Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

વડોદરા જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં મતદાન જાગૃતિ માટેના કાર્યક્રમોનું આયોજન

કામદારોને મતદાન સંબંધી સવિસ્તૃત જાણકારી મળી રહે તે માટે ‘વોટર અવેરનેસ ફોરમ’ની રચના:જિલ્લાના ૫૮૯ થી વધારે ઔદ્યોગિક એકમોમાં મતદાન જાગૃતિ કાર્યક્રમો માટે ૪૮ અધિકારીઓને સોંપાઈ જવાબદારી

વડોદરા:ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ વડોદરા જિલ્લામાં સમાવિષ્ટ તમામ સરકારી, બિન-સરકારી સંસ્થાઓમાં કામ કરતા લોકોને મતદાન નોંધણી તથા નૈતિક મતદાનની માહિતી મળી રહે તે માટે ‘વોટર અવેરનેસ ફોરમ’ની રચના કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી બી. એ. શાહે વડોદરા જિલ્લામાં આ કામગીરી માટે વિવિધ વિભાગોના ૪૮ જેટલા અધિકારીઓની નિમણૂક કરી તેઓને આવી સંસ્થાઓમાં મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવા જવાબદારી સોંપવામાં આવી છે. આ સમગ્ર કામગીરી દેખરેખ તથા સુચારૂ આયોજન માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર અને સંયુક્ત ઉદ્યોગ કમિશનર શક્તિસિંહ ઠાકોરની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

 વડોદરા જિલ્લામાં ૨૫૦થી કામદારો ધરાવતી ઈન્ડસ્ટ્રીઝમાં ‘વોટર અવેરનેસ ફોરમ’ની રચના કરવામાં આવશે, જ્યાં ઈ. વી. એમ. ડેમોસ્ટ્રેશન તથા એલ. ઈ. ડી. વાન દ્વારા મતદાન જાગૃતિ અંગે વીડિયો નિદર્શન કરવામાં આવશે. મતદાન જાગૃતિ અંગે ‘અવસર’ ફિલ્મ, ‘હું ભારત છું’ ગીત, નૈતિક મતદાન તેમજ મતદાન પ્રક્રિયા સંબંધિત માહિતી ફિલ્મના માધ્યમથી આ સંસ્થાઓમાં કામ કરતા કામદારોને આપવામાં આવશે. આ ઉપરાંત cVIGIL, કે. વાય. સી., વોટર હેલ્પલાઈન એપ, સર્ચ યોર નેમ ઈન વોટર લિસ્ટ, મતદાન માટેની ઓળખના વૈકલ્પિક માન્ય પુરાવાઓ અંગે સમજ આપવામાં આવશે. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા અપાયેલ મતદાન અંગે સંકલ્પ લેવડાવવામાં આવશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે  વડોદરા જિલ્લામાં ૫૮૯ જેટલી ઈન્ડસ્ટ્રીઝમાં આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે નિયુક્ત ૪૮ અધિકારીઓ ફીલ્ડમાં જઈ મતદાન જાગૃતિ માટે સફળ પ્રયાસો હાથ ધરશે

(12:23 am IST)