોપ છે. હકિકતમાં તેનો સ્વાદ ખૂબ સારો છે, આ સ્પષ્ટ છે કે આ મીઠી હોય છે, તળેલી પુરી અને બાકી વસ્તુઓ સાથે ખૂબ સારી લાગે છે. જો તમને સ્વીટ પસંદ છે તો તમને જરૂર પસંદ આવશે.

(5:23 pm IST)