Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ઓસ્ટ્રેલિયાના બોલરોનો સામનો કરવા ભારતીય બેટ્સમેનો તૈયાર : રોહિત

કાંગારૂઓને ભરી પીવા ટીમ ઈન્ડિયા તૈયાર : કાલે પ્રથમ ટી-૨૦ : વાઈસ કેપ્ટને કહ્યું કે કાંગારૂ ટીમને એના ઘરઆંગણે હરાવવી એક મોટો પડકાર

ભારતીય ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના બોલરોને પોતાના લાંબા કદનો લાભ મળશે, પરંતુ અમારી ટીમ પણ આ વખતે ક્રિકેટની આ સ્પર્ધામાં નવો અધ્યાય લખવા પ્રતિબદ્ધ છે. ભારતીય ટીમ પ્રવાસની શરૂઆત ૨૧ નવેમ્બરે ટી-૨૦થી કરશે. રોહિતે કહ્યુ હતું કે ભારત હંમેશા પર્થ કે બ્રિસબેનમાં રમ્યુ છે. આ બંને મેદાનો પર પરિસ્થિતિ પડકારજનક હોય છે અને ઓસ્ટ્રેલિયાના લાંબા કદના બોલરો પરિસ્થિતિનો પૂરેપૂરો લાભ ઉઠાવે છે. ભારતીય બેટ્સમેનો એટલા લાંબા નથી હોતા એથી અમારા માટે એટલુ સરળ નથી, પરંતુ અમે પૂરી તૈયારી સાથે પડકારનો સામનો કરવા આવ્યા છીએ.

ત્રણ મેચની ટી-૨૦ સીરીઝ બાદ ભારત ચાર મેચની ટેસ્ટ અને ત્રણ મેચની વન-ડે સીરીઝ રમશે. ભારત અત્યાર સુધી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરીઝ નથી જીત્યું. ત્રણ સીરીઝ ડ્રો રહી છે અને આઠમા ભારત હાર્યુ છે. રોહિતે પ્રેકટીસ સેશન બાદ કહ્યુ હતું કે ભારતની બહાર રમવાનો અનુભવ કંઈક અલગ હોય છે અને ઓસ્ટ્રેલિયામાં અમે બધા સારૂ પ્રદર્શન કરવા માગીએ છીએ. ઓસ્ટ્રેલિયામાં સારૂ પ્રદર્શન કરવાથી વર્લ્ડકપ પહેલા અમારો આત્મવિશ્વાસ ઘણો વધશે. ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયામાં હરાવવું ઘણુ મુશ્કેલ છે. અમારી પાસે સારા સ્પિનરો છે. જેનાથી અમે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને સારી એવી ટક્કર આપી શકીએ છીએ.

(3:12 pm IST)