Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

હવે કાલે મોહાલીમાં જંગ : વરસાદની સંભાવના

ઉભરતા ખેલાડીઓને શ્રેષ્ઠ પર્ફોર્મન્સ દેખાડવાની તક : કાલે સાંજે ૭ વાગ્યાથી લાઈવ

મોહાલી,તા.૧૭ : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટ્વેન્ટી-૨૦  શ્રેણીની બીજી મેચ આવતીકાલે મોહાલીમાં સાંજે ૭ વાગ્યાથી રમાનાર છે. પ્રથમ મેચ ભારે વરસાદના કારણે એક પણ બોલ ફેંકાયા વગર રદ કરી દેવામાં આવ્યા બાદ બીજી મેચને લઇને ઉત્સુકતા જોવા મળી રહી છે. જો કે અહીં પણ વરસાદ પડવાની શક્યતા રહેલી છે.

વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે સજ્જ છે. ઘરઆંગણે ભારતીય  ટીમ હોટફેવરીટ બનેલી છે. વેસ્ટ ઇન્ડિઝના  પ્રવાસમાં શાનદાર દેખાવ કર્યા બાદ હવે ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે સજ્જ છે.  ભારતીય ટીમની પસંદગી કરી લેવામાં આવી છે. 

આગામી વર્ષે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. જેથી ટીમ મેનેજમેન્ટ વધુને વધુ પ્રમાણમાં યુવા ખેલાડીઓને તક આપવા માટે ઇચ્છુક છે. પ્રતિભાશાળી ખેલાડીઓ વર્લ્ડ પહેલા તૈયાર થઇ શકે તે માટે જોરદાર આયોજન કરવામાં આવી રહ્યુ છે. ઝડપી બોલર ખલીલ અહેમદ, દીપક ચાહર, નવદીપ સેની, સ્પીનર રાહુલ ચાહર, વોશિગ્ટન સુન્દર પાસે પોતાની કુશળતાને સાબિત કરવા માટે પુરતી તક રહેલી છે.

 ટ્વેન્ટી ક્રિકેટમાં બંને ટીમોના દેખાવની વાત કરવામાં આવે તો બંને વચ્ચે કુલ ૧૪ ટ્વેન્ટી મેચો હજુ સુધી રમાઇ ચુકી છે જે પૈકી ભારતે આઠ મેચોમાં જીત મેળવી લેવામાં સફળતા હાંસલ કરી છે. જ્યારે આફ્રિકાની ટીમ પાંચ મેચો જીતી શકી  છે. આમને સામને ઓવરઓલ રેકોર્ડની વાત કરવામાં આવે તો ભારતીય ટીમ ફેવરીટ દેખાઇ રહી છે. બંને દેશો વચ્ચે રમાયેલી મેચો પૈકી એક મેચમાં પરિણામ આવી શક્યુ નથી.

ભારત : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાન્ડે, રિશભ પંત, હાર્દિક પડ્યા, વોશિગ્ટન સુન્દર, રાહુલ ચહર, ખલીલ અહેમદ, દીપક ચહર, નવદીપ સૈની

દક્ષિણ આફ્રિકા : ડીકોક (કેપ્ટન), રાસીવાન ડર દુસેન, ટેમ્બા બાવુમા, જુનિયર ડાલા, બ્યોર્ન પોરટુઇન, હેન્ડીક્સ, ડેવિડ મિલર, એનરિક નાંજે , ફેલુકવાયો, પ્રિટોરિયસ, કગિસો રબાડા, શામ્સી, લિન્ડે.

ભારત - આફ્રિકા ટી-૨૦ બાદ ટેસ્ટ શરૂ થશે

*   ૧૮મી સપ્ટે.ના દિવસે મોહાલીમાં બીજી ટ્વેન્ટી મેચ ( પ્રસારણ સાંજે સાત)

*   ૨૨મી સપ્ટે.ના દિવસે બેંગ્લોરમાં ત્રીજી ટ્વેન્ટી મેચ ( પ્રસારણ સાંજે સાત)

*   બીજી ઓક્ટોબરથી વિશાખાપટ્ટનમાં પ્રથમ ટેસ્ટ ( પ્રસારણ સવારે ૯.૩૦)

*   ૧૦મી ઓક્ટોબરથી પુણેમાં બીજી ટેસ્ટ મેચ ( પ્રસારણ સવારે ૯.૩૦)

*   ૧૯મી ઓક્ટોબરથી રાંચીમાં ત્રીજી ટેસ્ટ મેચ ( પ્રસારણ સવારે ૯.૩૦)

*   ૧૨મી માર્ચ ૨૦૨૦ના દિવસે ધર્મશાળામાં પ્રથમ વનડે મેચ

*   ૧૫મી માર્ચ ૨૦૨૦ના દિવસે લખનૌમાં બીજી વનડે મેચ

*        ૧૮મી માર્ચ ૨૦૨૦ના દિવસે કોલકત્તામાં ત્રીજી વનડે મેચ.

(3:42 pm IST)