Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

સાઉદીની ટીમને લઇને જતા વિમાનના એન્જિનમાં આગ

સાઉદી અરેબિયાની ટીમનો સહેજમાં બચાવ : સાઉદી અરેબિયાની ટુકડીને સેન્ટ પીટર્સબર્ગથી રોસ્તોવ લઇને જતા વિમાનના એન્જિનમાં આકાશમાં આગ લાગી

મોસ્કો,તા. ૧૯ : રશિયામાં ચાલી રહેલા ફીફા વર્લ્ડ કપ માટે પહોંચેલી સાઉદી અરેબિયાની ટીમ સોમવારે સહેજમાં બચી ગઇ હતી. કારણ કે ટીમને સેન્ટ પીટર્સબર્ગથી લઇને રોસ્તોવ જઇ રહેલા વિમાનના એન્જિનમાં આકાશમાં જ આગ ફાટી નિકળી હતી. જો કે પાયલોટની સાવધાનીના કારણે જ રશિયન એરલાઇન્સના આ વિમાને સુરક્ષિત રીતે ઉતરાણ કરવામાં સફળતા હાંસલ કરી લીધી હતી. કોઇ પણ ખેલાડીને કોઇ ઇજા ન થઇ હોવાના હેવાલ મળ્યા છે. જો કે આ ઘટનાથી સમગ્ર રશિયામાં દહેશત ફેલાઇ ગઇ હતી. આ સંબંધમાં માહિતી આપતા એરલાઇન્સના લોકોએ કહ્યુ છે કે વિમાનના એન્જિનમાં કદાચ કોઇ પક્ષી ફસાઇ જવાના કારણે આ ટેકનિકલ ખરાબી થઇ હતી. જો કે એરલાઇન્સે વિમાનમાં કોઇ આગ લાગી હોવાના હેવાલને રદિયો આપ્યો છે.જો કે સોશિયલ મિડિયામાં શેયર કરવામાં આવેલા વિડિયોમાં જોઇ શકાય છે કે વિમાનમાં આગ ફાટી નિકળી હતી. સાઉદી અરેબિયાની રાષ્ટ્રીય ફુટબોલ ટીમ હાલમાં ફિફા વર્લ્ડ કપમાં રમી રહી છે. સાઉદી ટીમે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર માહિતી આપી દીધી છે કે તમામ ખેલાડી બિલકુલ સુરક્ષિત છે. ટ્વીટમાં લખવામાં આવ્યુ છે કે સાઉદી અરેબિયા ફુટોલ ફેડરેશન તમામને ખાતરી આપવા માગે છે કે વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઇ ગઇ હતી. વિમાનને સુરક્ષિત ઉતારી લેવામાં આવ્યુ હતુ. તમામ ખેલાડી સુરક્ષિત છે.

(2:12 pm IST)