Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

આજે ટીમ ઈન્‍ડિયા અને ન્‍યુઝીલેન્‍ડ વચ્‍ચે પ્રથમ ટી-૨૦ મુકાબલો : વિસ્‍ફોટક બેટર પૃથ્‍વી શોને તક મળશે?

૨૨ ટી-૨૦ મેચોમાં ભારતે ૧૦ અને ન્‍યુઝીલેન્‍ડે ૯ જીત મેળવી છે

નવી દિલ્‍હી : આજે રાંચીમાં ભારત અને ન્‍યૂઝીલેન્‍ડ વચ્‍ચે પ્રથમ ટી-૨૦ મેચ રમાશે. હાર્દિક પંડ્‍યા કેપ્‍ટનશીપ કરશે. રોહિત શર્મા, વિરાટ કોહલી સહિતના વરિષ્ઠ ખેલાડીઓને આ સીરીઝ માટે આરામ આપવામાં આવ્‍યો છે. ન્‍યૂઝીલેન્‍ડ સામેની ટી૨૦ ટીમમાં મોટાભાગે એ જ ખેલાડીઓનો સમાવેશ થાય છે.

પ્રથમ ટી૨૦ મેચમાં પળથ્‍વી શૉને તક મળે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે. પળથ્‍વી શૉ લાંબા સમય બાદ ટીમમાં પરત ફર્યો છે. પળથ્‍વી શૉએ થોડા દિવસો પહેલા રણજી ટ્રોફી મેચમાં આસામ સામે રેકોર્ડબ્રેક ત્રેવડી સદી (૩૭૯ રન) ફટકારી હતી. જો જોવામાં આવે તો પળથ્‍વી શૉને શુભમન ગિલ અને ઈશાન કિશનની સરખામણીએ પ્રથમ ટી-૨૦ માટે પ્‍લેઈંગ-૧૧માં ભાગ્‍યે જ સ્‍થાન મળશે.

ઈશાન કિશન અને શુભમન ગિલ ઓપનિંગમાં આવશે. જ્‍યારે ત્રીજા નંબર પર રાહુલ ત્રિપાઠીને તક મળી શકે છે. સાથે જ સૂર્યકુમાર ચોથા નંબર પર અને હાર્દિક પંડ્‍યા પાંચમા નંબર પર બેટિંગ કરવા આવી શકે છે. આ પછી દીપક હુડ્ડા અને વોશિંગ્‍ટન સુંદરને તક મળે તેવી સંભાવના છે.

બંને દેશો વચ્‍ચે અત્‍યાર સુધીમાં ૨૨ ટી-૨૦ મેચ રમાઈ છે જેમાં ભારતે ૧૦ અને ન્‍યૂઝીલેન્‍ડે ૯ જીતી છે જ્‍યારે ૩ મેચ ટાઈ રહી છે. આ ત્રણમાંથી બે ટાઈ મેચમાં સુપર ઓવરનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં ટીમ ઈન્‍ડિયાનો વિજય થયો હતો.

પ્રથમ ટી-૨૦ મેચમાં ટીમ ઇન્‍ડિયાની સંભવિત પ્‍લેઇંગ ઇલેવન : શુભમન ગિલ, ઇશાન કિશન, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્‍યા, દીપક હુડ્ડા, વોશિંગ્‍ટન સુંદર, શિવમ માવી, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, યુઝર્વેન્‍દ્ર ચહલ.

(12:05 pm IST)