Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

૨૦૦૨માં હેડીંગ્લેના મેદાનમાં ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને હરાવ્યું'તુ

કાલથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજો ટેસ્ટઃ બપોરે ૩:૩૦ થી લાઇવ : આ મેચ આપણે એક ઇનિંગ અને ૪૬ રનથી જીતેલો, કુંબલે અને હરભજનની જોડીએ ૧૧ વિકેટ લીધેલી

લંડનઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ ૨૫ ઓગસ્ટથી લીડ્સના હેડિંગ્લે મેદાનમાં રમાશે. ભારતે ટેસ્ટ સિરીઝમાં ઇંગ્લેન્ડ સામે ૧-૦ની લીડ મેળવી છે. ભારત માટે ત્રીજી ટેસ્ટ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત લીડ્સમાં ત્રીજી ટેસ્ટ જીતીને ૨-૦ ની અજેય લીડ બનાવવા માંગે છે.   ત્રીજી ટેસ્ટમાં ભારતની જીત નિશ્ચિત લાગી રહી છે, આ વાતના ૩ મોટા કારણો છે.

 હેડિંગ્લે મેદાન પર સ્પિનરોનો સારો રેકોર્ડ

 ભારતને લીડ્સનું હેડિંગ્લે મેદાન ઘણું પસંદ છે. જેથી કેપ્ટન વિરાટ કોહલી રવિચંદ્રન અશ્વિનને પ્લેઇંગ ઇલેવનમાં તક આપી શકે છે. ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડ સામે આ મેદાન પર રમાયેલી છેલ્લી બંને ટેસ્ટ મેચ જીતી છે. ૨૦૦૨માં ભારતે છેલ્લે લીડ્સમાં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમી હતી, જેમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને ૪૬ રનથી હરાવ્યું હતું.

  ૨૦૦૨માં રમાયેલી તે ટેસ્ટ મેચમાં ભારત તરફથી ૧૧ વિકેટ અનિલ કુંબલે અને હરભજન સિંહની જોડીએ લીધી હતી. અનિલ કુંબલેએ મેચમાં ૭ અને હરભજન સિંહે ૪ વિકેટ લીધી હતી. ત્રીજી ટેસ્ટ મેચમાં કેપ્ટન વિરાટ કોહલી રવિચંદ્રન અશ્વિનને પ્લેઇંગ ઇલેવનમાં તક આપી શકે છે.

 બુમરાહ-શમી અને સિરાજની ઘાતક બોલિંગ

 પ્રથમ બે ટેસ્ટ મેચોમાં જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજનું ઘાતક સ્વરૂપ જોવા મળ્યું, જેના કારણે ઇંગ્લેન્ડ સામે ભારત ટેસ્ટ સિરીઝમાં ૧-૦થી આગળ છે. જસપ્રિત બુમરાહે અત્યાર સુધી સિરીઝની પ્રથમ બે મેચમાં ૧૨ વિકેટ લીધી છે. મોહમ્મદ શમીએ ૭ અને મોહમ્મદ સિરાજે ૧૧ વિકેટ લીધી છે. ભારતીય ફાસ્ટ બોલરોનું  પ્રદર્શન શાનદાર રહ્યું છે. જો આ ત્રણેય લીડ્સમાં ચાલી જાય તો ભારતની જીત નિશ્ચિત છે. શમી અને બુમરાહની ગતિ ઇંગ્લેન્ડને મુશ્કેલીમાં મૂકી રહી છે.

  રાહુલ અને રોહિતનું શ્રેષ્ઠ સ્વરૂપ

 ભારતીય ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલ અને રોહિત શર્મા ઇંગ્લેન્ડના બોલર જેમ્સ એન્ડરસન અને ઓલી રોબિન્સન સામે પ્રથમ બે ટેસ્ટમાં સારા ફોર્મમાં જોવા મળ્યા હતા. અત્યાર સુધી રમાયેલી બે ટેસ્ટ મેચમાં કેએલ રાહુલ અને રોહિત શર્માની જોડીએ ૪ ઇનિંગ્સમાં ૬૯ની સરેરાશથી ૨૭૫ રન બનાવ્યા છે. આ દરમિયાન બંને વચ્ચે એક સદી અને અડધી સદીની ભાગીદારી પણ થઈ છે.

 આ ભારતીય જોડી ૭૫ વર્ષની શ્રેષ્ઠ ભારતીય ઓપનિંગ ભાગીદારી સાબિત થઈ છે. અગાઉ ૧૯૩૬માં ભારતીય ઓપનિંગ જોડીએ ૭૧ની સરેરાશથી રન ઉમેર્યા હતા. જો બંને ત્રીજી ટેસ્ટમાં પણ ચાલી ગયા તો ભારતને જીતવાથી કોઈ રોકી શકે નહીં. 

(12:56 pm IST)