Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ ટેસ્ટમાં પણ ઉપયોગી થશે : કોહલી

આજે બીજો વન-ડે જીતીને ભારત સિરીઝ જીતી લેવાનો પ્રયાસ કરશે : બપોરે ૩:૩૦થી મુકાબલો

પહેલી વન-ડે ૮ વિકેટે જીતી લીધા બાદ ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું છે કે અમારૂ ફોકસ અત્યારે આજની વન-ડે જીતીને સીરીઝ જીતવા પર છે. અમે બાકીની બંને વન-ડે જીતવા માગીએ છીએ.

આજે લંડનના લોડ્ર્સના મેદાનમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી વન-ડે થશે. ઈંગ્લેન્ડની ટીમને ચાઈનામેન બોલર કુલદીપ યાદવનો ડર છે, કારણ કે પહેલી વન-ડેમાં તેણે ૨૫ રન આપીને ૬ વિકેટ ખેરવી હતી. ભારતે ટી-૨૦ સીરીઝ પણ ૨-૧થી જીતી લીધી છે. ભારતે ૨૦૧૬માં ઓસ્ટ્રેલિયામાં જાન્યુઆરીમાં વન-ડે સીરીઝ જીતી લીધા બાદ ૯ દ્વિપક્ષી સીરીઝમાં જીત મેળવી છે.

ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે હાલમાં ચાલી રહેલી વન-ડે સીરીઝમાં ઉત્કૃષ્ટ દેખાવને આધારે અમે અમારા મુખ્ય હથિયાર કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલનો સમાવેશ આગામી પાંચ ટેસ્ટ મેચની સીરીઝમાં પણ કરવાનું વિચારી રહ્યા છીએ. આ કાંડાના સ્પિનરો વન-ડે સીરીઝમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

કુલદીપ યાદવ બે ટેસ્ટ રમી ચૂકયો છે જયારે યુઝવેન્દ્ર ચહલને ભારતની ટેસ્ટકેપ મળી નથી. વિરાટ કોહલીએ કહ્યું હતું કે ટેસ્ટ ટીમની પસંદગીમાં કંઈ પણ શકય છે. આ બંને કાંડાના સ્પિનરોએ પસંદગી માટે બહુ મજબૂત દાવો મૂકયો છે. મેં જોયુ કે ઈંગ્લીશ બેટ્સમેનો આ બંને સામે ઘણું સ્ટ્રગલ કરી રહ્યા છે. અમે તેને સિલેકટ કરી શકીએ.(૩૭.૧૦)

(3:50 pm IST)