Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

તજિન્દરપાલને શોટપૂટમાં ગોલ્ડ: નવો રેકોર્ડ સર્જાયો

સાતમાં દિવસે ભારતને એક ગોલ્ડ અને ત્રણ બ્રોન્ઝઃ ભારતીય ખેલાડીનો શાનદાર દેખાવ યથાવત રીતે જારી

જાકાર્તા, તા.૨૫: ૧૮મી એશિયન ગેમ્સના સાતમાં દિવસે ભારતના તજિંદરપાલસિંહ તૂરે પુરૃષોના શોટપૂટ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ સર્જ્યો હતો. આજે જાકાર્તામાં તૂરે પોતાના પાંચમાં પ્રયાસમાં ૨૦.૭૫ મીટર ગોળો ફેંકીને ભારત માટે આ એશિયન ગેમ્સમાં સાતમો સુવર્ણ ચંદ્રક જીતવામાં સફળતા મેળવી હતી. તૂરનો આ પ્રયાસ એશિયન ગેમ્સમાં પણ એક નવો રેકોર્ડ થયો છે. તૂરે ઓમપ્રકાશ કરહાનાના નામ ઉપર રહેલા ૨૦.૬૯ મીટરના છ વર્ષ જૂના રેકોર્ડને તોડવામાં સફળતા મેળવી હતી. તજિંદરપાલસિંહ મેદાનમાં સૌથી શક્તિશાળી દાવેદાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા અને અપેક્ષા મુજબ જ જોરદાર દેખાવ કર્યો હતો. વર્તમાન સત્રમાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરવાનો રેકોર્ડ તેમના નામ ઉપર જ છે. આ પહેલા તૂરનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ દેખાવ ૨૦.૨૪ મીટરનો હતો જે ગયા વર્ષે હાંસલ કરવામાં આવ્યો હતો. ચીનના લીયુયેંગને સીલ્વર મેડલ મળ્યો હતો. એશિયન ગેમ્સમાં ભારતનો જોરદાર દેખાવ જારી રહ્યો છે. તૂર હાલમાં એશિયામાં પ્રથમ નંબરના શોટ પૂટર છે. આ પહેલા આજે સાતમાં દિવસે ભારતને સ્કવોશમાં ત્રણ બ્રોન્ઝ મેડલ મળ્યા હતા. દિપીકા પલ્લીકલ અને જોશના ચિનપ્પાએ મહિલાઓના સિંગલ્સ મુકાબલાને સેમિફાઈનલમાં હાર બાદ બ્રોન્ઝ મેડલથી સંતોષ માન્યા હતા. જ્યારે સૌરભે પુરૃષોની સિંગલ્સમાં બ્રોન્ઝ જીતવામાં સફળતા મેળવી હતી. અગાઉ ભારત માટે એશિયન ગેમ્સમાં શુક્રવારનો દિવસ પણ ખુબ શાનદાર રહ્યો હતો. છઠ્ઠા દિવસે ભારતે જોરદાર સપાટો બોલાવીને બે ગોલ્ડ મેડલ અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીતી લીધા હતા. જો કે, ભારત જેમાં સંપૂર્ણપણે પ્રભુત્વ ધરાવે છે અને જેમાં બે મેડલ પાકા દેખાઈ રહ્યા હતા તે બે મેડલ હાથમાંથી નિકળી ગયા હતા. આ પહેલા ભારતે ટેનિસમાં પુરુષોની ડબલ્સ સ્પર્ધામાં ગોલ્ડ અને નોકાયનમાં ગોલ્ડ જીતવામાં સફળતા મેળવી હતી.

આની સાથે જ સુવર્ણ ચંદ્રકોની સંખ્યા છ ઉપર પહોંચી ગઈ હતી. આજે સાતમાં દિવસના દેખાવ બાદ ભારતે હજુ સુધી ૭ ગોલ્ડ, ચાર સિલ્વર અને ૧૬ બ્રોન્ઝ સાથે કુલ ૨૭ ચંદ્રકો જીત્યા છે. ગઈકાલે ભારતીય નોકાયન ખેલાડીઓએ ૧૮મી એશિયન ગેમ્સમાં ચોકડી સ્કીલ્સમાં ઐતિહાસિક સુવર્ણચંદ્રક અને બે બ્રોન્ઝ જીતીને છઠ્ઠા દિવસની શરૃઆત કરી હતી. ભારતીય ટીમમાં સુવર્ણસિંહ, દત્તુ ભોકાનલ, ઓમપ્રકાશ અને સુખમીતસિંહ સામેલ હતા. આ પુરુષોની ચોકડીની ટીમે જોરદાર દેખાવ કર્યો હતો. બીજી બાજુ ટેનિસમાં પણ દબદબો રહ્યો હતો. અનુભવી ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને દિવિજ શરણની જોડીએ સુવર્ણ જીતવામાં સફળતા મેળવી હતી અને ઇતિહાસ સર્જ્યો હતો. પુરુષોની ડબલ્સમાં જીત મેળવી હતી.

(9:17 pm IST)