Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

વર્લ્ડ ચેમ્પિયનશીપ : પીવી સિંધુએ ગોલ્ડ મેડલ જીત્યો

સ્ટાર ખેલાડી પીવી સિંધુએ ઇતિહાસ સર્જ્યો : ગોલ્ડ મેડલ જીતનારી પીવી સિંધુ પ્રથમ ભારતીય બની ગઈ : ફાઈનલમાં જાપાનની ઓકુહારા પર સરળ વિજય

નવીદિલ્હી, તા.૨૫ : ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી પીવી સિંધુએ આજે નવો ઇતિહાસ રચ્યો હતો. બીડબલ્યુએફ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મહિલા સિંગલ્સની ફાઈનલમાં પીવી સિંધુએ જાપાની ખેલાડી નોઝોમી ઓકુહારા પર એક તરફી જીત મેળવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કરવામાં સફળતા મેળવી હતી. આની સાથે જ આ ટુર્નામેન્ટમાં તાજ પોતાના નામે કરનાર તે પ્રથમ ભારતીય બની ગઇ હતી. સ્વિત્ઝર્લેન્ડના બાસેલમાં ૩૫ મિનિટ સુધી આ ફાઈનલ મેચ ચાલી હતી જેમાં સિંધુએ પોતાની હરીફ ખેલાડી ઓકુહારા પર ૨૧-૭ અને ૨૧-૭થી જીત મેળવી હતી. આની સાથે જ આ ટુર્નામેન્ટમાં ૨૦૧૭માં ઓકુહારા સામે મળેલી હારનો પણ બદલો લીધો હતો. તે ૨૦૧૩ અને ૨૦૧૪ બ્રોન્ઝ મેડલ જીતી હતી, જયારે ૨૦૧૭ અને ૨૦૧૮માં સિલ્વર મેડલ જીતી હતી. સતત બે વાર ફાઇનલમાં હારનો સામનો કર્યા પછી છેવટે સિંધુએ ગોલ્ડ મેડલ જીત્યો છે. સિંધુ શરૂઆતથી પોતાની હરીફ પર હાવી રહી હતી.

      તેણે ૨૧-૭થી પ્રથમ ગેમ ૧૬ મિનિટમાં જીતી હતી. પીવી સિંધુુની ઝડપ, નેટ પ્લે અને સ્મેશનો ઓકુહારા પાસે કોઈ જવાબ ન હતો. સિંધુ એટલુ એગ્રેસીવ રમી હતી કે ઓકુહારા માનસિક રીતે તણાવમાં આવી ગઈ હોય તેમ જણાતું હતું. બીજી ગેમમાં પણ સિંધુની લયમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો. તેણે અનફોર્સ્ડ એરર ન કરતા ઓકુહારાને મેચમાં વાપસી કરવાની કોઈ તક આપી ન હતી. ૨૦ મિનિટમાં ૨૧-૭થી ગેમ જીતીને તેણે ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી. પાંચમી ક્રમાંકિત સિંધુએ સેમિફાઇનલમાં ચીનની ચેન યૂ ફેઈને ૨૧-૭ ૨૧-૧૪થી ૪૦ મિનિટમાં હરાવી હતી. તેણે ક્વાર્ટર ફાઈનલમાં વર્લ્ડ નંબર ૧ તાઈપેઈની તાઈ ઝૂ યિંગને ૧૨-૨૧, ૨૩-૨૧, ૨૧-૧૯થી હરાવી હતી. સિંધુએ ૨૦૧૮ અને ૨૦૧૭માં સિલ્વર મેડલ જીત્યા હતા.

     જયારે ૨૦૧૩ અને ૨૦૧૪માં બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ૨૦૧૭ની વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલ હજી પણ ભારતીય ફેન્સને યાદ હશે. તે સ્પર્ધાના ઇતિહાસમાં સૌથી લાંબી મહિલા સિંગલ્સ ગોલ્ડ મેડલ મેચ બની હતી. ૧૧૦ મિનિટની મેરેથોનને અંતે, પીવી સિંધુએ નોઝોમી ઓકુહારા સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. સિંધુ તે ફાઇનલની નિર્ણાયક ગેમમાં ૧૯-૧૭થી આગળ હતી તેમ છતાં તે મેચ હારી હતી. જયારે ૨૦૧૮માં સિંધુ કેરોલિના મેરિન સામે ફાઇનલમાં હારી હતી. વર્લ્ડ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં આ બીજી વખત હશે, જ્યારે ભારતીય શટલર્સ બે મેડલ સાથે ઘરે પરત ફરશે. આ અગાઉ ૨૦૧૭ માં સાઇનાએ બ્રોન્ઝ જીત્યો હતો. આ સાથે જ સિંધુએ સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. સિંધુ ઉપરાંત પ્રણીત પણ આ વર્ષે બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યો.

(9:26 pm IST)