Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

ટેસ્ટમાં નં.૧ ટીમને વિન્ડીઝે હંફાવ્યુ

ત્રણ વિકેટ ટપોટપ પડી ગયા બાદ રહાણે (૮૧) અને રાહુલ (૪૪)એ બાજી સંભાળી : પ્રથમ દિવસના અંતે ભારત ૨૦૩/૬: પંત અને જાડેજા દાવમા

નોર્થ સાઉન્ડ : વર્લ્ડ ચેમ્પિયનશીપનો પ્રથમ ટેસ્ટ રમી રહેલ અને વર્લ્ડની નં.૧ ટેસ્ટ ટીમને વેસ્ટ ઈન્ડિઝની ટીમે હંફાવી દીધુ છે. વિન્ડીઝના કેપ્ટન જેશન હોલ્ડરે ટોસ જીતી પ્રથમ દાવ આપતા ભારતની ત્રણ વિકેટો ઉપરાઉપરી પડી ગઈ હતી. બાદમાં લોકેશ રાહુલ અને અજીન્કીયા રહાણેએ બાજી સંભાળી હતી. પ્રથમ દિવસ પૂર્ણ થયો ત્યારે રિષભ પંત ૨૦ અને રવિન્દ્ર જાડેજા ૩ રને દાવમાં છે.

હનુમા વિહારી ૩૨ રને આઉટ થયો હતો. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની પહેલી ટેસ્ટના પહેલા દિવસે ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ૭.૫ ઓવર સુધીમાં ૨૫ રનના ટોટલે મયંક અગરવાલ પાંચ રન, ચેતેશ્વર પૂજારા બે રન અને કેપ્ટન વિરાટ કોહલી ૯ રન બનાવીને આઉટ થઈ ગયા હતા. લોકેશ રાહુલ અને અજિંકય રહાણેએ લાંબી પાર્ટનરશીપ કરીને વિકેટ પડતી અટકાવી હતી.

ટોસ જીતીને વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન જેશન હોલ્ડરે પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ૫૪મી ટેસ્ટ રમી રહેલા ક્રિમાર રોચે મયંક અગરવાલ અને ચેતેશ્વર પૂજારાને પાંચમી ઓવરમાં આઉટ કરીને ભારતને જબરદસ્ત આંચકા આપ્યા હતા. કોહલી ૧૨ બોલમાં ૯ રન બનાવીને આઉટ થતા યજમાન પ્લેયરો ખુશખુશાલ થઈ ગયા હતા. લંચ પહેલા ભારતે ૪૪ ઓવરમાં ૪ વિકેટે ૧૨૩ રન બનાવી લીધા હતા. જેમાં લોકેશ રાહુલ ૪૪ રન બનાવી આઉટ થયો હતો.

(1:30 pm IST)