Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

વિશ્વકપ પુરો થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમ નવા કોચની શોધ શરૂ કરશે

નવી દિલ્હીઃ વિશ્વકપ નજીક આવી રહ્યો છે. આ સાથે જ સવાલ ઉઠવા લાગ્યા છે કે, શું કોચ રવિ શાસ્ત્રી અને સહયોગી સ્ટાફને એક્સટેન્શન મળશે કે નહીં. જુલાઈ 2017માં શાસ્ત્રીને કોચ પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા, વિશ્વકપ બાદ તેમનો કરાર સમાપ્ત થઈ રહ્યો છે.

ક્રિકઇન્ફો પ્રમાણે બીસીસીઆઈ આ જોબ માટે જલ્દી જાહેરાત બહાર પાડી શકે છે. આ માટે ઈન્ટરવ્યૂની પ્રક્રિયા વિશ્વકપ બાદ બે સપ્તાહમાં કરી શકાય છે.

ટીમ ઈન્ડિયાને મળશે નવો કોચ!

એક રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈ ટીમ ઈન્ડિયાના કોચ પદને લઈને જાહેરાત બહાર પાડી શકે છે. 14 જુલાઈના જ્યારે વિશ્વકપ પૂરો થઈ જશે તો ત્યારબાદ ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચની શોધ શરૂ થશે. આ સિલસિલો વિશ્વકપ બાદ 2 સપ્તાહ સુધી ચાલશે અને તેવી આશા કરવામાં આવી રહી છે કે વિરાટ એન્ડ કંપનીને જુલાઈના અંતમાં શરૂ થનારા વેસ્ટઈન્ડિઝ પ્રવાસ પહેલા નવો કોચ મળી જશે.

વિશ્વકપ બાદ શાસ્ત્રી પર મોટો નિર્ણય!

તેવું માનવામાં આવી રહ્યું છે કે, નવા કોચનું ઈન્ટરવ્યૂ કર્યા બાદ બીસીસીઆઈ તે નિર્ણય કરશે કે વેસ્ટઈન્ડિઝના પ્રવાસ માટે નવા કોચિંગ સ્ટાફની નિમણૂક કરવામાં આવે કે પછી શાસ્ત્રી અને તેની ટીમનો કાર્યકાળ વધારવામાં આવે. આ મામલા પર બીસીસીઆઈ સચિન, લક્ષ્મણ અને ગાંગુલીવાળી ક્રિકેટ અડવાઇઝરી કમિટી પાસે અંતિમ સલાહ લઈ શકે છે.

વિરાટ કરી ચુક્યો છે શાસ્ત્રીની પ્રશંસા

આશરે છેલ્લા 2 વર્ષમાં રવિ શાસ્ત્રીના કોચિંગમાં ટીમ ઈન્ડિયાએ ઘણી સફળતાઓ મેળવી છે. તેમાં ટેસ્ટમાં નંબર-1 ટીમ બનાવીની સાથે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતવી સામેલ છે. ટીમમાં કેપ્ટન કોહલી પણ એક બેટ્સમેન અને કેપ્ટન તરીકે પોતાની સફળતાનો શ્રેય શાસ્ત્રીને આપે છે.

(5:13 pm IST)