Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

ટેનિસ સ્ટાર એન્ડી મરેએ કમરની કરાવી સર્જરી

નવી દિલ્હી: બ્રિટનના ભૂતપૂર્વ નંબર વન ટેનિસ સ્ટાર એન્ડી મરેએ કમરની ઈજાથી પરેશાન થઈને તાજેતરમાં પુરી થયેલી ઓસ્ટ્રેલિયન ઓપનમાં જ નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. આ પછી હવે તેણે કમરના દુઃખાવાથી મુક્તિ મેળવવા માટે આજે લંડનમાં ઓપરેશન કરાવ્યું હતુ. હવે તે ટેનિસ જગતમાં પુનરાગમન કરે છે કે, નહિ તે જોવાનું રહેશે. ત્રણ ગ્રાન્ડ સ્લેમ જીતી ચુકેલા ૩૧ વર્ષના મરેએ ઓસ્ટ્રેલિયન ઓપન અગાઉ જાહેરાત કરી હતી કે, તે તેની કારકિર્દીનો અંત વિમ્બલ્ડન ખાતે આણવા ઈચ્છતો હતો. જોકે કમરનું દર્દ વધી પડતાં તે શક્ય લાગતું નથી. ઓસ્ટ્રેલિયન ઓપન જ સંભવતઃ મારી કારકિર્દીની આખરી ટુર્નામેન્ટ બની રહેશે. નોંધપાત્ર છે કે, આ પ્રકારની જાહેરાત બાદ મરેએ ઓસ્ટ્રેલિયન ઓપનના પ્રથમ રાઉન્ડમાં સ્પેનના એગ્યુટ સામે પાંચ સેટનો જોરદાર સંઘર્ષ ખેલ્યો હતો અને આખરે તે હારીને બહાર ફેંકાયો હતો. સ્કોટિશ ટેનિસ સ્ટારે તેની કમરના ભાગનો એક્સરે સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર શેયર કર્યો હતો અને લખ્યું હતુ કે, મારી પાસે હવે મેટલની કમર છે. હું આશા રાખું છું કે, સર્જરીને કારણે મારો દુઃખાવો ઓછો થશે. મહત્વનું છે કે, અગાઉ ગત વર્ષે અમેરિકાના લેજન્ડરી ડબલ્સ ખેલાડી બોબ બ્રાયને ૪૦ વર્ષની ઉંમરે મરે જેવી જ કમરની સર્જરી કરાવી હતી. બોબ બ્રાયન પાંચ મહિનાના બ્રેક બાદ તેણે ટેનિસ જગતમાં પુનરાગમન કર્યું હતુ અને તેના જોડિયા ભાઈ માઈક સાથે મળીને ઓસ્ટ્રેલિયન ઓપન ડબલ્સ ટાઈટલ જીત્યું હતુ. બ્રિટનના ટોચના ટેનિસ સ્ટાર મરેએ ૨૦૧૩ અને ૨૦૧૬માં વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. તેણે ૨૦૧૨માં યુએસ ઓપન ચેમ્પિયનશીપ જીતી હતી. આ ઉપરાંત તે બે વખત ઓલિમ્પિકમાં મેન્સ સિંગલ્સનો ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. 

 

(6:04 pm IST)