Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

વિરાટ કોહલી વિદેશમાં સૌથી વધુ ટેસ્ટ જીતનાર ભારતીય કેપ્ટન બન્યો

વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાના અભિયાનની શરુઆત શાનદાર રીતે કરી છે. ભારતે પ્રથમ ટેસ્ટમાં 318 રને ભવ્ય જીત મેળવી બે ટેસ્ટની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ટીમની જીતના હીરો અજિંક્ય રહાણે અને જસપ્રીત બુમરાહ રહ્યા હતા. પ્રથમ ઇનિંગ્સમાં અડધી સદી ફટકારનાર રહાણેએ બીજી ટેસ્ટમાં સદી ફટકારી હતી. જ્યારે બુમરાહે બીજી ટેસ્ટમાં ફક્ત 7 રનમાં 5 વિકેટ ઝડપી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ભલે મેચમાં વધારે રન ના બનાવ્યા હોય પણ તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વિરાટ હવે વિદેશમાં સૌથી વધારે ટેસ્ટ જીતનાર ભારતીય કેપ્ટન બની ગયો છે. તેણે ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો છે. ગાંગુલીના નામે કેપ્ટન તરીકે વિદેશમાં 11 ટેસ્ટ જીતવાનો રેકોર્ડ હતો. હવે વિરાટના નામે વિદેશમાં 12 ટેસ્ટ જીત થઈ ગઈ છે.

બીજી તરફ જીત સાથે વિરાટે મહેન્દ્રસિંહ ધોનીના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. હવે કોહલી અને ધોની બંનેના નામે કેપ્ટન તરીકે 27-27 ટેસ્ટ જીતવાનો રેકોર્ડ છે. કોહલી હવે એક મેચ જીતી જશે તો તે ધોનીને પછાડી સૌથી સફળ ભારતીય કેપ્ટન બની જશે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100મી જીત - જીત સાથે વિરાટ કેપ્ટન તરીકે 100 આંતરરાષ્ટ્રીય જીત મેળવનાર ભારતનો ત્રીજો અને દુનિયાનો 12મો કેપ્ટન બન્યો છે. ભારતીય કેપ્ટનોમાં મોહમ્મદ અઝહરુદ્દીન અને ધોની વિરાટ કરતા આગળ છે. રિકી પોન્ટિંગ, સ્ટિવ વો અને હેન્સી ક્રોન્યેને બાદ કરતા કોઈપણ વિરાટથી ઓછી મેચોમાં 100 આંતરરાષ્ટ્રીય જીત મેળવી શક્યા નથી.

ટીમ ઇન્ડિયાએ પ્રથમ ટેસ્ટમાં 318 ને વિજય મેળવ્યો છે. વિદેશી જમીન ઉપર રનના મામલે ભારતીય ક્રિકેટ ટીમની સૌથી મોટી જીત છે. વિદેશી જમીન ઉપર ટેસ્ટ ઇતિહાસમાં ભારતનો ચોથો સૌથી મોટો વિજય છે. પહેલા ત્રણેય મોટા વિજય પોતાના ઘરેલું જમીન ઉપર મેળવ્યા છે.

(6:37 pm IST)