Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

વોર્નર- સ્મિથની વર્લ્ડ કપમાં એન્ટ્રીઃ હેન્ડસકોમ્બ આઉટ

વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલીયાએ ૧૫ સભ્યોની ટીમ જાહેર કરીઃ શાનદાર દેખાવ કરનાર પિટર હેન્ડસકોમ્બનો સમાવેશ ન કરાતા આશ્ચર્યઃ ફિન્ચ કેપ્ટન રહેશે

નવીદિલ્હી,તા.૧૫: ૩૦ મે થી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં યોજાનાર વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલીયાએ તેની ૧૫ સભ્યોની ટીમ જાહેર કરી છે. જેમાં ઓસ્ટ્રેલીયન ક્રિકેટ બોર્ડે પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને પૂર્વ વાઈસ કેપ્ટન ડેવિડ વેોર્નરનો ફરીથી સમાવેશ કર્યો છે.

બીજી તરફ યુવા બેટસમેન પિટર હેન્ડસકોમ્બ અને ફાસ્ટ બોલર જોશ હેઝલવૂડને બહાર રાખ્યા છે. હેન્ડસકોમ્બ હાલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો હોવા છતાં તેની વર્લ્ડકપના ૧૫ સભ્યોની ટીમમાં સમાવેશ કરવામાં ન આવતા આશ્ચર્ય ફેલાયું છે તેણે છેલ્લા ૧૩ મેચોમાં ૪૩ની સરેરાશથી રન બનાવ્યા છે. તાજેતરમાં ભારત સામે પોતાની પ્રથમ સદી ફટકારી હતી. ભારતના પ્રવાસમાં તેની સ્ટ્રાઈકરેટ ૯૮ની હતી.

ગત વર્ષે માર્ચમાં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં બોલ ટેમ્પરીંગના વિવાદમાં સપડાતા સ્મીથ અને વોર્નરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. હાલમાં આ બન્ને ખેલાડીઓ આઈપીએલમાં રમી રહ્યા છે અને બન્ને સારૂ પ્રદર્શન કરી રહ્યા છે.

વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલીયાના ૧૫ સભ્યોની ટીમ આ મુજબ છે. એરોન ફીન્ચ (કેપ્ટન), જેસન બેહરેનડોર્ફ, એલેકસી કેરી (વિ.કી.), નાથન ફૂલ્ટરનાઈલ, પેટ કમીન્સ, ઉસ્માન ખ્વાજા, નાથાન લિયોન, શોન માર્શ, ગ્લેન મેકસવેલ, રિચર્ડસન, સ્ટીવ સ્મીથ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, ડેવિડ વોર્નર, એડમ ઝામ્પા.

(12:05 pm IST)