Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

વેંકટેશ ઐય્યર અને ગાયકવાડની ટિકીટ પાકી : ધવનને છેલ્લો ચાન્સ અપાશે?

આફ્રિકામાં ઓલરાઉન્ડર ઐય્યરે ફિનીશરની ભૂમિકા ભજવવી પડશે

નવી દિલ્હી : વિજય હજારે ટ્રોફીમાં ઓપનર શિખર ધવનની નબળી લય દક્ષિણ આફ્રિકાના આગામી પ્રવાસ પહેલા ભારતીય પસંદગીકારો માટે ચિંતાનું કારણ બની શકે છે જયારે પરંતુ યુવા ખેલાડી ઋતુરાજ ગાયકવાડ અને વેંકટેશ અય્યરને ટીમમાં લેવાનું લગભગ નિશ્ચિત છે. બીસીસીઆઈએ પહેલાથી જ રોહિત શર્માને જાન્યુઆરીમાં રમાનારી ત્રણ મેચની ઓડીઆઈ શ્રેણી માટે ફોર્મેટના કેપ્ટન તરીકે નિયુકત કરી દીધા છે પરંતુ હજુ સુધી ટીમની જાહેરાત કરવામાં આવી નથી.  ૫૦-ઓવરની સ્પર્ધા માટે બાયો-બબલ અને વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને પસંદગીકારો ટીમમાં કેટલા ખેલાડીઓને પસંદ કરે છે તે જોવાનું રહે છે. ગાયકવાડ અને ઐયરે અત્યાર સુધી ચાલી રહેલી વિજય હજારે ટ્રોફીમાં અનુક્રમે ત્રણ અને બે સદી ફટકારી છે.  અય્યરે આ સમયગાળા દરમિયાન કેટલીક વિકેટો પણ લીધી છે, જે સ્પષ્ટ કરે છે કે તે ટીમના અગ્રણી ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યાને પાછળ છોડી દેવા તૈયાર છે.

બીજી તરફ કેએલ રાહુલ અને રોહિતની હાજરીમાં ઐયરને ઓપનર તરીકે ટીમમાં સ્થાન મળવું મુશ્કેલ છે.  આવી સ્થિતિમાં, તેણે પાંચમા કે છઠ્ઠા ક્રમ પર બેટિંગ કરતી વખતે ફિનિશરની ભૂમિકા ભજવવી પડશે.

બીસીસીઆઈના એક સૂત્રએ નામ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું કે, વેંકટેશ ચોક્કસપણે દક્ષિણ આફ્રિકા જઈ રહ્યો છે.  તે દરેક મેચમાં ૯ કે ૧૦ ઓવર બોલિંગ કરી રહ્યો છે.

 ગાયકવાડે શ્રીલંકામાં બે ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચ રમી હતી પરંતુ વન-ડેમાં તેને તક મળી ન હતી.  તેને ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટી-૨૦ ઈન્ટરનેશનલમાં જગ્યા પણ મળી ન હતી કારણ કે રોહિત ટોચ પર બેટિંગ કરી રહ્યો હતો અને રાહુલ અને ઈશાન કિશન તેના ઓપનિંગ પાર્ટનર હતા.

વિજય હજારેમાં ઋતુરાજ ગાયકવાડે મધ્યપ્રદેશ સામે ૧૩૬ રન, છત્તીસગઢ સામે અણનમ ૧૫૪ અને કેરળ સામે સતત મેચોમાં ૧૨૪ રન બનાવ્યા છે, જેને અવગણવા પસંદગીકારો માટે મુશ્કેલ હશે.  બીજી તરફ, ધવને આ સમયગાળા દરમિયાન શૂન્ય, ૧૨, ૧૪, ૧૮ રનની ઇનિંગ્સ રમી છે.

કોચ રાહુલ દ્રવિડે જે રીતે અજિંક્ય રહાણે અને ઈશાંત શર્મા જેવા સિનિયર ખેલાડીઓને ટેસ્ટ મેચ માટે તક આપી છે તે જોતા લાગે છે કે ધવનને પણ બીજી તક મળશે. બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે, છેલ્લી વખત જ્યારે ભારતે ૫૦ ઓવરની સિરીઝ રમી ત્યારે ધવન ભારતનું નેતૃત્વ કરી રહ્યો હતો અને શ્રીલંકામાં પણ મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી.

ભારતીય ટીમે ત્રણ ટેસ્ટ મેચ બાદ દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચોની શ્રેણી રમવાની છે. ૨૬ ડિસેમ્બરથી ૧૫ જાન્યુઆરી સુધી ત્રણ ટેસ્ટ મેચ રમાશે.  આ પછી ૧૯ જાન્યુઆરીથી ૨૩ જાન્યુઆરી સુધી ત્રણ વનડે રમાશે.

(2:38 pm IST)