Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે: ગેનીબેન ઠાકોર ઉમેદવારી ફોર્મ ભરતી વખતે રડી પડ્યા

જ્યારે ગામડે ગામડે ફરૂ ને લોકો મને ફુલહાર પહેરાવે ત્યારે તેમનું ઋણ મારા પર હોય છે

બનાસકાંઠા: બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ટ્રેક્ટરમાં બેસીને તેમણે રેલી કાઢી હતી અને ઉમેદવારીફોર્મ ભરતા પહેલા એક સભાને સંબોધી હતી. સભામાં ઉપસ્થિત મેદનીને સંબોધિત કરતી વખતે ગેનીબેન ભાવુક થયા હતા. જ્યારે ગામડે ગામડે ફરુંને લોકો મને ફુલ અને હાર પહેરાવે ત્યારે…આટલું બોલીને તેઓ રડી પડ્યા હતા.
ભાવુક થતાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, જ્યારે ગામડે ગામડે ફરુંને ત્યારે લોકો મને ફુલ અને હાર પહેરાવે ત્યારે તેમનું ઋણ મારા પર હોય અને ઋણ એટલે લોકસભા નાની વસ્તુ નથી. પેઢીની પેઢીઓ ખસી જાય તો પણ ટિકિટ મળતી નથી. પણ આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી છે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, સમગ્ર જિલ્લામાં છેલ્લા દોઢેક મહિનાથી દરેક તાલુકાનો પ્રવાસ કર્યો છે. આમ તો મારે પોતાને ચૂંટણી લડવા માટેનો બહુ વિચાર ન હતો, પણ જ્યારે સમગ્ર જિલ્લો, અમારું કોંગ્રેસનું મવડી મંડળ અને અમારા જિલ્લાના આગેવાનોએ જેણે પણ ટિકિટ માગી હતી એ બધાએ સાથે મળીને સિંગલ નામ કર્યું. બેન હવે અમે પોતે ટિકિટ માગતા નથી. પણ સમય અને સંજોગે તમારે ચૂંટણી લડવાની છે.
ગેનીબેન ઠાકોરે સભાને સંબોધતા જણાવ્યું હતું કે, આજે સમગ્ર જિલ્લામાં વિવિધ પ્રશ્નો સાથે જ્યારે આપણે ચૂંટણી લડી રહ્યાં છીએ ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવશે ત્યારે ગૌવંશ હત્યા પર પ્રતિબંધની વાત રજૂ કરવામાં આવશે. એકબાજુ જનશક્તિ અને બીજીબાજુ ધનશક્તિ. હું બનાસની બેન છું સામે બનાસની બેન્ક છે. બનાસની ડેરી છે. મારો વિજય મારો પોતાનો નહીં મારી અઢારેય આલમનો હશે. મારે આ ચૂંટણી બનાસકાંઠાની આઝાદી માટે લડવાની છે.

(5:06 pm IST)