Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

IPL- 2019: રાજસ્થાન રોયલ્સે સાત વિકેટે સનરાઈઝ હૈદરાબાદને હરાવ્યું :

પ્લેઓફની રાહ હૈદરાબાદ માટે મુશ્કેલ :રાજસ્થાનની આશા જીવંત :ચેન્નાઇ પ્લેઓફમાં પહોંચનાર પ્રથમ ટિમ બની

જયપુરઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ સિઝન-12ના રાજસ્થાન રોયલ્સે સાત વિકેટે સનરાઈઝ હૈદરાબાદને પરાજય આપ્યો છે રાજસ્થાને હૈદરાબાદને પરાજય આપતા ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે મનીષ પાંડેની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 8 વિકેટે 160 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે રહાણે (39), લિવિંગસ્ટન (44) અને સૈમસન (48*)ની ઉપયોગી બેટિંગની મદદથી 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કર્યો હતો  હૈદરાબાદની પ્લેઓફની રાહ મુશ્કેલ બની છે.જયારે રાજસ્થાન માટે આશા જીવંત બની છે હૈદરાબાદનો આ છઠ્ઠો પરાજય છે. જ્યારે રાજસ્થાન રોયલ્સનો આ સિઝનમાં પાંચમો વિજય છે. 

  હૈદરાબાદના 161 રનના જવાબમાં રાજસ્થાન રોયલ્સને અંજ્કિય રહાણે અને લિયન લિવિંગસ્ટને શાનદાર શરૂઆત અપાવી હતી. બંન્નેએ પાવરપ્લેમાં 60 રન બનાવી લીધા હતા. બંન્ને બેટ્સમેનોએ હૈદરાબાદના તમામ બોલરોનો મજબૂત રીતે સામનો કર્યો હતો. ટીમે 10મી ઓવરમાં 78 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. રાશિદ ખાન લિયમ લિવિંગસ્ટન (44)ને સાહાના હાથે કેચ આઉટ કરાવીને હૈદરાબાદને પ્રથમ સફળતા અપાવી હતી. વિલિંગસ્ટને 26 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ રહાણે (39) શાકિબનો શિકાર બન્યો હતો. રહાણેએ 34 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. 

રહાણે આઉટ થયા બાદ સંજૂ સૈમસન અને કેપ્ટન સ્ટીવ સ્મિથે ત્રીજી વિકેટ માટે 55 રનની ભાગીદારી કરી હતી. સ્મિથ (22) રન બનાવી ખલીલ અહમદનો શિકાર બન્યો હતો. તેણે 16 બોલમાં ત્રણ બાઉન્ડ્રી ફટકારી હતી. 

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ મનીષ પાંડેની આક્રમક અડધી સદી છતાં મધ્યક્રમની નિષ્ફળતાને કારણે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ આઠ વિકેટ પર 160 રન બનાવી શકી હતી. પ્રથમ બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી. કેપ્ટન કેન વિલિયમસન (13) જલ્દી આઉટ થયો પરંતુ ડેવિડ વોર્નર અને મનીષ પાંડેએ બીજી વિકેટ માટે 50 બોલમાં 75 રન જોડ્યા હતા. ત્યારબાદ કોઈ મોટી ભાગીદારી ન બની શકી. એક સમયે સનરાઇઝર્સનો સ્કોર 12 ઓવરમાં 1 વિકેટ પર 103 હતો. ત્યારબાદ આગામી 7 વિકેટ 44 રનમાં પડી ગઈ હતી. રાશિદ ખાને આઠ બોલમાં અણનમ 17 રન બનાવીને ટીમને 160 રન પર પહોંચાડી હતી. હૈદરાબાદે વિલિયમસનની વિકેટ ઝડપથી ગુમાવી જે શ્રેયસ ગોપાલનો શિકાર બન્યો હતો. ગોપાલે 30 રન આપીને બે વિકેટ ઝડપી હતી. 

મનીષ પાંડેએ આક્રમક બેટિંગ કરી હતી. પાંડેએ માત્ર 27 બોલમાં પચાર રન બનાવ્યા હતા. જ્યારે આ ભાગીદારી ખતરનાક થતી દેખાતી હતી ત્યારે રાજસ્થાનના કેપ્ટન સ્ટીવ સ્મિથે શાનદાર કેચ ઝડપીને વોર્નરને પેવેલિયન મોકલી આપ્યો હતો. ઓશાને થોમસે વોર્નરે આઉટ કર્યો જેણે 28 રન આપીને બે વિકેટ લીધી હતી. વોર્નર 32 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો હતો. 

પાંડેએ ગોપાલને એક્સ્ટ્રા કવર પર શાનદાર બાઉન્ડ્રી ફટકારી પરંતુ આગામી બોલ પર સંજૂ સૈમસનની શાનદાર સ્ટમ્પિંગનો શિકાર બની ગયો હતો. હૈદરાબાદે ત્રણ વિકેટ 121 રન પર ગુમાવી દીધી હતી. પાંડેએ 36 બોલમાં નવ ચોગ્ગાની મદદથી 61 રન બનાવ્યા હતા. વિજય શંકર (8)ને વરૂણ આરોને આઉટ કર્યો હતો. હુડ્ડા શૂન્ય રન પર ઉનડકટનો શિકાર બન્યો હતો. રાશિદે આરોનની અંતિમ ઓવરમાં 18 રન લીધા હતા. 

(12:23 am IST)