Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

ઇંગ્લેન્ઠ સામેની મેચમાં આદિલ રાશિદે ફેંકેલા બોલની તુલના શેન વોર્ન દ્વારા ફેંકાયેલા બોલ ઓફ ધ સેન્ચુરી સાથે થવા લાગી

લંડન : ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે કેનિંગ્ટન ઑવલ ખાતે રમાયેલી 5મી અને છેલ્લી ટેસ્ટમાં છેલ્લો દિવસ ઈંગ્લેન્ડ માટે પડકારભર્યો રહ્યો હતો. મેચના પાંચમા દિવસે ભારત જીત માટે 464 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરી રહ્યું હતું. ઈંગ્લિશ ખેલાડીઓએ અજિંક્ય રહાણે અને હનુમા વિહારીને તો જલ્દી આઉટ કરી લીધા હતા પણ બાદમાં કે એલ રાહુલ અને ઋષભ પંતની જોડીએ જે રીતે બેટિંગ કરી તે જોઈને ઈંગ્લેન્ડને પરસેવો છૂટી ગયો. બંનેએ 45 ઓવર સુધી બેટિંગ કરી અને લાગ્યું કે, બંને મળીને મેચને ભારતના પક્ષમાં લઈ ગયા છે પણ આદિલ રાશિદના એક બોલે આખી મેચનો તખ્તો પલટી નાખ્યો.

રાશિદે 149 રન પર રમી રહેલા રાહુલને જે રીતે બોલ્ડ કર્યો તે કોઈ જાદુથી ઓછું નહોતું. ખુદ રાહુલ પણ આ બોલ જોઈને દંગ રહી ગયો. રાશિદનો આ બોલ એટલો જોરદાર હતો કે, તેની તુલના શેન વૉર્ન દ્વારા ફેંકાયેલા ‘બૉલ ઑફ ધ સેન્ચુરી’ સાથે થવા લાગી છે.

આ બોલની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. લોકો તેને ‘બોલ ઑફ ધ સેન્ચુરી’ કહીને ખૂબ લાઈક અને શેર કરી રહ્યાં છે. જોકે, ઘણા લોકો રાશિદની બોલિંગ સ્ટાઈલ પર સવાલ ઉઠાવી રહ્યાં છે. ઘણા લોકોનું કહેવું છે કે, રાશિદનો પગ બૉક્સની બહાર છે અને તેનો પાછલો પગ પણ રિટર્નિંગ ક્રિઝથી ઉપર છે. આ રીતે આ બોલ લીગલ ન કહી શકાય. લોકો તેને એમ્પાયરની ચૂક માની રહ્યાં છે.

જણાવી દઈએ કે, અગાઉ ઑસ્ટ્રેલિયાના મહાન સ્પિનર શેન વૉર્ને 1993ની એશિઝ સીરીઝમાં માઈક ગેટિંગને એક શાનદાર બોલ પર આઉટ કર્યો હતો. વોર્ને ફેંકેલો બોલ લેગ સ્ટમ્પની બહાર પિચ ખાઈને ઑફ સ્ટમ્પ પર લાગ્યો હતો. આ બોલને એક્સપર્ટ્સ અને ક્રિકેટ ફેન્સ આજે પણ બૉલ ઑફ ધ સેન્ચુરી તરીકે યાદ કરે છે.

(4:57 pm IST)