Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

ICC ટેસ્ટ રેન્કિંગ :અશ્વિન ટોચના ક્રમે: 186 રનની ઇનિંગ બાદ હજુ વિરાટ કોહલી ટોપ-10થી બહાર

રવિચંદ્રન અશ્વિન ઈંગ્લેન્ડના દિગ્ગજ બોલરને પાછળ છોડીને નંબર-1 પર પહોંચ્યો: તેણે 4 મેચમાં 17.28ની એવરેજથી 25 વિકેટ લીધી :હવે તેના 869 રેટિંગ પોઈન્ટ છે. એન્ડરસનના 859 રેટિંગ પોઈન્ટ

મુમબી :  બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ટેસ્ટ રેન્કિંગમાં સારા પ્રદર્શનનો ફાયદો ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને મળ્યો છે. રવિચંદ્રન અશ્વિન નંબર-1 ટેસ્ટ બોલર બની ગયો છે. તેણે જેમ્સ એન્ડરસનને પાછળ છોડી દીધો છે. અક્ષર પટેલે ઓસ્ટ્રેલિયા સામેની 4 મેચની સિરીઝમાં બેટથી ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. આનાથી તેને બેટ્સમેનોની રેન્કિંગમાં ફાયદો થયો. તેને ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં ફાયદો મળ્યો. વિરાટ કોહલીએ છેલ્લી ટેસ્ટમાં 186 રનની ઇનિંગ રમી હતી. તેનાથી તેને 7 સ્થાનનો ફાયદો થયો છે, પરંતુ તે હજુ પણ ટોપ-10ની બહાર છે

રવિચંદ્રન અશ્વિન બોલિંગ રેન્કિંગમાં જેમ્સ એન્ડરસન સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને હતો. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં તે પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યો હતો અને ઈંગ્લેન્ડના દિગ્ગજ બોલરને પાછળ છોડીને નંબર-1 પર પહોંચ્યો હતો. તેણે 4 મેચમાં 17.28ની એવરેજથી 25 વિકેટ લીધી હતી. હવે તેના 869 રેટિંગ પોઈન્ટ છે. એન્ડરસનના 859 રેટિંગ પોઈન્ટ છે.

 

વિરાટ કોહલીએ અમદાવાદમાં 1205 દિવસ બાદ ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી. તેણે 186 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સાથે તેને 7 સ્થાનનો ફાયદો થયો અને તે 13માં નંબર પર પહોંચી ગયો. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ટોપ-10માં 10મા નંબર પર અને રિષભ પંત 9મા નંબર પર છે. ખરાબ પ્રદર્શન બાદ પણ માર્નસ લાબુશેન ટોચ પર છે.

 

અક્ષર પટેલે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં બેટથી અસાધારણ પ્રદર્શન કર્યું છે. આ સાથે તેને 8 સ્થાનનો ફાયદો થયો છે અને તે 44માં નંબર પર પહોંચી ગયો છે. 4 મેચમાં 264 રન બનાવીને ઓલરાઉન્ડર રેન્કિંગમાં પણ ફાયદો થયો. તે એક સ્થાન આગળ વધીને ચોથા નંબર પર છે. રવિન્દ્ર જાડેજા ટોપ પર અને રવિચંદ્રન અશ્વિન બીજા નંબર પર છે.

 

ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને પણ રેન્કિંગમાં ફાયદો થયો છે. ઓપનર ઉસ્માન ખ્વાજા બે સ્થાનનો સુધારો કરીને બેટ્સમેનોની રેન્કિંગમાં 7મા સ્થાને પહોંચી ગયો છે. તેણે શ્રેણીમાં 333 રન બનાવ્યા હતા. ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન બેટ્સમેનોની યાદીમાં 11 સ્થાનની છલાંગ લગાવીને 26માં સ્થાને પહોંચી ગયો છે. તેણે ચોથી ટેસ્ટમાં પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી.

(7:35 pm IST)