Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

ઇંગ્‍લેન્‍ડ સામે શ્રેણી વિજય બાદ આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટ પરિષદે સ્‍લો ઓવર રેટ બદલ વિરાટ કોહલી એન્‍ડ કંપની ઉપર દંડ ફટકાર્યો

દુબઈઃ ભારતીય ટીમ વિરુદ્ધ એકવાર ફરી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચમી ટી20 મેચમાં સ્લો ઓવર રેટ માટે ભારતીય ટીમને દંડ ફટકારવામાં આવ્યો છે. ભારતીય ખેલાડીઓ પર મેચ ફીના 40 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ સિરીઝમાં ભારતીય ટીમને બીજીવાર દંડ થયો છે. પહેલા સ્લો ઓવર રેટ બદલ 20 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ભારતીય ટીમે નક્કી સમય કરતા બે ઓવર ઓછી કરી અને આ કારણે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આઈસીસીના આર્ટિકલ 2.22 પ્રમાણે ભારતીય ટીમ પર દરેક ઓવર માટે 20 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ બીજીવાર છે જ્યારે એક જ સિરીઝમાં ભારતીય ટીમ પર બે વખત દંડ લાગ્યો છે.

ઓન ફીલ્ડ અમ્પાયર અનિલ ચૌધરી, નિતિન મેનન અને અર્થ અમ્પાયર કેએન અનંતપદ્મનાભને ચાર્જ લગાવ્યો અને કેપ્ટન વિરાટ કોહલીએ સજા સ્વીકારી લીધી છે. તેથી કોઈ ઔપચારિક સુનાવણીની જરૂપ પડી નથી.

વિરાટ કોહલીની આગેવાનીવાળી ભારતીય ટીમે બીજા ટી20 મુકાબલામાં નક્કી સમય કરવા એક ઓવર ઓછી ફેંકી હતી. ત્યારબાદ મેચ રેફરી જવાગલ શ્રીનાથે ભારતીય ટીમ પર દંડ ફટકાર્યો હતો.

ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે જીતી સિરીઝ

તમને જણાવી દઈએ કે પાંચમા ટી20 મુકાબલામાં ભારતે ઈંગ્લેન્ડને 36 રને પરાજય આપ્યો હતો. આ સાથે ટીમ ઈન્ડિયાએ 3-2થી સિરીઝ કબજે કરી હતી. ટોસ હારી પ્રથમ બેટિંગ કરતા ભારતે 224/2 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 188 રન બનાવી શકી હતી.

(6:07 pm IST)