Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

ભુવનેશ્વર-બુમરાહને શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાં આપ્યો આરામ

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદ ૬ માર્ચથી શ્રીલંકામાં ટી-૨૦ ત્રિકોણીય શ્રેણીમાં ભાગ લેવાની છે. આ શ્રેણીનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે ત્યારે ચાલુ સપ્તાહના અંત સુધીમાં આ ત્રિકોણીય શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત થવાની છે. 
સુત્રોના જણાવ્યા મુજબ, ભારત આ ત્રિકોણીય શ્રેણીમાં પોતાના મુખ્ય ખેલાડીઓને આરામ આપીને બી ટીમને મોકલી શકે છે. ખાસ કરીને ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર અને જસપ્રિત બુમરાહને આરામ આપવામાં આવે તે નક્કી મનાઈ રહ્યુ છે. તેમના સ્થાને જયદેવ ઉન્નડકટ, શાર્દુલ ઠાકુર સાથે યુવા બોલરને તક આપવામાં આવી શકે છે. 
આ ઉપરાંત કેપ્ટન વિરાટ કોહલીને પણ આરામ આપવામાં આવી શકે છે. જોકે, આ અંગેનો અંતિમ નિર્ણય ખૂદ કોહલી પર છોડવામાં આવ્યો છે. બીસીસીઆઈના એક ટોચના અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યુ કે, જો કોહલી ઇચ્છે તો તેઓ આરામ લઈ શકે છે. વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં તમામ મેચોમાં ભાગ લીધો છે જેથી તે ઇચ્છે તો આરામની છૂટ આપવામાં આવશે. આ ઉપરાંત ભુવનેશ્વરકુમાર પણ છેલ્લા કેટલાક સમયથી સતત રમી રહ્યો છે. ટેસ્ટ અને વન-ડે શ્રેણીમાં મળીને તે ૧૦૦ ઓવર કરતા વધુ ફેંકી ચુક્યો છે. તેમજ ટી-૨૦માં પણ પ્રથમ બે મેચમાં તેણે ૭ ઓવર ફેંકી છે. જ્યારે બુમરાહ પણ વન-ડે અને ટેસ્ટમાં મળીને ૧૫૪ ઓવર ફેંકી ચુક્યો છે. જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને જોતા ખૂબ જ વધુ પડતી છે. ભારતે આગામી સત્રમાં ૩૦ વન-ડે સહિત ૬૩ આંતરરાષ્ટ્રીય મેચ રમવાની છે. તે જોતા બુમરાહની ફીટનેસ ટીમ મેનેજમેન્ટ માટે મહત્વપૂર્ણ છે.

(4:15 pm IST)