Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

અફઘાનિસ્તાનને ખુબજ સહેલાયથી હરાવીને ભારતે માત્ર બે જ દિવસમાં ટેસ્ટ મેચની સાથે ઈનીંગ જીતી લીધી : અફઘાનિસ્તાનની ટીમ એકજ દિવસમાં 109 અને 103 રનમાં બે વાર થઈ ઓલઆઉટ : પહેલી ટેસ્ટ મેચ રમી રહેલી કોઈપણ ટીમની આ સૌથી મોટી હાર છે : ટીમ ઇન્ડિયાએ ખેલદિલી દેખાડતા ટ્રોફી લેતા સમયે ટીમ અફઘાનિસ્તાનને સાથે રાખી

બેંગલુરુ: ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરી રહેલી અફઘાનિસ્તાનની ટીમને ભારતે ઈનિંગ અને 262 રનથી હરાવીને ટેસ્ટ ઈતિહાસમાં ઈનિંગની દ્રષ્ટિએ સૌથી મોટી જીત મેળવી છે. આ એક માત્ર ટેસ્ટમાં ભારતે બે દિવસમાં જ આ મેચ પોતાના નામે કરી લીધી અને મેચના બીજા જ દિવસે અફઘાનિસ્તાનની બંને ઈનિંગ (109 અને 103) પૂરી કરી દીધી. પહેલી ટેસ્ટ મેચ રમી રહેલી કોઈપણ ટીમની આ સૌથી મોટી હાર છે. આ પહેલા આ રેકોર્ડ પાકિસ્તાનના નામે હતો, જેને પોતાની પહેલી ટેસ્ટમાં ભારતની સામે ઈનિંગ અને 70 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સમયે ટીમ ઇન્ડિયાએ ખેલદિલી દેખાડતા ટ્રોફી લેતા સમયે ટીમ અફઘાનિસ્તાનને સાથે રાખી હતી અને ફોટા પડાવ્યા હતા.

ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 ટીમ સામે પહેલી વખત રમવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમમાં અનુભવની ઉણપ સ્પષ્ટ જોવા મળી. તેના બધા બેટ્સમેનોને ક્રીઝ પર ટકવા માટે સંઘર્ષ કરવો પડ્યો. અફઘાનિસ્તાન માટે મેચની બીજી ઈનિંગમાં પણ કંઈ બરાબર ન રહ્યું અને ફોલોઓલ રમવા આવેલી અફઘાન ટીમ આ વખતે 103 રન જ જોડી શકી.

આ પહેલા જ અફઘાનિસ્તાને ભારતની પહેલી ઈનિંગને 474 રન પર પૂરી કરી દીધી હતી અને તે પછી મહેમાન ટીમની પહેલી ઈનિંગ 102 રને પૂરી થઈ ગઈ. અફઘાન ટીમની બીજી ઈનિંગમાં રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 4 વિકેટ અને ઉમેશ યાદવે 3 વિકેટ પોતાના નામે કરી. તે ઉપરાંત ઈશાંત શર્માએ 2 અને રવિચંદ્ર અશ્વિને 1 વિકેટ પોતાના નામે કરી. પોતાની બીજી ઈનિંગમાં અફઘાન ટીમ માત્ર 38.4 ઓવર જ રમી શકી

અફઘાનિસ્તાનની ટીમ પોતાની પહેલી ઈનિંગમાં માત્ર 109 રને જ ઓલઆઉટ થઈ ગઈ હતી. પહેલી ઈનિંગમાં તે માત્ર 27.5 ઓવર જ રમી શકી. ભારતે પહેલી ઈનિંગમાં 474 રન બનાવ્યા હતા. એ હિસાબે ભારતે અફઘાનિસ્તાન પર 365 રનની લીડ મેળવી હતી અને તેને ફોલોઓન કર્યું હતું. અફઘાનિસ્તાન તરફથી પહેલી ઈનિંગમાં મોહમ્મદ નબીએ સૌથી વધુ 24 રન બનાવ્યા. મુજીબ ઉર રહમાને 9 દડામાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 15 રનની ઈનિંગ રમી હતી. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. ઈશાંત શર્મા અને જાડેજાએ બે-બે વિકેટ અને ઉમેશ યાદવે 1 વિકેટ ઝડપી.

અશ્વિને હસમતઉલ્લાહ શાહીદીને આઉટ કરી ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 313 વિકેટ પૂરી કરી અને એ સાથે જ તે ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં ઝાહીર ખાનને પછાડી ચોથા સ્થાને આવી ગયો છે.

ભારતે બીજા દિવસની શરૂઆત છ વિકેટે 347 રનની સાથે કરી હતી. બીજા દિવસના પહેલા સત્રમાં ટીમે પોતાના ખાતામાં 127 રન જોડ્યા અને પેવેલિયન પાછી ફરી. પહેલા દિવસે અણનમ રહેલા પંડ્યા (71) અને અશ્વિન (18)એ સાતમી વિકેટ માટે 35 રન જોડ્યા અને ટીમને 369ના સ્કોર પર પહોંચાડી. બીજા દિવસે અશ્વિનની પહેલી વિકેટ પડી. તે પછી હાર્દિકે જાડેજા (20) સાથે મળીને 67 રનની ભાગીદારી કરી. આ ભાગીદારીને 436 રનના કુલ સ્કોર પર નબીએ જાડેજાને આઉટ કરી તોડી. તે પછી પંડ્યા પર લાંબુ ન ટક્યો. તે પછી ઉમેશ અને શર્માની જોડીએ 10મી વિકેટ માટે 34 રન જોડ્યા અને ટીમને 474 રનના સ્કોર સુધી પહોંચાડી. રાશિદે ઈશાંતને આઉટ કરી ભારતીય ટીમને 474 રન પર રોકી દીધી. અફઘાનિસ્તાન તરફથી સૌથી વધુ વિકેટ અહમદજાઈએ લીધી. તેણે 3 વિકેટ ઝડપી. તો વફાદાર અને રાશિદને બે-બે વિકેટ મળી. મુજીબ ઉર-રહમાન અને નબીને એક-એક સફળતા મળી.

(7:12 pm IST)