Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

આ ઇનિંગ તમારા માટે... અમે જે પણ કઇ કરીએ તે તમને સમર્પિત છે પપ્પાઃ.. કૃણાલ પંડયાએ ભાવુક થઇને પિતાને યાદ કર્યા

પુણે: ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ વનડે ઈન્ટરનેશનલ મેચની શ્રેણીની પહેલી મેચમાં 31 બોલમાં શાનદાર 58 રનની અણનમ ઈનિંગ રમ્યા બાદ ક્રુણાલ પંડ્યા ભાવુક થઈ ગયો હતો. મંગળવારે પુણેમાં રમાયેલી મેચ બાદ પંડ્યાએ કહ્યું કે તેને આશા છે કે તેના દિવંગત પિતા તેના પ્રદર્શનથી ખુબ ખુશ હશે. પંડ્યાના પિતાનું જાન્યુઆરીમાં કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થયું હતું. ત્યારબાદ વિજય હજારે ટ્રોફી અધવચ્ચે છોડીને તે ઘરે પાછો ફર્યો હતો. 

શિખર ધવન (98), વિરાટ કોહલી (56)એ ભારતીય ઈનિંગનો પાયો નાખ્યો પરંતુ ઈનિંગના અંતમાં કેએલ રાહુલના અણનમ 62 રન અને ક્રુણાલ પંડ્યાના અણનમ 58 રનની મદદથી ભારતીય ટીમે 5 વિકેટ ગુમાવીને 317 રનનો સ્કોર કર્યો. આ બંનેએ છેલ્લા 112માંથી 111 રન ફક્ત નવ ઓવરમાં જોડ્યા હતા. 57 બોલની આ  ભાગીદારીમાં ભારતીય બેટ્સમેનોએ ઝડપથી ગીયર બદલ્યું અને મેચનો મોમેન્ટમ પોતાના પક્ષમાં કરી લીધો. 

ક્રુણાલે મેચ બાદ ટ્વીટ કરીને કહ્યું કે 'પપ્પા દરેક બોલ બાદ તમે મારા મનમાં હતા અને મારા હ્રદયમાં પણ. જ્યારે મે તમને મારી સાથે મહેસૂસ કર્યા તો આંસુ નીકળી પડ્યા. મારી તાકાત બનવા બદલ આભાર, મારા જીવનનો સૌથી મોટો સપોર્ટ બનવા માટે ખુબ ખુબ આભાર. મને આશા છે કે મે તમને ગર્વ મહેસૂસ કરાવ્યા હશે. આ ઈનિંગ તમારા માટે. અમે જે પણ કઈ કરીએ તે તમને સમર્પિત છે પપ્પા.'

આ અગાઉ અધિકૃત બ્રોડકાસ્ટર્સ સાથે વાતચીત વખતે ઈનિંગની વચ્ચે ક્રુણાલ પંડ્યાએ પોતાની આ મહત્વપૂર્ણ ઈનિંગ દિવંગત પિતાને સમર્પિત કરી હતી. વાતચીત કરતા તે ભાવુક થઈ ગયો હતો અને આગળ વાતચીત કરી શક્યો નહતો. ક્રુણાલે કહ્યું હતું કે આ તમારા માટે છે પપ્પા. જ્યારે મને કેપ મળી ત્યારે હું ભાવુક થઈ ગયો હતો. ત્યારબાદ ક્રુણાલ ખુબ વધારે ભાવુક થઈ ગયો અને ત્યાંથી જતો રહ્યો હતો. 

(5:15 pm IST)