Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

એમ.એસ. ધોનીએ ભારતીય સેના દ્વારા ઉપયોગમાં લેવાતી જોંગા જીપ હરિયાણાથી ખરીદીઃ ૧૦ હોર્સ પાવરની તાકાત

રાંચીઃ મહેન્દ્ર સિંહ ધોનીના શહેરમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. ધીનીએ ટેસ્ટમાંથી નિવૃત્તિ જાહેર કરેલી છે, પરંતુ શહેરના પ્રશંસકોને એમ હતું કે ધોની દરરોજ સ્ટેડિયમમાં મેચ જોવા તો આવશે જ. રાંચીના પ્રશંસકો દરરોજ પોતાના માહીને મિસ કરતા રહ્યા હતા, પરંતુ ત્યાર પછી આખરે માહીએ સ્ટેડિયમમાં હાજરી આપીને પોતાના પ્રશંસકોની ઈચ્છા પુરી કરી દીધી હતી.

પ્રશંસકોનો ઉત્સાહ ત્યારે વધી ગયો જ્યારે ધોની પોતાની નવી કાર નિસાન જોંગામાં સ્ટેડિયમમાંથી બહાર નિકળતો જોવા મળ્યો હતો. ધોનીએ ભારતીય સેના દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી જોંગા જીપ હરિયાણામાંથી ખરીદી છે. 6 સિલિન્ડર ધરાવતી 3956 સીસીની આ જીપ પેટ્રોલ એન્જીન ધરાવે છે અને 10 હોર્સ પાવરની તાકાત ધરાવે છે.

રાંચીના જીએસસીએ સ્ટેડિયમમાં ભારતના વિજય પછી ખેલાડીઓની એક ઝલક જોવા માટે લોકો સ્ટેડિયમની બહાર એક્ઠા થયા હતા ત્યારે અચાનક જ સ્ટેડિયમમાંથી એક લીલા રંગની કારમાં ધોની નિકળ્યો હતો. ધોની આ કાર લઈને રસ્તામાં પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ ભરાવા ગયો ત્યારે ત્યાં પણ લોકો તેને ઘેરી વળ્યા હતા. ધોનીએ પણ પોતાના પ્રશંસકોને નારાજ કર્યા નહીં. તેણે અહીં કોઈની સાથે સેલ્ફી લીધી તો કોઈને ઓટોગ્રાફ આપ્યા હતા.

પ્રાપ્ત સમાચાર અનુસાર ધોનીએ પંજાબના એક વ્યક્તિ પાસેથી આ જીપ ખરીદી છે, જે 20 વર્ષ જુની છે. 1999 પછી તેનું નિર્માણ બંધ થઈ ગયું હતું. આ કાર જાપાનની કાર કંપની નિસાનના પ્લેટફોર્મ P60 પર તૈયાર થયેલી છે, જેને જબલપુરની વ્હિકલ ફેક્ટરી ભારતીય સેના માટે બનાવતી હતી. ભારતીય સેના આ જીપનો ઉપયોગ કરતી હતી. જોકે, 1999 પછી સેનાએ તેને ખરીદવાનું બંધ કરી દીધું હતું. 'જબલપુર ઓર્ડિનન્સ એન્ડ ગન કેરિજ એસેમ્બલી'નું શોર્ટફોર્મ 'JONGA'(જોંગા) છે.

ધોનીનો કાર અને બાઈક પ્રેમ તો જગજાહેર છે. મિલિટ્રી રંગની જોંગા તેના કાર કાફલાની નવી સભ્ય છે. હજુ તાજેતરમાં જ ધોની જ્યારે ભારતીય સેના સાથે બે મહિના રહીને આવ્યો ત્યારે તેની પત્નીએ ધોનીને 'જીપ ગ્રાન્ડ ચોરોકીતેને ભેટમાં આપી હતી.

(4:51 pm IST)